મહિલા એશિયા કપ ૨૦૨૬ માટે તમામ આઠ ટીમોના ગ્રુપ અને ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિગતો મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૩૦ ઓગસ્ટે થાઈલેન્ડ સામે કરશે, જ્યારે ૫ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે હાઇ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે.
મહિલા એશિયા કપ 2026 માં ભારતનું શિડ્યુલ અને ગ્રુપનું વિભાજન
મહિલા એશિયા કપ 2026 ટૂર્નામેન્ટમાં એશિયાની શ્રેષ્ઠ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 4-4 ટીમોનો સમાવેશ કરાયો છે. ભારતીય મહિલા ટીમને ગ્રુપ A માં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન, થાઈલેન્ડ અને હાંગકાંગની ટીમો પણ સામેલ છે.
બીજી તરફ ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઇન્ડોનેશિયાની ટીમો વચ્ચે સેમિફાઇનલમાં પહોંચવા માટે રોમાંચક જંગ ખેલાશે. બંને ગ્રુપમાંથી પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-૨ પર રહેનારી ટીમો સીધી સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મહામુકાબલો અને મેચોની તારીખો
Asia Cup 2026 અન્વયે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 30 ઓગસ્ટ 2026 ના રોજ થાઈલેન્ડ સામે રમશે. ત્યાર બાદ 3 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયા હાંગકાંગ સામે મેદાનમાં ઉતરશે અને ગ્રુપ સ્ટેજની સૌથી રોમાંચક મેચ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ ચિરપ્રતિસ્પંદી પાકિસ્તાન સામે ખેલાશે.
હરમાનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોતાના ત્રણેય મુકાબલા જીતીને ગ્રુપ A માં ટોચના સ્થાને રહી સેમિફાઇનલમાં પ્રવેશવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
શ્રીલંકા સામે 2024 ની ફાઇનલની હારનો બદલો લેવાની ભારતીય ટીમ પાસે સુવર્ણ તક
ભારતીય ટીમ આ વખતે માત્ર ટાઇટલ જીતવા માટે જ નહીં પરંતુ શ્રીલંકા સામે જૂનો હિસાબ ચુકતે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ૨૦૨૪ ની મહિલા એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જ્યાં શ્રીલંકન ટીમે ભારતને હરાવીને પ્રથમ વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
જો આ વખતે પણ શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો ભારતીય ટીમ તેમને માત આપીને પોતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં.
ટૂર્નામેન્ટનું ફોર્મેટ, સેમિફાઇનલ સમીકરણો અને આઠ ટીમોનું વિભાજન
ગ્રુપ સ્ટેજની મેચો પૂર્ણ થયા બાદ બંને ગ્રુપની ટોચની બે-બે ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચો ખેલાશે. ટી20 ફોર્મેટમાં રમાનારી આ ટૂર્નામેન્ટ આગામી ટી20વર્લ્ડ કપની તૈયારીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
ટીમ ઇન્ડિયાની બેટિંગ અને બોલિંગ લાઇન-અપ હાલમાં ઉત્કૃષ્ટ ફોર્મમાં છે, જેથી ચાહકોને આ એશિયા કપમાં શાનદાર પ્રદર્શનની પૂરી આશા છે.
આ પણ વાંચો : Chad le Clos : CWG માં 21 મેડલ જીતનાર સ્વિમરને લાગ્યો મોટો આંચકો! ભીષણ આગમાં ઘર બળીને થયું ખાખ