Stock Market Crash : સેન્સેક્સ 830 પોઈન્ટ ગબડ્યો, રોકાણકારોએ ગુમાવ્યા ₹3.29 લાખ કરોડ
- સેન્સેક્સમાં 830 પોઈન્ટનો ભયાનક કડાકો
- રોકાણકારોએ ₹3.29 લાખ કરોડની સંપત્તિ ગુમાવી
- ક્રૂડ ઓઈલ $120 ને પાર પહોંચતા હાહાકાર
- ઈરાન-અમેરિકા તણાવની માર્કેટ પર માઠી અસર
- બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરમાં ગાબડા
Stock Market Crash : ભારતીય શેરબજાર (Stock Market) આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $120 ને પાર કરી જતાં તેની માઠી અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે. આ સાથે જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Investors) દ્વારા કરવામાં આવેલી જોરદાર વેચવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડા પડ્યા છે.
Stock Market Crash પાછળના મુખ્ય કારણો
શેરબજારમાં સર્જાયેલા આ હાહાકાર પાછળ અનેક કારણો જવાબદાર છે. પ્રથમ કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન કરવો તે છે. વ્યાજદરો સ્થિર રહેતા બજારને કોઈ મોટો સપોર્ટ મળી શક્યો નથી. બીજું મહત્વનું કારણ વૈશ્વિક તણાવ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાન સામેની નાકેબંધી ચાલુ રાખવાની જાહેરાત અને તેના જવાબમાં ઈરાન દ્વારા આપવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની ચેતવણીએ રોકાણકારોમાં ગભરાટ (Panic Selling) ફેલાવ્યો છે.
Stock Market Crash : રોકાણકારોની મિલકતનું ધોવાણ
આજના પ્રચંડ કડાકાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ (Market Cap) અંદાજે ₹3.29 લાખ કરોડ ઘટી ગયું છે. સવારે 9:22 કલાકે BSE સેન્સેક્સ (BSE Sensex) 830.80 પોઈન્ટ એટલે કે 1.07% ના ઘટાડા સાથે 76,665.56 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 (Nifty 50) પણ 267.50 પોઈન્ટ એટલે કે 1.11% ગબડીને 23,910.15 ના સ્તરે પહોંચી ગયો હતો. બેંકિંગ, ઓટો અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે.
શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 મુખ્ય શેરોમાંથી માત્ર બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ જ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે, બાકીના તમામ શેરોમાં ઘટાડો છે. ઝોમેટોની એટર્નલ, એક્સિસ બેંક અને ઈન્ડિગો જેવા શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. જો કે, આ કડાકા વચ્ચે પણ 49 શેરોએ પોતાની એક વર્ષની સર્વોચ્ચ સપાટી (52-Week High) હાંસલ કરી છે, જ્યારે 8 શેરો લઘુત્તમ સપાટીએ પહોંચ્યા છે. નિષ્ણાતો મુજબ, જ્યાં સુધી ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી બજારમાં અસ્થિરતા (Volatility) જળવાઈ રહેશે.
આ પણ વાંચો : Crude Oil Price Hike: તેલના ભાવમાં આગ ઝરતી તેજી! બ્રેન્ટ ક્રૂડની સદી પાર, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?


