અમેરિકાની મોટી કંપનીઓના શેરમાં રોકાણ કરનારા ભારતીય રિટેલ રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુ સ્થિત ફિનટેક પ્લેટફોર્મ Stockal Securities સાથે જોડાયેલા કથિત અનધિકૃત ટ્રેડિંગના કારણે આશરે 30 રોકાણકારોને રૂ. 100 કરોડથી વધુનું નુકસાન થયાનો અહેવાલ છે. રોકાણકારોના આરોપ મુજબ, 15 ઓક્ટોબર, 2026ના રોજ તેમની મંજૂરી વિના અમેરિકન કંપનીઓના શેર વેચી દેવામાં આવ્યા હતા અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ અન્ય ઓછી જાણીતી કંપનીના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આ મામલે હવે Stockal અને તેના અમેરિકન ક્લિયરિંગ પાર્ટનર DriveWealth વચ્ચે જવાબદારીને લઈને વિવાદ શરૂ થયો છે.
Apple, Tesla અને Nvidiaના શેર વેચાયાનો આરોપ
રોકાણકારોના જણાવ્યા પ્રમાણે, તેમના પોર્ટફોલિયોમાં રહેલા Apple, Tesla, Amazon, Alphabet, Nvidia અને AMD જેવી જાણીતી કંપનીઓના શેર તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમનો ઉપયોગ ચીનની કંપની Zhibao Technology Inc. (ZBAO)ના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. એક પ્રભાવિત રોકાણકારે જણાવ્યું હતું કે તેમના આશરે 3.35 લાખ ડોલર એટલે કે લગભગ રૂ. 3 કરોડથી વધુની કિંમતના 10 મોટા અમેરિકન શેર વેચી દેવામાં આવ્યા હતા.
આ રકમથી સરેરાશ 1.05 ડોલરના ભાવે ZBAOના 3 લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. જોકે, 23 ઓક્ટોબરે આ શેરનો ભાવ ઘટીને 0.42 ડોલર થઈ ગયો હતો. રોકાણકારે આ સમગ્ર ઘટનામાં આશરે 4.26 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો દાવો કર્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ટ્રેડિંગ અંગે તેમને નિયમિત કન્ફર્મેશન ઈમેઇલ મળ્યા નહોતા.
માત્ર 2 મિનિટમાં રૂ. 29 કરોડના શેર વેચાયા!
આ કેસમાં અન્ય એક રોકાણકારે વધુ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમના ખાતામાંથી આશરે 31 લાખ ડોલર એટલે કે રૂ. 29 કરોડની સિક્યોરિટીઝ માત્ર 2 મિનિટમાં વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ માત્ર 15 મિનિટમાં આ રકમથી ઓછા ટ્રેડિંગ ધરાવતા એક શેરના 30.5 લાખ યુનિટ ખરીદવામાં આવ્યા હતા. રોકાણકારનો દાવો છે કે તેમનો પોર્ટફોલિયો હજુ સુધી પૂર્વવત્ થયો નથી અને નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવી નથી. આ મામલે બેંગલુરુમાં FIR પણ નોંધાવવામાં આવી છે.
Stockalએ શું કહ્યું? ફિશિંગની શક્યતા વ્યક્ત કરી
આ ગંભીર આરોપો સામે Stockalની પેરન્ટ કંપની Borderless Investingએ 4 નવેમ્બરે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. કંપનીના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં 26 ગ્રાહકોના એકાઉન્ટ્સમાં માન્ય લોગિન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને કોઈ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ મેળવ્યો હોવાની આશંકા છે. તેમાંથી 13 એકાઉન્ટમાં મોટા અમેરિકન શેર વેચીને ઓછી લિક્વિડિટી ધરાવતા માઇક્રોકૅપ શેર ખરીદવામાં આવ્યા હતા.
કંપનીએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં તેના પોતાના પ્લેટફોર્મ, ઇન્ટરફેસ કે આંતરિક સિસ્ટમમાં કોઈ હેકિંગના પુરાવા મળ્યા નથી. કંપનીએ ફિશિંગ અથવા સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા લોગિન વિગતો ચોરાઈ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, આ સંભાવનાની હજુ પુષ્ટિ થઈ નથી. કંપનીએ વધુમાં જણાવ્યું કે તપાસ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ રકમ એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવી હોવાનો પુરાવો મળ્યો નથી.
DriveWealthએ Stockal પર ઢોળી જવાબદારી
Stockal અને તેના અમેરિકન ક્લિયરિંગ તથા કસ્ટડી પાર્ટનર DriveWealth વચ્ચે પણ જવાબદારીને લઈને મતભેદ છે. 30 ઓક્ટોબરના રોજ એક પ્રભાવિત રોકાણકારને મોકલેલા સંદેશમાં DriveWealthએ જણાવ્યું હતું કે અનધિકૃત એક્સેસ Stockalના ઇન્ટરફેસ દ્વારા થયો હતો અને તેના માટે Stockal જવાબદાર છે. બીજી તરફ Stockalએ પોતાની સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો હોવાના પુરાવા ન મળ્યાનું જણાવ્યું છે. આમ, બંને કંપનીઓ વચ્ચે જવાબદારીનો મુદ્દો હજુ વણઉકેલાયેલો છે.
HDFC Securitiesનું નામ પણ FIRમાં સામેલ
આ રોકાણકારો 2019માં HDFC Securities અને Stockal વચ્ચે શરૂ થયેલી ગ્લોબલ ઇન્વેસ્ટિંગ પાર્ટનરશિપ મારફતે અમેરિકન શેરબજારમાં રોકાણ કરતા હતા. જોકે, બંને કંપનીઓ વચ્ચેની કાર્યકારી ભાગીદારી જુલાઈ 2024માં સમાપ્ત થઈ ગઈ હતી. બેંગલુરુમાં નોંધાયેલી FIRમાં Stockal, DriveWealth, Borderless અને HDFC Securities સહિતની કંપનીઓનાં નામ સામેલ છે.
જોકે, HDFC Securitiesને આ FIRમાં આરોપી બનાવવામાં આવી નથી. આ મામલે એક રોકાણકારે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) અને અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)નો પણ સંપર્ક કર્યો છે. આ ઘટના બાદ વિદેશી શેરબજારમાં રોકાણ કરતા ભારતીયો માટે એકાઉન્ટની સુરક્ષા, ટ્રાન્ઝેક્શનની ચકાસણી અને જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : DA Hike : કેન્દ્ર બાદ હવે આ રાજ્યના સરકારી કર્મચારીઓને બમ્પર ભેટ! DAમાં કર્યો 3% નો વધારો