ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ મેચ દરમિયાન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ મોટો નિર્ણય લીધો છે. સ્ટોક્સની આ નિવૃત્તિથી ક્રિકેટ પંડિતો પણ ચોંકી ગયા છે, કારણ કે તેઓ હાલમાં શાનદાર ફોર્મમાં હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લેવા માટે તેમના પર કોઈ બાહ્ય દબાણ નહોતું અને આ તેમનો સંપૂર્ણ અંગત નિર્ણય છે.
સોશિયલ મીડિયામાં ચાલતી તમામ અટકળો ખોટી
35 વર્ષીય બેન એક વાતચીતમાં જણાવ્યું કે, તેમના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અટકળો તદ્દન ખોટી છે . તેમણે ડ્રેસિંગ રૂમમાં જઈને પોતાના સાથી ખેલાડીઓને આ વાતની જાણ કરી દીધી હતી. તેમણે ખેલાડીઓને અપીલ કરી હતી કે તેઓ ભાવનાઓને બાજુ પર રાખીને ટીમ માટે છેલ્લી ઓવર સુધી પોતાની પૂરી તાકાત લગાવી દે.
લંડન નાઇટક્લબ વિવાદ અને માનસિક થાક અંગે મોટો ખુલાસો
સ્ટોક્સે લંડનના એક નાઇટક્લબ વિવાદ અને શિસ્તભંગની તપાસના કારણે ટીમ છોડવી પડી હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે સ્વીકાર્યું કે તે ઘટનાએ તેમના પર માનસિક દબાણ ચોક્કસ વધાર્યું હતું, પરંતુ નિવૃત્તિનું અસલી કારણ અતિશય શારીરિક અને માનસિક થાક છે. આ થાકની શરૂઆત ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશેઝ સિરીઝ દરમિયાન જ થઈ ગઈ હતી.
2027 સુધીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હોવા છતા નિર્ણય
લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તેમને ફરીથી પોતાના કરિયરને લઈને નકારાત્મક વિચારો આવવા લાગ્યા હતા. સ્ટોક્સે જણાવ્યું કે, "મેં હોમ સિરીઝ માટે મારી જાતને ફિટ રાખવા રાત-દિવસ સખત મહેનત કરી હતી, પરંતુ આ પ્રક્રિયામાં હું અંદરથી સંપૂર્ણપણે થાકી ગયો હતો. હું એવી સ્થિતિમાં પહોંચી ગયો હતો જ્યાં હું રમતનો આનંદ માણી શકતો નહોતો." 2027 સુધીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હોવા છતાં લીધેલો આ નિર્ણય કદાચ સ્વાર્થી લાગી શકે, પરંતુ પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે આ અનિવાર્ય હતું.
ઇંગ્લેન્ડના બે વર્લ્ડ કપ વિજય અને ક્રિકેટમાં 'બેઝબોલ' યુગનું શાનદાર પ્રદાન
બેન સ્ટોક્સે પોતાના 15 વર્ષ લાંબા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં ઇંગ્લેન્ડ ક્રિકેટને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે. તેમણે 2019 નો વનડે વર્લ્ડ કપ અને 2022 નો ટી20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડને જીતાડવામાં સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની ગણતરી ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે, જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અજોડ લડાયક પ્રદર્શન કર્યું છે.
ટેસ્ટ ક્રિકેટની કમાન સંભાળ્યા બાદ બેઝબોલ યુગની શરૂઆત
ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની કમાન સંભાળ્યા બાદ સ્ટોક્સે કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે મળીને 'બેઝબોલ' (Bazball) યુગની શરૂઆત કરી હતી. આ આક્રમક અભિગમે ટેસ્ટ ક્રિકેટ રમવાની આખી શૈલી બદલી નાખી હતી. તેમના નિવૃત્તિના આ નિર્ણયથી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના ભવિષ્ય સામે એક મોટો શૂન્યાવકાશ સર્જાયો છે, જેને ભરવો આગામી સમયમાં પસંદગીકારો માટે બહુ મોટો પડકાર સાબિત થશે.
આ પણ વાંચો : Ireland Head Coach : ભારતને 2-0 થી હરાવ્યાના 24 કલાકમાં જ આયર્લેન્ડના કોચ મલાનનું રાજીનામું! જાણો કોણ બન્યા નવા કોચ?