રાજકોટથી શરૂ થયેલી કહાની
1980ના દાયકામાં રાજકોટના જસવંતરાય મહેતા પોતાના પરિવાર સાથે બેંગ્લુરુ સ્થાયી થયા હતા. તેમના પુત્રો રાજેશ મહેતા અને પ્રશાંત મહેતાએ 1989માં માત્ર 10 કર્મચારીઓ સાથે રાજેશ એક્સપોર્ટ્સની શરૂઆત કરી હતી. કંપનીનું મુખ્ય કાર્ય કાચા સોનાનું રિફાઇનિંગ (Gold Refining) અને જ્વેલરી ઉત્પાદન હતું. સમય જતાં કંપની NSE અને BSE પર લિસ્ટેડ થઈ અને દેશની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનિંગ કંપનીઓમાં સ્થાન મેળવ્યું.
SEBIની તપાસમાં શું સામે આવ્યું?
માર્ચ 2024માં એક શેરહોલ્ડરની ફરિયાદ બાદ SEBIએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કંપનીએ પોતાની આવક (Revenue) માંથી લગભગ 97થી 99 ટકા આવક વિદેશી પેટા કંપનીઓ (Foreign Subsidiaries) દ્વારા દર્શાવી હતી, જ્યારે વાસ્તવિક નાણાકીય હિસાબોમાં આંકડા અલગ જોવા મળ્યા હતા. SEBIના આરોપ મુજબ કંપનીએ માત્ર રિફાઇનિંગ ચાર્જ મેળવતા હોવા છતાં રિફાઇનિંગ માટે આવેલા સોનાની સંપૂર્ણ કિંમતને પણ પોતાની આવક તરીકે દર્શાવી હતી. આ રીતે કંપનીએ ટર્નઓવર (Turnover) અને રેવન્યુને કૃત્રિમ રીતે વધારીને રજૂ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફંડ ડાયવર્ઝન અને બોગસ ટ્રાન્ઝેક્શનના આરોપ
તપાસ દરમિયાન કેટલાક નાણાં કંપનીના ખાતામાં જવા બદલે સીધા રાજેશ મહેતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થયા હોવાના આરોપો પણ લાગ્યા છે. ઉપરાંત, કેટલીક બ્રોકિંગ ફર્મ્સ (Brokerage Firms) મારફતે ખોટા વ્યવહારો (Bogus Transactions) દર્શાવી ટર્નઓવર વધારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. SEBIએ એફ્લુઅન્સ (Affluence) નામની કંપની સાથે 11,448 કરોડ રૂપિયાની લેવડદેવડ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તપાસ દરમિયાન સંબંધિત કંપનીએ એવો દાવો કર્યો હતો કે તેમની અને રાજેશ એક્સપોર્ટ્સ વચ્ચે કોઈ વ્યવહાર જ થયો નહોતો.
LIC અને કેનરા બેન્કના નાણાં પણ દાવ પર!
કંપનીમાં Life Insurance Corporation of India (LIC) નો લગભગ 10.80 ટકા હિસ્સો છે. જો SEBIના આરોપો ભવિષ્યમાં સાચા સાબિત થાય તો LICના રોકાણ પર પણ અસર પડી શકે છે. બીજી તરફ Canara Bank એ કંપનીને 509 કરોડ રૂપિયાની લોન આપી હોવાનું પણ સામે આવ્યું છે. SEBIના અંતરિમ રિપોર્ટ બાદ રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી હતી. 2023માં 1,028 રૂપિયા સુધી પહોંચેલો શેર હાલમાં 100 રૂપિયાની આસપાસ આવી ગયો છે. પરિણામે હજારો રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
કંપનીએ તમામ આરોપો નકાર્યા
રાજેશ મહેતાએ SEBIના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે આ માત્ર અંતરિમ (Interim) આદેશ છે અને કંપની ટૂંક સમયમાં તમામ આરોપોનો કાનૂની જવાબ આપશે. હવે બજારની નજર SEBIની આગામી કાર્યવાહી અને ફોરેન્સિક ઓડિટના પરિણામો પર ટકેલી છે.
આ પણ વાંચો : Surat SEZ માં 2000 કરોડનું Hawala Scam, ડાયમંડના ઓવર વેલ્યુએશન રેકેટનો પર્દાફાશ, ઝડપાયો મુખ્ય સૂત્રધાર