કોરોનાના કેસો નિયંત્રણમાં આવતા દિલ્લી સરકારે સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ નિયંત્રણો હળવા કરતા જણાવ્યું હતુ કે, 'દિલ્લીમાં નર્સરીથી ધો.8 સુધીના વર્ગો 14 ફેબ્રુઆરી સોમવારથી શરૂ કરવામાં આવશે. સ્કૂલો શરૂ કરતા પહેલા દરેક શિક્ષકો વેક્સિનેટેડ હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.મહત્વનું છે કે, ધો.9થી 12 સુધીના વર્ગો દિલ્હીમાં 07 ફેબ્રુઆરીથી શરૂ કરવાના નિર્દેશ પહેલાથી આપી દેવામાં આવ્યા છે. ત્યારે ઓફલાઈન વર્ગો શરૂ થતાની સાથે જ દિલ્હીમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે. જ્યારે દિલ્લીમાં નાઈટ કર્ફ્યુની અવધિમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હવે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થશે. સાથેસાથે જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલ ખોલવાના પણ નિર્દેશ દિલ્હી સરકારે આપ્યા છે. હવે દિલ્લીમાં એક્ઝિબિશન આયોજીત કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. દિલ્લીની દરેક ઓફિસોમાં હવે 100 ટકા કાર્યક્ષમતા સ્ટાફ ભરી શકાશે. દિલ્લીમાં ઘટી રહેલા કોરોનાના પોઝિટીવ કેસ અને કોરોનાના સંક્રમણની સંખ્યાને ધ્યાને રાખીને DDMAની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્લીમાં વર્ગો શરૂ કરવાની જાહેરાતની સાથે જ 15થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ વધુ તેજ કરવામાં આવશે.