ભારતની શાનદાર જીત
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. ઓકલૅન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે યજમાન ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં વિરાટ કોહલી ભારતની જીતનો સૌથી મોટો હીરો રહ્યો હતો. તેણે માત્ર 51 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે પોતાની વનડે કારકિર્દીની 80મી અડધી સદી પણ ફટકારી હતી. બીજી તરફ ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને મોટો સ્કોર નોંધાવવાથી રોકી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ 185 રનમાં ઓલઆઉટ
મેચમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ આ નિર્ણયને યોગ્ય સાબિત કરતાં શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું. અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતાં 10 ઓવરમાં 70 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ગુરનૂર બ્રારે 9.2 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.
આ ઉપરાંત યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે પણ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 10 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ રહી કે અંશુલની ઇકોનોમી માત્ર 2.20 રહી હતી. બીજી તરફ અક્ષર પટેલે પણ 5 ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા. ભારતીય બોલરોના આ શાનદાર પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડની આખી ટીમ 40.2 ઓવરમાં 185 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની બેટિંગ
ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સેફર્ટે 43 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લેન ફિલિપ્સે 51 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. ડેરિલ મિચેલે 41 બોલમાં 28 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં બ્લેર ટિકનરે માત્ર 23 બોલમાં 34 રન ફટકારીને ટીમનો સ્કોર 185 સુધી પહોંચાડ્યો હતો.
ભારત તરફથી અર્શદીપે વિલ યંગ (9) અને હેનરી નિકોલ્સ (9)ને આઉટ કરીને શરૂઆતમાં જ બે ઝટકા આપ્યા હતા. ત્યારબાદ ગુરનૂર બ્રારે ટિમ સેફર્ટ અને કેપ્ટન ટોમ લાથમની વિકેટ ઝડપી હતી. ડેરિલ મિચેલ પણ 28 રન બનાવી રનઆઉટ થયો હતો. અંશુલ કંબોજે મિશેલ સેન્ટનર (4) અને નાથન સ્મિથ (1)ને પેવેલિયન મોકલી ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી હતી. આ રીતે ભારતીય બોલિંગ આક્રમણે યજમાન ટીમને મોટો સ્કોર બનાવતા અટકાવી હતી.
વરસાદે બગાડી રમત, DLSથી બદલાયો લક્ષ્યાંક
ભારતની ઇનિંગ દરમિયાન ઓકલૅન્ડમાં વરસાદે વારંવાર વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે મેચમાં ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (DLS) પદ્ધતિનો ઉપયોગ કરવો પડ્યો હતો. શરૂઆતમાં ભારતને 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, પ્રથમ વરસાદી વિરામ બાદ લક્ષ્યાંક 40 ઓવરમાં 167 રન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી વરસાદ પડતાં ઓવરોમાં ઘટાડો કરવામાં આવ્યો અને ભારતને 32 ઓવરમાં 143 રનનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીની 80મી ફિફ્ટી, ગિલ સાથે મોટી ભાગીદારી
143 રનના સુધારેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. અનુભવી ઓપનર રોહિત શર્મા ઇનિંગની પ્રથમ ઓવરમાં જ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસને તેને આઉટ કર્યો હતો. જોકે, ત્યારબાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ સંભાળી હતી.
બંને બેટ્સમેન વચ્ચે શાનદાર 113 રનની ભાગીદારી થઈ હતી. ગિલે 56 બોલમાં 37 રન બનાવ્યા હતા. જોકે, નાથન સ્મિથે તેને ટોમ લાથમના હાથે કેચ આઉટ કરાવી આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. બીજી તરફ વિરાટ કોહલી સતત આક્રમક બેટિંગ કરતો રહ્યો હતો. તેણે માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ કુલ 51 બોલનો સામનો કરીને 74 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની વનડે કારકિર્દીની 80મી અડધી સદી હતી.
છેલ્લી ઓવરોમાં વિકેટ પડી, છતાં ભારતે મેળવી આસાન જીત
વિરાટ કોહલીની વિકેટ બાદ ભારતીય ટીમને થોડો આંચકો લાગ્યો હતો. કોહલીને જેકબ ડફીએ આઉટ કર્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ ખાતું ખોલાવ્યા વિના અને શ્રેયસ ઐયર 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યાં સુધી ભારત જીતની નજીક પહોંચી ગયું હતું. નમન ધીર 5 રન અને કેએલ રાહુલ 3 રન બનાવી અણનમ રહ્યા હતા. ભારતીય ટીમે માત્ર 22.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 143 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી અને 56 બોલ બાકી રહેતાં જ જીત નોંધાવી હતી.
આ પણ વાંચો : IND vs PAK World Cup 2027: ભારત-પાકિસ્તાન મેચનો એવો ક્રેઝ કે ટિકિટ માટે લાખોની લાઇન ! જાણો કેવી રીતે મળશે એન્ટ્રી