એશિયન ગેમ્સ 2026 ભારતીય મહિલા ટીમની જાહેરાત
જાપાનમાં રમાનારી પ્રતિષ્ઠિત એશિયન ગેમ્સ માટે ઓલ ઇન્ડિયા વિમેન્સ સિલેક્શન કમિટીએ સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક બાદ ભારતીય સ્ક્વોડની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટમાં રમાશે. અગાઉ મેન્સ ટીમની જાહેરાત થઈ ચૂક્યા બાદ હવે ફેન્સ આતુરતાપૂર્વક વિમેન્સ ટીમની રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં રમાયેલા આઈસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી . આ પરાજય બાદ ટીમમાં મોટા ફેરફારોની આશંકા સેવાતી હતી, પરંતુ સિલેક્ટર્સે મુખ્ય કોર ગ્રુપ પર જ પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.
છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો હતો ગોલ્ડ
ભારતીય મહિલા ટીમ એશિયામાં સૌથી મજબૂત માનવામાં આવે છે. છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે ચીનની ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ ટીમ ઇન્ડિયા પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવા અને દેશ માટે ફરીથી ગોલ્ડ મેડલ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે જાપાન પ્રસ્થાન કરશે.
ટી20 વર્લ્ડ કપના ફિયાસ્કા પછી ટીમમાં માત્ર બે મોટા ફેરફાર
જો આપણે ટી20 વર્લ્ડ કપની ટીમ અને આ નવી એશિયન ગેમ્સની ટીમની ઊંડી સરખામણી કરીએ તો માલૂમ પડશે કે સિલેક્ટર્સે માત્ર બે જ મુખ્ય ફેરફાર કર્યા છે. પ્રથમ મોટા ફેરફાર તરીકે, સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાતિયાને ટીમમાંથી બહાર કરવામાં આવી છે. તેમની સાથે જ પ્રેમા રાવત પણ આ વખતે એશિયન ગેમ્સની ટિકિટ મેળવવામાં અસફળ રહી છે. આ બંનેના સ્થાને બોર્ડે જી. કમલિનીને બીજા વિકેટકીપરના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરીને મોટો મોકો આપ્યો છે.
જુઓ કોને મળી એન્ટ્રી અને કોણ થયું બહાર
બીજા મહત્વના સમાચાર સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલની વાપસીના છે. શ્રેયંકા પાટિલ ઈજાના કારણે ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ તેની પ્રતિભાને જોતાં તેને ફરી સ્ક્વોડમાં સ્થાન અપાયું છે. જોકે, પસંદગી યાદીમાં તેના નામે સ્ટાર (*) માર્ક લગાવાયો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ટુર્નામેન્ટની મુખ્ય મેચો શરૂ થતા પહેલા તેણે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં પોતાનો સત્તાવાર ફિટનેસ ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય રહેશે.
એચિ નગોયામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે ભારતીય બ્રિગેડ
વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ બીસીસીઆઈએ આગામી સિઝનને ધ્યાનમાં રાખીને તેની લીડરશીપ પર મહોર લગાવી છે . એશિયન ગેમ્સના ક્રેઝને જોતાં શેડ્યૂલ પણ ટૂંક સમયમાં જાહેર કરાશે. અહીં સત્તાવાર જાહેરાત કરાયેલી બંને ટીમોની વિગતો નીચે મુજબ છે:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (વિમેન્સ સ્ક્વોડ)
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરૂંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ*, રાધા યાદવ અને નંદની શર્મા.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ (મેન્સ સ્ક્વોડ)
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (ઉપ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.
આ પણ વાંચો : Olympic Cricket India Qualification : 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાને મળી સીધી એન્ટ્રી, પાકિસ્તાન રેસમાંથી બહાર!