ચાંદીનો ભાવ 1 કલાકમાં 21,500 રૂપિયા ગગડયો, જાણો કિંમત ઘટવાના ત્રણ કારણ
. સોમવારે ઝવેરી બજારમાં ચાંદીની કિંમત સવારે 2.54 લાખ પ્રતિ કિ.ગ્રા.ની રેકોર્ડ ઊંચાઈએ હતી
. ચાંદીની કિંમત 1 કલાકની અંદર 21,500 રૂપિયા પ્રતિ કિ.ગ્રા ઘટી
. ચાંદીની કિંમતો ગગડતા નાના રોકાણકારો સાવધાન થયા
Silver Prices Crash: ઝવેરી બજારમાં આજે જે થયું, તેણે રોકાણકારોના શ્વાસ થંભાવી દીધા. ચાંદીની કિંમતોમાં સોમવારે એવો માર્કેટ ડ્રામ જોવા મળ્યો જેવો કદાચ પહેલા ક્યારેય પણ જોવા મળ્યો ન હોય. જે ચાંદીએ સવારે ઈતિહાસ રચીને 2.54 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની વિક્રમજનક સપાટીને સ્પર્શ કર્યો હતો, તે માત્ર 1 કલાકમાં જ 21,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલો ગગડયો.
પળભરમાં થયો ખેલ
સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જપર ચાંદીનો માર્ચ વાયદા ભાવ જ્યારે 2,54,154 રૂપિયાએ પહોંચ્યો, ત્યારે બજારમાં જશ્નનો માહોલ હતો. એવું લાગી રહ્યું હતું કે 2025નો અંત ચાંદીના રેકોર્ડ સાથે થશે. પરંતુ કહેવાય છે કે ઊંચાઈ પર હવા તેજ હોય છે, બરાબર એવું જ થયું. અચાનક નફાવસૂલીની એવી આંધી ચાલી કે ભાવ ગગડીને 2,32,663 રૂપિયા પર આવી ગયો.
આ પણ વાંચો: Silver Price Record High : રાજકોટ-મુંબઈ સહિતના શહેરોમાં ભાવ જાણીને ચોંકી જશો
આખરે કેમ આવ્યો આવો ભૂકંપ?
જાણકારો મુજબ, ચાંદીમાં આ મોટો ભાવ ઘટાડો થવાના ત્રણ કારણો છે.
(1) મોટી નફાવસૂલી
રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ મોટા ટ્રેડર્સે પોતાના નફાને સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેના કારણે વેચવાલીનું દબાણ વધ્યું.
(2) આંતરરાષ્ટ્રીય બજારની અસર
વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત 80 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 75 ડોલર પર પહોંચી, તેની સીધી અસર ભારતીય બજાર પર પડી.
(3) સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો
રશિયા-યૂક્રેન તણાવમાં કેટલાક શાંતિના અહેવાલોને કારણે રોકાણકારોના વલણ સેફ એસેટ્સ એવા સોના-ચાંદીથી થોડા ઘટયા.
150% રિટર્ન બાદ હળવું થયું બજાર
ભલે આજે ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ ગત એક વર્ષના ટ્રેક રેકોર્ડને જોતા ચાંદીના રોકાણકારો માલામાલ થયા છે. ડિસેમ્બર, 2024માં જે ચાંદી લગભગ 90,000 રૂપિયાની આસપાસ હતી, તે 150 ટકાથી વધુની છલાંગ લગાવી ચુકી છે. સોલર પેનલ, ઈલેક્ટ્રિકલ વ્હીકલ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ચાંદીની ભારે માંગે આને કિંમતી ધાતુમાંથી સુપર મેટલ બનાવી દીધી છે.


