Bhavnagar: લગ્નના દિવસે જ પતિએ યુવતીની ઘાતકી હત્યા કરી નાખી! જાણો સમગ્ર ઘટના વિશે
- ભાવનગર(Bhavnagar)માં થનાર પતિએ લગ્ન પહેલા જ યુતવીને મોતને ઘાટ ઉતારી
- પ્રભુદાસ તળાવ પાછળ આવેલા મકાનમાંથી મૃતદેહ મળ્યો
- ઘરની બહાર બાઈક તોડફોડ કરાયેલી હાલતમાં મળી આવ્યા
- યુવતીના આજે જ લગ્ન હોવાનું સામે આવ્યું
- ભાવિ પતિએ જ પત્નીની હત્યા કરી નાખી
- પોલીસે ઘટન સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Bhavnagar Murder Case: ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નના દિવસે જ યુવતીની તેના ભાવિ પતિએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે અને પોલીસ તંત્રએ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
ઘરમાં જ થઈ હત્યાને અંજામ
પ્રભુદાસ તળાવ વિસ્તારના ટેકરી ચોક નજીક રહેતા હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી સોનીબેન (ઉં..આ. 22-25 વર્ષ)ની આજે સવારે તેમના ઘરે જ હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવતીના લગ્ન આજે જ લગ્ન થવાના હતા. યુવતી તેના ભાવિ પતિ સાજન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ લગ્નના દિવસે જ આ દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના પરિણામે સાજને છરી વડે યુવતી પર ઘાતક હુમલો કર્યો અને તેની હત્યા કરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાવનગર સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવીને ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાજનની ધરપકડ માટે વિવિધ ટીમોની રચના કરી શોધખોલ હાથ ધરી છે. યુવતીના ઘર બહાર તોડફોડ કરાયાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે.
DYSPનું નિવેદન
આ બનાવ અંગે ભાવનગર સિટી DYSP આર.આર. સિંધાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી સોનીબેન નામની યુવતીની આજે સવારે તેના ઘરે જ તેના ભાવિ પતિ સાજને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યો હતો. યુવતી અને આરોપી લિવ-ઇનમાં રહેતા હતા અને આજે તેમના લગ્ન થવાના હતા. પ્રાથમિક તપાસમાં આરોપીની સંડોવણી સ્પષ્ટ થઈ છે. તેને ઝડપી લેવા માટે અમારી ટીમો સતત કાર્યરત છે.”
લિવ-ઇનમાં રહેતું દંપતી
પ્રાપ્ત માહિતી અનુસાર સોનીબેન અને સાજન કેટલાક સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંનેના પરિવારજનોએ લગ્ન માટે સંમતિ આપી દીધી હતી અને આજે જ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ અચાનક આવેલા આ ઘાતકી હુમલાએ તમામને સ્તબ્ધ કરી દીધા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની વાતો પ્રસરી રહી છે, જોકે પોલીસે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
વિસ્તારમાં અરેરાટી, પરિવારમાં શોકનું મોજું
ઘટનાના સમાચાર ફેલાતાં જ પ્રભુદાસ તળાવ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મૃતક યુવતીના પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. પરિવારે આરોપીને તાત્કાલિક ધરપકડ કરી કડક સજા આપવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ UP Crime: ‘મારા પર 6 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો’, પિડિતા પોલીસ કાફલામાંથી છૂટી DIG તરફ ભાગી પછી..!


