કોણ ખોલાવી શકે NPS Vatsalya Account?
18 વર્ષથી ઓછી ઉંમરના પાત્ર ભારતીય નાગરિક ઉપરાંત NRI (Non-Resident Indian) અને OCI (Overseas Citizen of India) બાળકના નામે પણ NPS વાત્સલ્ય ખાતું ખોલી શકાય છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી ખાતાનું સંચાલન માતા-પિતા અથવા કાનૂની વાલી કરે છે.
ખાતું ખોલવા માટે બાળકની જન્મતારીખનો પુરાવો (Date of Birth Proof) જરૂરી હોય છે. તેમાં જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate), મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, PAN અથવા પાસપોર્ટનો ઉપયોગ થઈ શકે છે. વાલીએ પણ KYC માટે આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા જરૂરી દસ્તાવેજ આપવા પડે છે.
હવે માત્ર 250 રૂપિયાથી શરૂ કરી શકાય રોકાણ
હાલના નિયમ મુજબ NPS વાત્સલ્ય ખાતું ખોલતી વખતે ઓછામાં ઓછું ₹250નું યોગદાન (Contribution) જરૂરી છે. દરેક નાણાકીય વર્ષમાં પણ કુલ ઓછામાં ઓછા ₹250 જમા કરવાના રહે છે, જ્યારે રોકાણની મહત્તમ મર્યાદા (Maximum Limit) નક્કી કરવામાં આવી નથી.
આ યોજના હેઠળ મળતું વળતર માર્કેટ-લિંક્ડ રિટર્ન (Market-Linked Return) છે. એટલે રોકાણ પર કોઈ નિશ્ચિત અથવા ગેરંટીવાળું વ્યાજ મળતું નથી. પસંદ કરેલા પેન્શન ફંડ અને બજારના પ્રદર્શનના આધારે રિટર્ન બદલાઈ શકે છે. રોકાણમાં ઇક્વિટી (Equity) સહિત અલગ-અલગ એસેટ ક્લાસનો ઉપયોગ થઈ શકે છે અને કેટલીક યોજનાઓમાં ઇક્વિટી ફાળવણી 100 ટકા સુધી જઈ શકે છે.
ટેક્સમાં કેટલો લાભ મળી શકે?
NPS વાત્સલ્યમાં માતા-પિતા અથવા વાલી દ્વારા કરવામાં આવેલા પાત્ર રોકાણ પર Old Tax Regime હેઠળ હાલ ₹50,000 સુધીની વધારાની ટેક્સ કપાત (Tax Deduction) મળી શકે છે. આ લાભ Section 80CCD(1B)ને અનુરૂપ જોગવાઈ હેઠળ મળે છે. જોકે New Tax Regimeમાં આ યોગદાન માટે ટેક્સ કપાત ઉપલબ્ધ નથી.
18 વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકાય?
હા. ખાતું શરૂ થયાના ઓછામાં ઓછા 3 વર્ષ બાદ ચોક્કસ જરૂરિયાતો માટે પાર્શિયલ વિથડ્રૉઅલ (Partial Withdrawal) કરી શકાય છે. બાળક માટેના પોતાના યોગદાનના 25 ટકા સુધીની રકમ, રિટર્નને બાદ રાખીને, કાઢી શકાય છે.
આ રકમ બાળકના શિક્ષણ (Education), નક્કી કરેલી ગંભીર બીમારીની સારવાર અથવા 75 ટકાથી વધુ દિવ્યાંગતા જેવી પરિસ્થિતિમાં ઉપાડી શકાય છે. હાલના નિયમો મુજબ 18 વર્ષની ઉંમર પહેલાં વધુમાં વધુ 2 વખત આંશિક ઉપાડ કરી શકાય છે.
બાળક 18 વર્ષનું થાય પછી શું થશે?
18 વર્ષ પૂર્ણ થયા બાદ બાળકને નવું KYC (Know Your Customer) અને નૉમિની સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ ખાતાનું નિયંત્રણ સીધું બાળક પાસે આવે છે. તે NPS વાત્સલ્યને 21 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખી શકે છે, સમગ્ર રકમને નિયમિત NPS Accountમાં ટ્રાન્સફર કરી શકે છે અથવા નિયમો મુજબ યોજનામાંથી બહાર નીકળી શકે છે.
હાલના PFRDA નિયમ મુજબ 18 વર્ષ પછી બહાર નીકળતી વખતે કુલ કોર્પસ (Corpus) ₹8 લાખથી ઓછું હોય તો સંપૂર્ણ રકમ એકમુશ્ત (Lump Sum) ઉપાડવાનો વિકલ્પ મળી શકે છે. કોર્પસ ₹8 લાખ કે તેથી વધુ હોય તો 80 ટકા સુધીની રકમ એકમુશ્ત લઈ શકાય છે અને ઓછામાં ઓછા 20 ટકા રકમથી એન્યુઇટી (Annuity) ખરીદવી જરૂરી છે.
જો બાળકનું મૃત્યુ થાય તો ખાતામાં જમા થયેલું સમગ્ર પેન્શન કોર્પસ નિયમો મુજબ વાલી, નૉમિની (Nominee) અથવા કાનૂની વારસદારને ચૂકવવામાં આવે છે. આ રીતે NPS વાત્સલ્ય બાળક માટે લાંબા ગાળાનું રોકાણ, બચતની આદત અને ભવિષ્યની આર્થિક સુરક્ષા (Financial Security) તૈયાર કરવાનો એક વિકલ્પ આપે છે.
આ પણ વાંચો : UPI MDR 2026: 15 ઓક્ટોબરથી UPIમાં મોટો ફેરફાર, હવે ₹2,000થી વધુના પેમેન્ટ પર લાગશે આટલો ચાર્જ