Jewels of Gujarat: જન્મ અને પ્રારંભિક સંઘર્ષ
વિશ્રામ જદવા પટેલનો જન્મ 1945 માં થયો હતો. તેમનું વતન ગુજરાતના કચ્છ જિલ્લાનું ભારાસર ગામ છે. તેમના પિતાનું નામ જદવા મેઘજી પટેલ અને માતાનું નામ રંભાઈ હતું. પરિવાર અત્યંત ગરીબ હતો અને પાંચ ભાઈ-બહેનોમાંથી તેઓ એક હતા. તેમના પિતા કેન્યામાં ખેતમજૂરી, સુથારીકામ અને કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, શિક્ષણનું મહત્વ સમજતા તેમના પિતાએ તેમને ભણાવવાનો સંકલ્પ કર્યો હતો.
Jewels of Gujarat: શિક્ષણ માટેનો સંઘર્ષ
જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતા તેમને કેન્યા લઈ ગયા હતા. ત્યાંની શાળાઓમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હતો. વિશ્રામ પટેલ માટે અંગ્રેજી એક અજાણી અને કઠિન ભાષા હતી. એક વર્ષ ખાનગી ટ્યુશન મેળવ્યા બાદ તેમણે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત પાછા આવ્યા પછી, તેમણે અમદાવાદની સ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો હતો. આર્થિક તંગી હોવા છતાં, સરકાર દ્વારા મળેલ શિષ્યવૃત્તિની મદદથી તેઓ સિવિલ એન્જિનિયર બન્યા હતા.
Jewels of Gujarat: વ્યવસાયિક સફર અને ઉદય
1969 માં તેઓ ફરી કેન્યા ગયા અને લક્ષ્મણભાઈ એન્ડ કંપનીમાં નોકરી શરૂ કરી. તેમની મહેનત જોઈને તેમને સેશેલ્સ મોકલવામાં આવ્યા હતા. સેશેલ્સમાં તેમણે હોટલના પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, અને કંપનીમાં પ્રમોશન મેળવ્યું હતું. 1979 માં તેમણે પોતાની સ્વતંત્ર કંપની 'વિજય કન્સ્ટ્રક્શન'ની સ્થાપના કરી. આજે તેઓ સેશેલ્સમાં સ્થાયી છે અને સફળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. તેમનું કાર્ય સેશેલ્સ અને આફ્રિકાના વિકાસમાં મહત્વનું રહ્યું છે.
Jewels of Gujarat: સામાજિક જવાબદારી અને પરોપકાર
વિશ્રામ પટેલ માનવતાના સેવાકાર્યોમાં પણ સક્રિય છે. તેઓ પોતાના ગામમાં પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ પૂરી પાડે છે. તેઓ ભુજમાં સૂર્યા વારસની એકેડેમી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ આપે છે. સેશેલ્સમાં પણ તેમણે ઘણી શાળાઓને મદદ કરી છે. તેઓ જરૂરિયાતમંદોને સતત મદદરૂપ થાય છે અને શિક્ષણને જીવનમાં સફળતા મેળવવાનું મુખ્ય સાધન માને છે.
અંગત જીવન અને મૂલ્યો
તેમના જીવનમાં પત્ની કુસુમ સાથેના લગ્ન અને પુત્ર સુર્યાના જન્મ બાદના સંઘર્ષો પણ રહ્યા છે. 2009 માં તેમના પુત્ર સુર્યાનું અવસાન તેમના જીવનનો સૌથી મોટો આઘાત હતો. હાલમાં તેમનો પરિવાર વ્યવસાયના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. તેઓ જીવનમાં નમ્રતા, પ્રામાણિકતા, કરુણા અને શ્રદ્ધા જેવા મૂલ્યોને સર્વોપરી માને છે. તેઓ પર્વતારોહણ, સ્વિમિંગ અને મુસાફરીનો શોખ ધરાવે છે. તેમની સફળતાનું રહસ્ય સકારાત્મક અભિગમ અને સમાજને પાછું આપવાની ભાવના છે.
આ પણ વાંચો--- Jewels of Gujarat: એડવર્ટાઈઝિંગ જગતના રત્ન, વિશાલ શાહની સફળતાનું રહસ્ય અને સામાજિક પ્રતિબદ્ધતા