Surat: ડુમસમાં ફાયરિંગની ઘટના, ઓડી કારમાં આવી રસ્તા વચ્ચે રોફ જમાવ્યો
- Surat: અવધ કેરોલિનામાં ટ્રાન્સપોર્ટર દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ
- ફાયરિંગ કરનાર નીરજ સિંઘની મોડી રાત્રે ધરપકડ
- પોલીસે પિસ્તોલ અને ઓડી કાર કબ્જે કરી
Surat: ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. અવધ કેરોલિના કંપનીના ટ્રાન્સપોર્ટર નીરજ સિંઘે ભાન ભૂલીને ગુસ્સામાં આવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આ ઘટના પન્ના ગલ્લીમાં બની, જ્યાં અવધ કેરોલિનાના સેલ્સ મેનેજર અને તેમના મિત્રો ઊભા હતા. આરોપીએ ઓડી કાર લઈને ત્યાં આવીને તેમની સાથે બોલાચાલી કરી અને પિસ્તોલથી ગોળી ચલાવી હતી.
કારમાં સવાર નીરજ સિંઘે રસ્તા વચ્ચે કાર રોકી દીધી
ઘટના દરમિયાન કારમાં સવાર નીરજ સિંઘે રસ્તા વચ્ચે કાર રોકી દીધી હતી. જેનાથી તણાવ વધ્યો હતો. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સેલ્સ મેનેજરની તાત્કાલિક ફરિયાદ પર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. જેમાં મોડી રાત્રે જ આરોપી નીરજ સિંઘની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી પિસ્તોલ અને કાર કબ્જે કરી લીધી છે. તથા નીરજ સિંઘ પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. સ્થાનિક વેપારીઓએ પોલીસ પાસે વધુ સુરક્ષા અને નિયમનની માંગ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચિંતા વધારી છે, અને પોલીસ તપાસ ચાલુ છે.
Surat: તમે રોડ વચ્ચે કેમ ઊભા છો એમ કહી નિરજ કાર લઈને ત્યાંથી નીકળી
પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ સાયલન્ટ ઝોન ખાતે અવધ કેરોલીનામાં રહેતા આકાશ સુનીલભાઈ શાહ નવજીવન જેગુઆર અને લેન્ડ રોવર શો રૂમમાં સેલ્સ મેનેજર છે. રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં આકાશ પોતાની કાર એપાર્ટમેન્ટ નજીક પાર્ક કરી મિત્રો વિનીત ખરોડિયા, મિત ખલાસી, જય ખરોડિયા અને હર્ષ કાપડિયા સાથે ઊભો હતો. એ સમયે અવધ કેરોલીનામાં જ રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ નિરજ રાજકુમાર સિંઘ તેની ઓડી કાર લઈને આવ્યો હતો. જોરશોરથી હોર્ન વગાડીને અચાનક તેણે ગાળાગાળી શરૂ કરી હતી. આકાશ અને તેના મિત્રોએ નિરજ પાસે જઈ ગાળો કેમ આપે છે એમ કહેતા સામે તમે રોડ વચ્ચે કેમ ઊભા છો એમ કહી નિરજ કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
હથિયાર લાઈસન્સ રદ કરવા રિપોર્ટની તજવીજ હાથ ધરી છે
ઘટનાની થોડીવાર પછી નિરજ ફરી કારમાં અહીં પહોંચ્યો હતો તેણે એકાએક ઉશ્કેરાઈને તમને બધાને હું જોઈ લઉં છું એમ કહેતા કારમાં મૂકેલ બેગમાંથી પિસ્તોલ કાઢી હવામાં ફાયરિંગ કરતાં આકાશ અને તેના મિત્રોને મારી નાંખવાની ધમકી આપી હતી. સાયલન્ટ ઝોનના અવધ કેરોલીનામાં ફાયરિંગ બાબતે આકાશ શાહે ડુમસ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પીએસઆઇ બ્રિજેશ તિવારીએ ગુનો દાખલ કરી ઝડપભેર કાર્યવાહી હાથ ધરીને નિરજ સિંઘની ધરપકડ કરીને ઓડી કાર, પિસ્તોલ કબજે કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યા મુજબ ડુમસ પોલીસે નિરજની ધરપકડ બાદ કાર, પિસ્તોલ અને લાઈસન્સ કબજે કરી હથિયાર લાઈસન્સ રદ કરવા રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Vav Tharad જિલ્લાના વરસાદથી પ્રભાવિત ખેડૂતો પર રાજકારણ ગરમાયુ