$1.2 બિલિયનના દેવાનો ખુલાસો અને રોબર્ટ કિયોસાકીનો તર્ક
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, રોબર્ટ કિયોસાકી પોતાના વિશાળ રિયલ એસ્ટેટ રોકાણોના કારણે $1.2 બિલિયનના દેવા તળે દબાયેલા છે. સામાન્ય રીતે આટલું મોટું દેવું કોઈપણ વ્યક્તિ માટે નાદારી જેવી સ્થિતિ ગણાય, પરંતુ કિયોસાકી આ અંગે કોઈ અફસોસ વ્યક્ત કરતા નથી. 'ગેટ રિચ એજ્યુકેશન' પોડકાસ્ટમાં તેમણે બિન્ધાસ્ત સ્વીકાર્યું હતું કે, "તો શું થયું, હું દેવામાં છું."
તેમણે સ્પષ્ટતા કરી કે રોકડ પ્રવાહ (Cash Flow) પેદા કરતી મિલકતો ખરીદવા માટે દેવું લેવું એ અમીરો દ્વારા અપનાવવામાં આવતી સૌથી સામાન્ય અને અસરકારક વ્યૂહરચના છે. જોકે, તેમણે સામાન્ય લોકોને સાવચેત કરતાં કહ્યું હતું કે, "તમારે તે ન કરવું જોઈએ જે હું કરું છું. મેં વર્ષ 1974 થી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. દેવાનો ઉપયોગ કરતાં પહેલાં નાણાકીય શિક્ષણ મેળવવું જરૂરી છે." કિયોસાકીની આ કથિત નાણાકીય પદ્ધતિને અહેવાલોમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે. આ મોડેલ મુખ્યત્વે યુએસ ટેક્સ કાયદાની ખામીઓ અને લોનના લાભો પર આધારિત છે.
કિયોસાકીનું બિઝનેસ મોડેલ કેવી રીતે કામ કરે છે:
રિયલ એસ્ટેટ માટે બેંક લોન: કિયોસાકી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ ખરીદવા માટે બેંકો પાસેથી મોટા પાયે લોન લે છે.
મિલકતના ભાવ વધતાં ફરીથી લોન (Refinancing): જ્યારે પ્રોપર્ટીના મૂલ્યમાં વધારો થાય છે, ત્યારે તેઓ તેને ઊંચા ભાવે ગીરો મૂકીને વધુ નવી લોન મેળવે છે.
ટેક્સ ફ્રી મની: કરવેરા કાયદા મુજબ, બેંક પાસેથી લીધેલી લોન એ કમાણી કે આવક (Income) ગણાતી નથી. આથી આ નાણાં સંપૂર્ણપણે Tax-Free Cash તરીકે વાપરવા મળે છે.
પૂર્વ પત્ની કિમ કિયોસાકીનો ખુલાસો: વ્યક્તિગત લોન નહીં પણ રિયલ એસ્ટેટ એસેટ્સ
આ સમગ્ર વિવાદ વચ્ચે તેમની પૂર્વ પત્ની અને બિઝનેસ પાર્ટનર કિમ કિયોસાકીએ 'વેનિટી ફેર' સાથેની વાતચીતમાં સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે આ રકમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને આ રોબર્ટનું કોઈ વ્યક્તિગત દેવું નથી. "અમારી પાસે બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને અંદાજે 1,500 થી વધુ એપાર્ટમેન્ટ હાઉસ છે. ટેકનિકલી અમારા પર આ મોટું દેવું છે, પરંતુ તે અચલ સંપત્તિ (Real Estate) સામે સુરક્ષિત છે. તેમાં રોબર્ટનો વ્યક્તિગત હિસ્સો ઘણો મર્યાદિત છે. આ માત્ર રોકાણ વ્યૂહરચનાનો એક હિસ્સો છે."
4.4 કરોડથી વધુ વેચાયેલી બુક અને રોકાણકારો માટે ચેતવણી
વર્ષ 1997 માં પ્રકાશિત થયેલી 'રિચ ડેડ પુઅર ડેડ' ની અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. કિયોસાકી હંમેશા સોશિયલ મીડિયા પર યુએસ ડોલરને નકલી ચલણ અને ગોલ્ડ, સિલ્વર તથા બિટકોઈનને સાચી સંપત્તિ ગણાવતા આવ્યા છે. જોકે, આર્થિક નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પ્રકારની હાઈ-લેવરેજ (અતિશય દેવું લેવાની) વ્યૂહરચના સામાન્ય રોકાણકારો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે વ્યાજદરો વધતા હોય કે રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આવે.
આ પણ વાંચો : Nirmala Sitharaman On GDP : ખરાબ દિવસો ભૂલી જાઓ! 7.8% GDP અને $700 અબજ ફોરેક્સ પર નાણામંત્રીની મોટી ભવિષ્યવાણી