ગાંગુલીનો 54મો જન્મદિવસ
ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી કેપ્ટનોમાં (Captains) અગ્રણ્ય સ્થાન ધરાવતા સૌરવ ગાંગુલી આજે બુધવારે (8 જુલાઈ) પોતાનો 54મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે વિશ્વભરના કરોડો પ્રશંસકો અને પૂર્વ ક્રિકેટરો સોશિયલ મીડિયા (Social Media) પર તેમને વ્યાપક પ્રમાણમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જોકે, આ શુભ પ્રસંગને વધુ ખાસ અને ઐતિહાસિક બનાવતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગાંગુલી માટે વિશ્વ ક્રિકેટના સૌથી મોટા સન્માનની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ICC એ ગાંગુલીની અદભુત સિદ્ધિઓ અને શાનદાર કરિયરને સન્માન આપતાં તેમને પોતાના પ્રતિષ્ઠિત 'હોલ ઓફ ફેમ' (Hall of Fame) ક્લબમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે.
ICC હોલ ઓફ ફેમમાં મેળવ્યું ઐતિહાસિક સ્થાન
ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવીને સૌરવ ગાંગુલીએ આ પ્રતિષ્ઠિત ક્લબમાં સામેલ થનારા 12મા ભારતીય ક્રિકેટર બનીને એક નવો રેકોર્ડ (Record) સ્થાપ્યો છે. જો માત્ર પુરૂષ ક્રિકેટરોની યાદી પર નજર કરીએ તો, તેઓ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાસલ કરનારા દેશના 10મા પુરૂષ ખેલાડી બની ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) લીધાના વર્ષો પછી પણ, 'પ્રિન્સ ઓફ કોલકાતા' (Prince of Kolkata) ને મળેલું આ દુર્લભ સન્માન સાબિત કરે છે કે વૈશ્વિક ક્રિકેટમાં આજે પણ તેમની ઓળખ અને કદ કેટલું મજબૂત છે.
ભારતીય ક્રિકેટની વિચારસરણી અને DNA બદલનાર સુકાની
સૌરવ ગાંગુલીને હંમેશા માત્ર તેમના જીતના આંકડાઓ માટે જ નહીં, પરંતુ એક એવા મહાન લીડર (Leader) તરીકે યાદ રાખવામાં આવ છે જેમણે ભારતીય ક્રિકેટની વિચારસરણી અને ડીએનએ (DNA) ને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. 90ના દાયકા સુધી ભારતીય ટીમ માત્ર પોતાના ઘરઆંગણે જ સિંહની જેમ ગર્જતી હતી અને વિદેશી પીચો પર ઘણીવાર નબળો દેખાવ કરતી હતી. પરંતુ, ગાંગુલીએ ટીમની કમાન સંભાળ્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે ખેલાડીઓ તેમજ દેશભરના રમતપ્રેમીઓમાં એવો દ્રઢ વિશ્વાસ અને આત્મવિશ્વાસ (Confidence) જગાડ્યો કે વિદેશી ધરતી પર પણ વિરોધી ટીમની આંખમાં આંખ પરોવીને મેચ જીતી શકાય છે.
યુવા પ્રતિભાઓને ઓળખી
એક શાનદાર કેપ્ટન હોવા ઉપરાંત, યુવા ખેલાડીઓમાં રહેલી છુપાયેલી પ્રતિભાને ઓળખવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં ગાંગુલી હરહંમેશ આગળ રહેતા હતા. તેમણે મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, ઝહીર ખાન, વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અને આશિષ નેહરા જેવા દિગ્ગજ ખેલાડીઓનો તેમના કરિયરના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં પૂરેપૂરો સપોર્ટ (Support) કર્યો હતો. ગાંગુલીના આ અતૂટ વિશ્વાસને કારણે જ આ ખેલાડીઓ આગળ જતાં ભારતીય ક્રિકેટ પર લાંબા સમય સુધી રાજ કરી શક્યા અને બાદમાં દેશને વર્લ્ડ ચેમ્પિયન (World Champions) બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર અને આંકડા
સૌરવ ગાંગુલીએ માત્ર 20 વર્ષની નાની ઉંમરે ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ડેબ્યૂ (International Debut) કર્યું હતું અને આશરે 16 વર્ષ સુધી દેશની શાનદાર સેવા કરી હતી. વર્ષ 2008માં જ્યારે તેમણે ક્રિકેટને અલવિદા કહ્યું, ત્યાં સુધીમાં તેમણે બેટિંગમાં અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા હતા. તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 18,575 રન (Runs) બનાવ્યા છે, જેમાંથી 11,363 રન વનડે (ODI) ફોર્મેટમાં અને 7,212 રન ટેસ્ટ (Test) ફોર્મેટમાં નોંધાયા હતા.
કેપ્ટન તરીકે તેમણે 49 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી 21માં જીત મેળવી હતી, અને 146 વનડે મેચોમાંથી 76માં ભારતને વિજય અપાવ્યો હતો. મેદાન પરથી નિવૃત્તિ લીધા પછી પણ, તેઓ બીસીસીઆઈ પ્રમુખ (BCCI President) અને અન્ય વહીવટી જવાબદારીઓ (Administrative Responsibilities) દ્વારા હંમેશા ક્રિકેટ રમત સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા છે.
આ પણ વાંચો : Asia Cup 2027: એશિયા કપ 2027 ની તૈયારીઓ શરૂ, બાંગ્લાદેશ બની શકે છે યજમાન!