Gondal : વોરાકોટડા ગામે ખેતરનાં હલાણ મુદ્દે મોડી રાતે ખેલાયો ખૂની ખેલ, પિતાનું મોત, પુત્ર ગંભીર
- વોરાકોટડા ગામની ઘટના, પિતા-પુત્ર પર કાકા અને તેના પુત્ર, પત્ની, પુત્રવધૂ દ્વારા હુમલાનો આરોપ (Gondal)
- કાકા તેના પુત્ર સહિતનાએ છરીનાં આડેધડ ઘા મારી આધેડને વેતરી નાખ્યા, પુત્ર ગંભીર
- ખેતરમાં હલણ પ્રશ્ને તેમ જ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે થતા ઝઘડાનો લોહિયાળ રૂપ
- પોલીસે ગણતરીની કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ (Gondal) ચર્ચાસ્પદ બન્યુ છે. ત્યાં ગોંડલનાં વોરાકોટડા ગામે 'જર, જમીન અને જોરું ત્રણેય કજીયાનાં છોરું' એ કહેવત સાર્થક થતી હોય તેમ જમીન પ્રશ્ને કાકા-બાપાના ભાઈઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા તથા તેના પુત્ર સહિતનાં પરિવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થયું હતું. જ્યારે, તેમના પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની આ ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકનાં પુત્રની ફરિયાદ લઇ 4 વ્યક્તિને ઝડપી પાડી છે.
આ પણ વાંચો - Ramchandra Vachhani : વકીલથી હાઇકોર્ટનાં જજ સુધીની રામચંદ્ર વચ્છાનીની સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી કહાની
ગોંડલ તાલુકાનાં વોરાકોટડા ગામની (Vorakotda village) સીમમાં બાપ-દાદાના ભાઈઓને વારસાઈ જમીન આવેલી હોય, જેમાં વાડીનાં હલાણ (રસ્તા) સહિતની બાબતને લઈ છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. તારીખ 27 મે, 2025 ની રાત્રે કાકા-ભાઇ સહિતનાંઓએ આધેડ અને તેમના પુત્ર પર છરી વડે હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.
પિતા-પુત્ર વાડીમાં હતા ત્યારે છરી વડે હુમલો કર્યો હતો
વાત કરવામાં આવે તો ગોંડલનાં (Gondal) વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયા (ઉ.વ 45) પુત્ર અનિલ સાકરિયા (ઉં.વ 23) સાથે રાત્રિનાં દોઢેક વાગે તેમના પિતાની વાડીએ ગયા હતા ત્યારે રમેશભાઇનાં કાકા ચીનું જીણાભાઇ સાકરિયા તેના પત્ની સવિતાબેન, પુત્ર અજય ઊર્ફે ટીટો તેની પત્ની હેતલ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો કર્યો હતો. દરમિયાન, રમેશભાઈ પર છરી વડે હુમલો કરી 4 થી 5 ઘા માર્યા હતા. આ હુમલામાં રાજેશભાઇ ઢળી પડયા હતા. જ્યારે તેમના પુત્ર અનિલને પણ છરી લાગતા ગંભીર રીતે ઘવાયો હતો. બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત અનિલ સાકરિયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યનાં 4 IAS અધિકારીની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ, જુઓ લિસ્ટ
દાદા સાથે પણ ઝઘડો કર્યો હતો, સમજાવવા જતાં મારા મારી કરી
હત્યાનાં બનાવને લઈને મૃતક રાજેશભાઈનાં પુત્ર અનિલે ચિનુ જીણા સાકરિયા તેના પત્ની સવિતાબેન તેનો પુત્ર અજય ઊર્ફે ટીટો તથા તેની પત્ની હેતલબેન સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ અનુસાર, બે ફૂટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓ મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી ઝગડો કર્યો હતો. આ અંગેની જાણ મારા પિતાને થતાં હું અને મારા પિતા દાદાની વાડીએ પંહોચ્યા હતા અને સમજાવવા જતાં અમારી પર છરીથી હુમલો કર્યો હતો.
પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી
રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેમના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈનાં કાકા છે જ્યારે અજય ઊર્ફે ટીટો તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. ખેતરમાં હલાણ પ્રશ્ને તેમ જ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન રાત્રિનાં પિતા-પુત્ર સહિતનાઓએ વાડીએ આવીને ઝઘડો કરી બાદમાં છરી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ (Gondal Taluka Police) દ્વારા ફરિયાદનાં આધારે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને ચીનુ જણાભાઈ સાકરિયા, સવિતાબેન, અજય ઊર્ફે ટીટો, હેતલની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Big Breaking : આવતીકાલે યોજાનાર 'ઓપરેશન શિલ્ડ' Mock Drill મોકૂફ રખાઈ