અવકાશમાં સફળતાની લાંબી સફર
સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ થયો હતો. તેમનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે જોડાયેલું છે. તેમણે શિક્ષણ Needham High School માં પૂર્ણ કર્યું હતું. શરૂઆતમાં તેઓ પશુ ચિકિત્સક બનવાનું સપનું સેવતા હતા. પરંતુ સમય જતાં તેમનો ઝુકાવ અવકાશ વિજ્ઞાન તરફ વળ્યો હતો. તેઓ 1987માં નેવલ એકેડમીમાંથી કમિશન મેળવીને અમેરિકી નૌકાદળમાં જોડાયા હતા. વર્ષ 1998માં નાસા દ્વારા તેમની પસંદગી એક અવકાશયાત્રી તરીકે કરવામાં આવી હતી.
અદભૂત અવકાશી સિદ્ધિઓ અને રેકોર્ડ્સ
સુનિતા વિલિયમ્સે પોતાના બે મિશન દરમિયાન અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. તેમણે 50 કલાક અને 40 મિનિટનું કુલ સ્પેસવોક કરીને મહિલા અવકાશયાત્રી તરીકે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેઓ બે મિશનમાં કુલ 322 દિવસ અવકાશમાં રહી ચૂક્યા છે. વર્ષ 2007માં તેમણે અંતરિક્ષમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેમણે 4 કલાક અને 24 મિનિટમાં બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી હતી.
![Jewels Of Gujarat_GUJARAT 0]()
સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ
સુનિતા વિલિયમ્સ ભલે વિદેશમાં સ્થાયી થયા, પરંતુ તેમનું હૃદય હંમેશા ભારત સાથે જોડાયેલું રહ્યું છે. ભારત પ્રવાસ દરમિયાન તેમણે અનેક સન્માન મેળવ્યા છે. તેમને 2008માં પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ અવારનવાર પોતાની ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ગર્વ અનુભવે છે. તેઓ અવકાશમાં પોતાની સાથે ગીતા, ગણેશજીની મૂર્તિ અને સમોસા જેવી પ્રિય વસ્તુઓ લઈ ગયા હતા. આ બાબત તેમના ભારતીય મૂલ્યો પ્રત્યેના લગાવને દર્શાવે છે.
યુવા પેઢી માટે પ્રેરણાનું ઝરણું
સુનિતા વિલિયમ્સના જીવનમાં શિક્ષણ, પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતાનું મહત્વ ખૂબ વધારે છે. તેઓ યુવાનોને એક સંદેશ આપે છે કે કોઈપણ પ્રાદેશિક અવરોધોને ઓળંગીને વિશ્વના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. તેમના જીવનના મુખ્ય મૂલ્યોમાં અનુકૂલનક્ષમતા, દયા, આદર અને શિસ્તનો સમાવેશ થાય છે. તેઓ આજે પણ નવી પેઢીને પોતાના સપના પૂરા કરવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. તેમનું જીવન સફળતા મેળવવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો---- Jewels Of Gujarat : પ્રામાણિકતા, પરિશ્રમ અને પરોપકારનું પ્રતીક, જાણો સોમાભાઈ પ્રજાપતિની અનોખી જીવનયાત્રા