Petrol-Diesel : પેટ્રોલ અને ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવા અંગે કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસની મધ્યરાત્રિએ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પરનો વિન્ડફોલ ટેક્સ ₹3.50 અને ડીઝલ પર ₹1.50 ઘટાડી દીધો છે. આ સાથે જ ઉડ્ડયન ઇંધણ નિકાસ પરના ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારી આદેશ અનુસાર, ડીઝલ નિકાસ પર ડ્યુટી ₹25.5 થી ઘટાડીને ₹24 પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે પેટ્રોલ પર ડ્યુટી ₹3.50 થી ઘટાડીને સીધી શૂન્ય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઉડ્ડયન ટર્બાઇન ઇંધણ પરનો ટેક્સ જે અગાઉ ₹22 પ્રતિ લિટર હતો, તે હવે ઘટાડીને ₹19.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે, એટલે કે ATF માં પ્રતિ લિટર ₹2.50 નો ઘટાડો થયો છે.
પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ ₹3.50 ઘટાડાયો
ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલ સપ્લાયમાં સર્જાયેલા વિક્ષેપને કારણે સરકારે ફરીથી વિન્ડફોલ ટેક્સ લાગુ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારે સૌપ્રથમ જુલાઈ 2022 માં ક્રૂડ ઓઇલના વધતા ભાવોથી થતા અસાધારણ નફા પર આ ટેક્સ લાદ્યો હતો અને બે વર્ષ બાદ તેને નાબૂદ કર્યો હતો.
હાલનો આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તેમજ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાની વચ્ચે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ હાલમાં પ્રતિ બેરલ $87 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ભારત સરકાર દર બે અઠવાડિયે આંતરરાષ્ટ્રીય દરોના આધારે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ વેરાની સમીક્ષા કરે છે.
શું તે પેટ્રોલ અને ડીઝલના ભાવને અસર કરશે?
ઘણા લોકોને પ્રશ્ન થાય કે શું આ ટેક્સ કાપથી સામાન્ય નાગરિકોને રાહત મળશે? તો યાદ રાખો કે વિન્ડફોલ ટેક્સમાં થતો ઘટાડો કે વધારો તમારા વાહનમાં પુરાવાતા પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ પર સીધી અસર કરતો નથી. આ વિન્ડફોલ ટેક્સ ફક્ત ઓએનજીસી કે રિલાયન્સ જેવી મોટી તેલ કંપનીઓના વધારાના નફા પર જ લાગુ થાય છે, જે વિદેશમાં તેલ કાઢીને વેચે છે. તેથી, આના ઘટાડાથી સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતું નથી.
આ પણ વાંચો : LIVE:Happy Independence Day 2026 Live Updates : "દેશ સંસાધનોથી નહીં, વિચારસરણીના અભાવે અટકે છે"- PM મોદી