Jewels of Gujarat: Nagindas Doshi,જેમણે સાત સમુદ્ર પાર ગુજરાતી અસ્મિતાને અપાવ્યું વૈશ્વિક સન્માન
- Nagindas Doshi: જેતપુરથી સિંગાપોર સુધીની સંઘર્ષગાથા
- સમાજસેવા અને વ્યવસાયના પર્યાય બન્યા નગીનદાસ જયસુખલાલ દોશી
- સિંગાપોરમાં કેવી રીતે સ્થાપ્યો વ્યવસાય અને સેવાનો સામ્રાજ્ય?
- સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટીના પૂર્વ પ્રમુખ નગીનદાસ દોશીની અદભૂત જીવનગાથા
Nagindas Doshi: સિંગાપોરની ધરતી પર જેન સમાજ અને ભારતીય સમુદાયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા નગીનદાસ જયસુખલાલ દોશી (Nagindas Jaysukhlal Doshi) એક એવું વ્યક્તિત્વ છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમનું જીવન સાબિત કરે છે કે જો નિયત નેક હોય અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય તો નિષ્ફળતા ક્યારેય પણ આડે આવતી નથી. આજે તેઓ પોતાની નિઃસ્વાર્થ સમાજસેવા (Community Service) અને વ્યવસાયિક કુશળતાના કારણે વૈશ્વિક સ્તરે જૈન સમુદાયના આશીર્વાદ મેળવી રહ્યા છે.
જન્મ, બાળપણ અને પારિવાર (Birth and Background)
નગીનદાસ દોશીનો જન્મ 14 January, 1931 ના રોજ ગુજરાતના રાજકોટ (Rajkot) જિલ્લામાં આવેલા સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત જેતપુર (Jetpur) શહેરમાં થયો હતો. તેમના પિતા જયસુખલાલભાઈ રેવાશંકર દોશી એક પ્રમાણિક અને જમીન સાથે જોડાયેલા વેપારી હતા, જ્યારે માતા નવલબેન સાદગીના આગ્રહી હતા. નગીનદાસનો ઉછેર તેમના 6 ભાઈ-બહેનો સાથે એક મોટા પરિવારમાં થયો હતો. તેમના દાદા રેવાશંકરભાઈ વ્યવસાયે ડૉક્ટર હતા. અને મોટા દાદા કપૂરચંદભાઈ એન્જિનિયર હતા, જેમના શિસ્તબદ્ધ જીવનમાંથી નગીનદાસે જીવનના પાઠ શીખ્યા હતા.
શિક્ષણ અને પ્રારંભિક સંઘર્ષ (Education and Struggle)
તેમણે પ્રારંભિક શિક્ષણ જેતપુરની સરકારી શાળામાં (Government School) પૂર્ણ કર્યું હતું. ઉચ્ચ અભ્યાસ અને કંઈક કરી છૂટવાના લક્ષ્ય સાથે તેઓ 19 વર્ષની વયે મુંબઈ (Bombay) સ્થાયી થયા હતા. મુંબઈમાં તેમણે કાપડની દુકાનમાં નોકરી કરીને વેપારની બારીકાઈઓ સમજી હતી. જોકે, સંબંધીઓના મહેણાં અને કામ બદલવા માટેના કૌટુંબિક દબાણથી કંટાળીને તેમણે વિદેશ જવાનો નિર્ણય લીધો હતો. થાણે ઓફિસમાં પાસપોર્ટ માટે સતત ધક્કા ખાધા બાદ છેવટે તેમણે સિંગાપોર (Singapore) તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તે સમયે તેમના હાથ ખાલી હતા, પરંતુ તેમની પાસે માત્ર આશા અને અતૂટ વિશ્વાસ હતો.
વ્યવસાયિક સફર અને સફળતાના સોપાન (Professional Journey)
વર્ષ 1951 માં માત્ર 120 રૂપિયાની સ્ટીમરની ટિકિટ લઈને નગીનદાસ સિંગાપોર પહોંચ્યા હતા. શરૂઆતમાં તેમણે માસિક 80 રૂપિયાના પગારમાં સેલ્સ પર્સન (Sales Personnel) તરીકે નોકરી સ્વીકારી હતી. વર્ષ 1959 માં તેમણે વિપિન કંપની (Vipin Company Pte Ltd) નામથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો. કસ્ટમ ક્લિયરન્સ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે મશીન-મેડ કાર્પેટનો બિઝનેસ (Carpet Business) વિકસાવ્યો હતો. તેમની વ્યવસાયિક સૂઝબૂઝ અને પ્રામાણિકતાના કારણે ટૂંક સમયમાં જ તેમને મોટા ઓર્ડર મળવા લાગ્યા અને તેમનો વ્યવસાય વટવૃક્ષ બન્યો હતો.
આ પણ વાંચો---- Mustafa Tapu Zaveri: વ્યવસાયિક કુશળતા, જ્વેલરી ડિઝાઇનિંગ અને 11 પુસ્તકોના લેખક મુસ્તફા ઝવેરીની Success Story
ધર્મ અને સમાજ સેવા પ્રત્યે સમર્પણ (Religious and Social Service)
નગીનદાસ દોશીના જીવનમાં 1974 નું વર્ષ પરિવર્તનકારી સાબિત થયું હતું. તેઓ સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટી (Singapore Jain Religious Society) સાથે જોડાયા અને સતત 20 વર્ષ સુધી પ્રમુખ (President) તરીકે સેવાઓ આપી હતી. તેમણે જૈન ધર્મના પાંચ મહાવ્રતો- અહિંસા, સત્ય, અચૌર્ય (ચોરી ના કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (ભૌતિક સુખનો ત્યાગ)ને પોતાના જીવનનો આધાર બનાવ્યા છે. તેમણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને સખાવતી કાર્યો (Charity Work) માટે ફંડ એકઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બકિંગહામ પેલેસમાં ડ્યુક ઓફ એડિનબર્ગ અને સિંગાપોરના પૂર્વ રાષ્ટ્રપતિ એસ.આર. નાથન જેવા મહાનુભાવો સાથે પણ તેઓ મુલાકાત કરી ચૂક્યા છે.
આદર્શ ગૃહસ્થ જીવન અને સન્માન (Family Life and Honor)
નગીનદાસના જીવનમાં તેમની પત્ની ઉષાબેનનો (Ushaben) સહયોગ અમૂલ્ય રહ્યો છે. 11 March, 1959 ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલ આ દંપતીને ત્રણ સંતાનો છે- પારુલ, સંધ્યા અને દિવ્યેશ. તેમનો પુત્ર દિવ્યેશ આયાત-નિકાસના (Import-Export) વ્યવસાયમાં જોડાયેલો છે. જીવનના અનેક ઉતાર-ચઢાવ છતાં નગીનદાસે ક્યારેય હિંમત હારી નથી. તેઓ માને છે કે માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ છે. 'જ્વેલ્સ ઓફ ગુજરાત' (Jewels of Gujarat) તરીકે તેમની પસંદગી થવી એ તેમના દાયકાઓના પરિશ્રમ અને સેવાભાવનું પરિણામ છે. યુવાનોને પણ તેઓ સખત મહેનત અને પ્રામાણિકતાનો સંદેશ આપે છે.
આ પણ વાંચો---- Nagin Ganpatbhai Patel: નગીનભાઈ પટેલની જીવનગાથા, સંઘર્ષના માર્ગેથી સફળતાના શિખરે બિરાજમાન ગુજરાતના તેજસ્વી રત્ન


