New financial rules: નવા નિયમો અને ફેરફાર
1 જુલાઈ 2026થી અમલી બનનારા 8 મુખ્ય નાણાકીય અને વહીવટી ફેરફારોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગની ડેડલાઇન
નાણાકીય વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-2 ફાઇલ કરતા કરદાતાઓએ 31 જુલાઈ 2026 સુધીમાં પોતાનું રિટર્ન ભરવું ફરજિયાત છે. સમયમર્યાદા ચૂકી જવાથી નાણાકીય દંડ થઈ શકે છે અને કેટલાક ટેક્સ લાભો ગુમાવવાની શક્યતા રહે છે. કરદાતાઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે.
આધાર કાર્ડમાં ઈમેલ અપડેટની સુવિધા
UIDAI દ્વારા આધાર મોબાઈલ એપ પર ઈમેલ એડ્રેસ અપડેટ કરવાની પ્રક્રિયા મફત કરવામાં આવી છે. આ સેવા 31 ડિસેમ્બર 2026 સુધી વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. અગાઉ આ સેવા માટે 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે નાગરિકો આ એપનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનો ડેટા અપડેટ કરી શકશે.
SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં ફેરફાર
SBI કાર્ડ દ્વારા ચોક્કસ ફોન-પે (PhonePe) ક્રેડિટ કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર પર્પલ અને સિલેક્ટ બ્લેક કાર્ડ્સ પર લાગુ થશે. જેમાં રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે અમુક વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ મળવાપાત્ર રહેશે નહીં.
HDFC બેંક ક્રેડિટ કાર્ડ લાઉન્જ એક્સેસ
HDFC ક્રેડિટ કાર્ડ ધારકો માટે એરપોર્ટ લાઉન્જ એક્સેસ મેળવવાના નિયમો કડક બન્યા છે. હવે આ સુવિધાનો લાભ લેવા માટે અગાઉના ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા 60,000 રૂપિયાનો ખર્ચ કરવો ફરજિયાત છે. આ શરત પૂર્ણ કર્યા પછી જ ત્રિમાસિક ગાળામાં 3 વખત ફ્રી લાઉન્જ એક્સેસ મળી શકશે.
પાસપોર્ટ ફીમાં વધારો
વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવાઓના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જુલાઈથી ભારત અને વિદેશમાં બનતા સામાન્ય તેમજ તત્કાલ પાસપોર્ટ માટે વધુ ફી ચૂકવવી પડશે. પાસપોર્ટ માટે અરજી કરનાર તમામ નાગરિકોએ નવા સુધારેલા દરો મુજબ ફી ભરવાની રહેશે.
RBI ના મિસ-સેલિંગ વિરોધી નવા નિયમો
બેંકો દ્વારા ગ્રાહકોને ખોટી માહિતી આપીને નાણાકીય ઉત્પાદનો વેચવાની પ્રથા અટકાવવા RBI નવું માળખું અમલમાં મૂકી રહ્યું છે. નવા નિયમો હેઠળ, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને પ્રોડક્ટ વેચવામાં આવી છે, તેઓ સંપૂર્ણ રિફંડ મેળવવા હકદાર બનશે. બેંકોએ હવે આ મામલે કડક પારદર્શિતા રાખવી પડશે.
રેલવેના કડક સુરક્ષા નિયમો
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓની આરક્ષિત બોગીમાં ગેરકાયદે મુસાફરી કરવા પર 2,500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ટ્રેનમાં જોખમી કે પ્રતિબંધિત સામગ્રી લઈ જનારા મુસાફરો સામે પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાશે.
EPFO 3.0 ડિજિટલ અપગ્રેડ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નવી ડિજિટલ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દ્વારા UPI અને ATM નેટવર્કનો ઉપયોગ કરીને PF ના પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ ડિજિટલ અપગ્રેડનો મુખ્ય ઉદ્દેશ્ય પીએફ સંબંધિત સેવાઓને કર્મચારીઓ માટે અત્યંત સરળ બનાવવાનો છે.
આ પણ વાંચો--- LPG Rules Change: ગેસ કનેક્શન, KYC, બુકિંગ... 1 જુલાઈથી LPG ના અનેક નિયમો થયા છે ફેરફાર