Union Budget 2025: બજેટ દરમિયાન લોકોની ચાંપતી નજર રહેશે શેરબજાર પર
- દેશની સૌથી મોટી લોકશાહીનું બજેટ આજે થયો રજૂ
- નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
- બજેટ દરમિયાન લોકોની નજર શેરબજાર પર હશે
Union Budget 2025: દેશની સૌથી મોટી લોકશાહીનું બજેટ (Union Budget 2025) આજે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ દરમિયાન લોકોની ચાંપતી નજર શેરબજાર પર પણ હશે. આ વખતે બજેટના દિવસે શેરબજારની શું હાલત હશે તેનો અંદાજ છેલ્લા 24 વર્ષના ટ્રેન્ડને જોઈને લગાવી શકાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે છેલ્લા 24 વર્ષમાં બજેટના દિવસે શેરબજારની શું હાલત રહી છે.
વર્ષ 2013માં બજારમાં ઘટાડો જોવા મળ્યો
વર્ષ 2013માં યુપીએની સરકાર હતી. તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમએ બજેટ રજૂ કર્યું હતું. તે સમયે બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની ખરાબ અસર શેરબજાર પર પડી હતી. આ જ કારણ હતું કે સેન્સેક્સ 1.52 ટકા ઘટીને 19,000ની નીચે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 1.79 ટકા ઘટ્યો હતો.
વર્ષ 2014નું વચગાળાનું બજેટ
વર્ષ 2014માં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હતી. નાણામંત્રી પી. ચિદમ્બરમના નેતૃત્વમાં યુપીએ સરકારે 17 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. બજેટના દિવસે નિફ્ટીમાં 0.41 ટકાનો વધારો જોવા મળ્યો હતો
મોદી સરકારનું પહેલું બજેટ
જો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી બે બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પછી એનડીએ સરકારની જીત થઈ હતી. નવી સરકારના નાણામંત્રી અરુણ જેટલીએ 10મી જુલાઈએ બજેટ રજૂ કર્યું હતું. જોકે, શેરબજારમાં મામૂલી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વર્ષ 2015માં બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું
વર્ષ 2015માં અરુણ જેટલીએ ફરી એકવાર 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું. આ પછી બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 141.38 પોઈન્ટના ઉછાળા સાથે 29,361.50 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 0.65 ટકાનો વધારો જોવા મળ્યો છે.
યુનિયન બજેટ 2016
વર્ષ 2016માં અરુણ જેટલીએ 29 ફેબ્રુઆરીએ ત્રીજી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેમણે ગ્રામીણ વિકાસ પર વધુ ભાર મૂક્યો. જોકે, સેન્સેક્સ 0.66 ટકા ઘટીને 23,000ની આસપાસ બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વર્ષ 2017માં બજારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો
વર્ષ 2017માં બજેટની તારીખ બદલીને પહેલી ફેબ્રુઆરી કરવામાં આવી હતી. અગાઉ તમામ બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય રેલવે બજેટને પણ તેમાં ભેળવી દેવામાં આવ્યું હતું. અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું. આ બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ મધ્યમ વર્ગને રાહત આપી હતી અને બજારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સેન્સેક્સ 485.68 પોઈન્ટના ઉછાળા સાથે 28,141.64 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 1.81 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
વર્ષ 2018માં બજારમાં ઘટાડો જોવા મળ્યો
વર્ષ 2018માં નાણામંત્રી અરુણ જેટલીનું આ છેલ્લું બજેટ હતું. આમાં તેણે MSME અને રોજગાર પર વધુ ધ્યાન આપ્યું. પરંતુ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 0.16 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 0.10 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો.
યુનિયન બજેટ 2019
જો 2019ના બજેટની વાત કરવામાં આવે તો, આ વર્ષે બે બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ પિયુષ ગોયલે પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બાદમાં નિર્મલા સીતારમણે જુલાઈમાં બજેટ રજૂ કર્યું હતું. પરંતુ બજારે નકારાત્મક પ્રતિક્રિયા આપી. નિફ્ટીમાં 1.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વર્ષ 2020માં માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો
વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેમાં નવા આવકવેરા સ્લેબ અને નીચા દરની દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે, ઉદ્યોગ માટે કોઈ મોટું રાહત પેકેજ નહોતું. તેના કારણે માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને સેન્સેક્સ 2.43 ટકા ઘટીને 40,000ની નીચે બંધ થયો હતો.
કોરોના બાદના બજેટમાં બજારનો હાકારાત્મક અભિગમ
કોરોના મહામારી પછી વર્ષ 2021માં નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. બજારે તેને હકારાત્મક રીતે લીધો. આ પછી સેન્સેક્સ 2,314.84 પોઈન્ટ વધીને 48,600.61 પર બંધ થયો. નિફ્ટીમાં 4.47 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-Economic Survey 2025: મોટી લોન નહીં પરંતુ નાની લોન અર્થતંત્ર માટે ખુબ જોખમી
કેન્દ્રિય બજેટ 2022
નિર્મલા સીતારમણે 2022નું બજેટ રજૂ કર્યું. જેમાં 5G અને ડિજિટલ કરન્સી માટે પગલાં લેવામાં આવ્યા હતા. બજારે તેને હકારાત્મક રીતે લીધો અને સેન્સેક્સ 849.40 પોઈન્ટના ઉછાળા સાથે 58,862.57 પર બંધ થયો.
આ પણ વાંચો-Budget 2025:મોદી સરકાર બજેટમાં કરી શકે 10 મોટા એલાન, ઘટી શકે ઈંધણના ભાવ
વર્ષ 2023માં ઈન્ટ્રાડે હાઈને સ્પર્શ્યો હતો
નિર્મલા સીતારમણે આ બજેટ 2023માં રજૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 1,100 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈને સ્પર્શ્યો હતો. અંતે તે 158.18 પોઈન્ટ વધીને 59,708.08 પર બંધ રહ્યો હતો.
યુનિયન બજેટ 2024
બજેટ 2024 પછી બજાર ઘટ્યું. આનું કારણ એ હતું કે સરકારે કેપિટલ ગેઈન ટેક્સ અને ટ્રેડિંગ ડેરિવેટિવ્ઝ પર ટેક્સ વધાર્યો હતો. તેથી નિફ્ટીમાં 0.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-LPG Price:બજેટ પહેલા આવ્યા ખુશીના સમાચાર, ગેસ સિલેન્ડરના ભાવમાં થયો ઘટાડો
આ વખતે દરેક ક્ષેત્રને ઘણી અપેક્ષાઓ
નાણામંત્રીના દરેક ભાષણથી શેરબજારનો મૂડ નક્કી થાય છે. આ વખતના બજેટ પાસેથી દરેક ક્ષેત્રને ઘણી અપેક્ષાઓ છે. આ વખતના બજેટ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે. જેમાં આવકવેરામાં ફેરફાર, GST સુધારા, કૃષિ અને પ્રવાસનને પ્રોત્સાહન સહિત અનેક નાના-મોટા ફેરફારો જોવા મળી શકે છે.