New EPF Scheme 2026: શું છે નવો નિયમ અને સેલેરી લિમિટ
સરકારે સોમવારે જાહેર કરેલી નવી EPF યોજના મુજબ, કોઈપણ સભ્ય માટે કંપનીનું યોગદાન કેન્દ્ર સરકાર સમયસમય પર જે સેલેરી લિમિટ નક્કી કરે તેના આધારે જ રહેશે. જાહેરનામાના પેરા 9 ના સબ-પેરેગ્રાફ 4 ના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો માસિક પગાર નક્કી કરેલી મર્યાદા કરતા વધારે હોય, તો કંપની અને કર્મચારી બંનેનું યોગદાન માત્ર સેલેરી લિમિટના આધારે નક્કી થતા કન્ટ્રીબ્યુશન સુધી જ સીમિત રાખી શકાશે. હાલના સમયમાં જૂની યોજના અંતર્ગત માસિક પગારની મર્યાદા 15,000 રૂપિયા નક્કી થયેલી છે. આ મર્યાદા પર 12 ટકાના દરે પીએફ ફંડ કપાય છે, જે મહત્તમ 1,800 રૂપિયા થાય છે. હવે નવી વ્યવસ્થામાં આ નક્કી રકમથી ઉપરનું યોગદાન સંપૂર્ણપણે કર્મચારી અને કંપનીની ઈચ્છા પર નિર્ભર રહેશે.
New EPF Scheme 2026: જૂની અને નવી યોજના વચ્ચેનો તફાવત
આ પહેલા અમલમાં રહેલી કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 ના નિયમો તદ્દન અલગ હતા. તે વ્યવસ્થામાં કર્મચારી એકવાર યોજનાનો હિસ્સો બની જાય પછી તેણે પોતાના વાસ્તવિક મૂળ પગાર એટલે કે બેઝિક સેલેરી પર જ કન્ટ્રીબ્યુશન આપવું પડતું હતું. કંપની પણ તેની સામે એટલી જ રકમ જમા કરાવતી હતી, ભલે તેનો પગાર સરકારની નક્કી કરેલી મર્યાદા કરતા ગમે તેટલો વધારે હોય. નવી યોજનાએ આ બંધન હટાવી દીધું છે. વર્ષ 2014 ના સુધારા પછી કર્મચારી પેન્શન યોજનામાં કંપનીનું 8.33 ટકા યોગદાન 15,000 રૂપિયાની સેલેરી લિમિટ એટલે કે મહત્તમ 1,250 રૂપિયા પ્રતિ મહિના સુધી સીમિત કરાયું હતું. તેનાથી વધારેની રકમ પીએફ ખાતામાં જમા થતી હતી.
કર્મચારી અને કંપની બંનેને મળ્યો મોટો વિકલ્પ
નવી વ્યવસ્થા હેઠળ જે કિસ્સાઓમાં કર્મચારી પેન્શન યોજના 1995 અંતર્ગત ઊંચા પગાર પર કન્ટ્રીબ્યુશનની મંજૂરી મળેલી છે, તેમાં કંપની સેલેરી લિમિટથી વધુ રકમ પણ પેન્શન ફંડમાં જમા કરાવી શકે છે. નિયમ મુજબ કંપનીનું કન્ટ્રીબ્યુશન કર્મચારીના પગારના 12 ટકા રહેશે. અને કર્મચારીએ પણ તેટલો જ હિસ્સો આપવો પડશે. આ ઐતિહાસિક બદલાવ પછી હવે કર્મચારી અને કંપની બંને પાસે બે સ્પષ્ટ વિકલ્પો રહેશે. તેઓ ધારે તો માત્ર સરકાર માન્ય સેલેરી લિમિટ સુધી જ પીએફ કપાવી શકે છે, અથવા પોતાની મરજીથી વાસ્તવિક ઊંચા પગાર પર વધુ યોગદાન આપી શકે છે. શ્રમ મંત્રાલયે પીએફ કન્ટ્રીબ્યુશનના આ મહત્વના ફેરફાર પર હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વિસ્તૃત ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો--- Indra Nooyi Statement: ઈન્દિરા નૂઈનું વિવાદાસ્પદ નિવેદન, 'જો ભારત હોત તો ક્યારેય CEO ન બની શકી હોત', ચીનના કર્યા ભરપેટ વખાણ