Mahesana: ઊંઝામાં રીક્ષામાં બેસાડી દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 2 સાગરિતો પોલીસ સકંજામાં
- મહેસાણા ઊંઝામાં રીક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ
- ઊંઝા પોલીસ સ્ટેશનની હદમાં 3 ગુના રિક્ષા ગેંગે આચર્યા
- LCB અને પોલીસે અલગ અલગ ટીમ બનાવી કરી તપાસ
મહેસાણાના ઊંઝામાં રીક્ષામાં બેસાડી મુસાફરોના દાગીના અને રૂપિયા ચોરી થયા હોય તેવી ત્રણ ઘટના બની હતી. મહત્વની વાત એ છે કે, એક જ દિવસમાં ત્રણ-ત્રણ મુસાફરો સાથે ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે, મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સીસીટીવી કેમેરા ચકાસ્યા. આ સિવાય, જે રૂટ પર આ ત્રણેય બનાવ બન્યા હતા. તે રૂટ પર રિક્ષા ફેરવતા ચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન, ચોર ટોળકી રિક્ષા લઈ પોતાનો શિકાર શોધી રહી હતી. મહેસાણાના રામોસણા બ્રિજ પાસેથી ચોર ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. તેમની રિક્ષામાં તપાસ કરતા ચોરી કરેલી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ, મોબાઈલ અને કટર મળી આવ્યું હતું.જેથી પોલીસે સલમાન ગુલામ નબી વોરા અને સલમાન ઉર્ફે સલ્લુ કયુમખાન પઠાણ નામના બન્ને આરોપીની ધરપકડ કરી. તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
![]()
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
પોલીસના કહેવા મુજબ, મુસાફરોને ટાર્ગેટ કરતી આ ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પકડાયેલા બન્ને આરોપીઓ ખેડાના રહેવાસી છે. ખેડાથી રિક્ષા લઈ નીકળતા હતા. એક આરોપી રિક્ષા ચલાવતો હતો અને બાકીના આરોપી મુસાફરના સ્વાંગમાં પાછળની સીટમાં બેસતા હતા. આ ગુનામાં ફરાર આરોપી રમેશ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જે મુસાફર બની પાછળની સીટમાં બેસતા હતા. દાગીના કાપવાનું કટર સાથે રાખતા હતા. એકલ-દોકલ મહિલાને બેસાડતા હતા. મુસાફરને બેસાડ્યા બાદ આરોપીઓનું કામ શરૂ થઈ જતું. મહિલાની નજર ચૂકવી તેણે પહેરેલા દાગીના કટરથી કાપી લેતા હતા. પાકિટમાંથી મોબાઈલ અને રૂપિયા સહિતનો કિંમતી સામાન પણ સેરવી લેતા હતા. ત્યારબાદ, જે-તે સ્થળે મુસાફરને ઉતારી નવો શિકાર શોધતા હતા.
આ પણ વાંચોઃ Sugarcane Price: દ.ગુજરાતની સુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ટન દીઠ ભાવ
આ પણ વાંચોઃ Bhavnagar : વેપારી સાથે ગાઢ સબંધ કેળવી રચ્યું હનીટ્રેપનું કાવતરૂ, પૈસા માંગી કરતા બ્લેકમેલ
પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી
આ ગુનામાં રમેશ દેવીપૂજક અને મહિલા આરોપી ફરાર છે. તેને પકડવાની કવાયત પોલીસ કરી રહી છે.ત્યારે ચોર ટોળકી કેટલા સમયથી મુસાફરોને બેસાડી દાગીના, રૂપિયા સહિતના માલ-સામાનની ચોરી કરતી હતી. અત્યારસુધી કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. તે દિશામાં તપાસ તેજ છે.
આ પણ વાંચોઃ Jamnagar: રીક્ષા ચાલક યુવકની જૂની અદાવતમાં હત્યા, પાંચ શખ્સોની અટકાયત


