Jewels of Gujarat: પ્રારંભિક જીવન અને પારિવારિક પૃષ્ઠભૂમિ
કનકસી ગોકળદાસ ખીમજીનો જન્મ 1936માં એક પરંપરાગત ગુજરાતી વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પરિવારના મૂળ ગુજરાતના માંડવી સાથે જોડાયેલા હતા. વર્ષ 1870માં તેમના પૂર્વજ રામદાસ ઠાકરસીએ વ્યાપારના વિસ્તરણ માટે ઓમાનના મસ્કત શહેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે સુરના દરિયાકાંઠેથી અનાજ, તેજાના અને મસાલાના વ્યાપારથી પોતાની શરૂઆત કરી હતી. ત્યારબાદ બદલામાં તેઓ ખજૂર, સૂકા લીંબુ અને લોબાન જેવા ઉત્પાદનો ભારત મોકલતા હતા. તેમના પુત્ર ખીમજી રામદાસે પિતાના વ્યાપારને આગળ વધારવામાં પાયાનું યોગદાન આપ્યું હતું. આ પરિવારની નિષ્ઠા જોઈને તત્કાલીન સુલતાને તેમને ખાસ સન્માન આપ્યું હતું, અને બાદમાં સુલતાન કબૂસ દ્વારા તેમને ઓમાનની નાગરિકતા પ્રાપ્ત થઈ હતી.
Jewels of Gujarat: વ્યાપાર સામ્રાજ્યનો વિસ્તાર
કનકસી ખીમજીએ મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1970માં પિતા ગોકળદાસ પાસેથી વ્યાપારની ધૂરા સંભાળી હતી. તેમણે પોતાની મહેનત અને સૂઝબૂઝથી ખીમજી રામદાસ ગ્રુપને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું. આજે આ ગ્રુપ 400થી વધુ વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, લાઈફસ્ટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સક્રિય છે. મસ્કતમાં પ્રથમ બેંક HSBCની સ્થાપના કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ઓમાનમાં ફોર્ડ ડીલરશીપ લાવનાર પ્રથમ વ્યક્તિ હતા અને આ ડીલરશીપની પ્રથમ કાર ખુદ સુલતાન દ્વારા ખરીદવામાં આવી હતી.
Jewels of Gujarat: પરોપકારી કાર્યો અને સમાજ સેવા
તેમનું વ્યક્તિત્વ માત્ર વ્યાપાર સુધી સીમિત નથી. તેમણે સમાજ સેવાને પોતાના જીવનનું એક મહત્વનું પાસું બનાવ્યું છે. શિક્ષણના ક્ષેત્રમાં તેમણે 1975માં મસ્કતમાં પ્રથમ અંગ્રેજી માધ્યમની ભારતીય શાળાની સ્થાપના કરી હતી. આજે ઓમાનમાં 19થી વધુ શાળાઓમાં 17000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ માટે તેમણે શેઠ ગોકળદાસ ખીમજી અને મથુરદાસ ખીમજી મસ્કતવાલા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. રમતગમતના શોખીન એવા કનકસીભાઈ ઓમાન ક્રિકેટ ક્લબના ચેરમેન તરીકે સેવા આપે છે. તેમની આ સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને 2011માં પ્રતિષ્ઠિત ગ્લોબલ પેપ્સી ICC ડેવલપમેન્ટ પ્રોગ્રામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2003માં તેમને પ્રવાસી ભારતીય સન્માન પણ એનાયત થયું હતું.
વ્યક્તિગત જીવન અને જીવનદર્શન
કનકસી ખીમજીનું અંગત જીવન પણ તેટલું જ ગૌરવશાળી છે. 20 નવેમ્બર 1960ના રોજ સુલતાન સઈદ બિન ફૈસલે તેમના લગ્નમાં ખાસ હાજરી આપી હતી. તેમને પંકજ, નિલેશ અને દીપા નામના ત્રણ સંતાનો છે. તેઓ ભગવાન શ્રીનાથજીમાં અતૂટ આસ્થા ધરાવે છે અને જીવનભર શુદ્ધ શાકાહારી રહ્યા છે. તેમની જીવન ફિલોસોફી ખૂબ જ સ્પષ્ટ છે કે જે પણ કાર્ય કરો તે સંપૂર્ણ સમર્પણભાવ સાથે કરવું જોઈએ. તેમની સફળતાનું રહસ્ય તેમના સખત પરિશ્રમ અને નિષ્ઠામાં છુપાયેલું છે, જે આવનારી પેઢીઓ માટે હંમેશા એક દિશાસૂચક બની રહેશે.
આ પણ વાંચો--- Jewels of Gujarat: નડિયાદના નાના ગામથી કેન્યાની સફર, બિઝનેસમેન ઈન્દ્રવદન પટેલનો સંઘર્ષ અને સફળતા