Gondal : રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસ, મુંબઈ-આગ્રાથી ભાડૂતી શાર્પશૂટર સહિત 4 ની ધરપકડ
- રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 4 ઝડપાયા (Gondal)
- 3 માસ પૂર્વે આગ્રાના બાર ખાતે હાર્દિક સિંહની મુલાકાત વિપિનકુમાર જાટ સાથે થઈ હતી
- માતાની કેન્સરની સારવાર અર્થે નાણાંની જરૂરિયાત હોય 5 લાખમાં ભડાકા કરવા તૈયાર થયો!
- આગ્રાની એમ.એસ. હોટેલમાં અભિષેક અને પ્રાન્સુ જિંદલ નામનાં બંધુઓ સાથે મુલાકાત થઈ
- મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર
રાજકોટ જિલ્લા (Rajkot) ગોંડલ તાલુકાના રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટનામાં એક સપ્તાહ બાદ અંતે મુંબઈ અને આગ્રાથી ભાડૂતી શૂટરો સહિત 4 શખ્સને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Rural Local Crime Branch) ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ આખેઆખી ઘટના પરથી પડદો ઊંચકાયો છે. આરોપી હાર્દિક સિંહ જાડેજા ત્રણેક મહિના પહેલા આગ્રામાં દારૂનાં બારમાં વિપીનકુમાર જાટને મળ્યો હતો. તેને માતાને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાથી રૂ.5 લાખમાં ફાયરિંગ કરવા તૈયાર થયો હતો. જ્યારે, આરોપી અભિષેક અને પ્રાન્સુ જિંદલ આગ્રામાં એમ.એસ. હોટેલમાં મળ્યાં અને એક લાખમાં તે બંનેને ગેંગમાં સામેલ કર્યા હતા. જ્યારે, સાબરમતી જેલમાં મળેલ ઇરફાન કુરૈશીએ વિપિન સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો -Amreli : બાળસિંહનાં મોત મામલે પરિમલ નથવાણીનું મોટું નિવેદન, કહ્યું- બાળસિંહ આપણી મૂડી છે..!
રીબડા પેટ્રોલિયમ પર બે બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થયા હતા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 24/07/2025 ના રોજ રાત્રિનાં સમયે ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલિયમ (Firing at Ribda Petroleum Case) ખાતે બે બુકાનીધારી શખ્સ બાઈક પર આવી પાછળ બેસેલ શખ્સ દ્વારા પોતાની પાસે રહેલ હથિયારથી પેટ્રોલપંપ પર હાજર ફરિયાદીને જાનથી મારી નાખવાનાં ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કરી બાઈકમાં નાસી છૂટ્યા હતાં. જે મામલે કોઠારિયા સોલવન્ટમાં રહેતા અને રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના (Aniruddhasinh Jadeja) ભત્રીજા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીનાં રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદભાઇ રહીમભાઈ ખોખર નામનાં 38 વર્ષીય યુવાને ફરિયાદ આપતા બે અજાણ્યા બુકાનીધારી ઇસમો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
હાર્દિકસિંહ જાડેજાએ વીડિયો પોસ્ટ કરી ફાયરિંગ પોતે કરાવી હોવાનું કહ્યું
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા ગુન્હાનો તાત્કાલિક ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજ અને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી.વી.ઓડેદરા, ગોંડલ તાલુકા પોલીસ મથકનાં (Gondal Taluka Police Station) એ.ડી.પરમાર, SoG પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સિસ અને મોટા પ્રમાણમાં સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરી માહિતી મેળવવામાં આવી રહી હતી. દરમિયાન, હાર્દિકસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફાયરિંગ પોતે માણસો મોકલી કરાવેલ હોવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જે ધ્યાને લઇ ટેક્નિકલ સોર્સિસથી માહિતી મેળવવામાં આવી હતી.
મુંબઈ અને આગ્રાથી 4 આરોપીઓની ધરપકડ કરાઈ
પોલીસ તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અન્ય રાજ્યમાં નાશી ગયા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની અલગ-અલગ ટીમ બનાવી મહારાષ્ટ્રનાં મુંબઇ (Mumbai) તથા ઉત્તરપ્રદેશનાં આગ્રા (Agra) ખાતે તપાસમાં મોકલી આ ગુન્હામાં સંડોવાયેલા 4 આરોપીઓને મુંબઇ તથા આગ્રા ખાતેથી પકડી ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને બાઈક કબ્જે કરાયું હતું. જો કે, મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા હજં પણ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો -Sarkhej Roza : સરખેજ રોઝા કળશ ચોરીનો ભેદ ઉકેલનારી ટીમ અને મદદગારનું પોલીસ કમિશનરે સન્માન કર્યું
આ રીતે બનાવ્યો હતો ફાયરિંગનો પ્લાન!
બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્દિકસિંહ જાડેજા (Hardik Singh Jadeja) અગાઉ ત્રણેક મહિના પહેલા આગ્રા ગયો હતો. ત્યારે તે દારૂનાં એક બારમાં વિપીનકુમાર જાટને મળ્યો હતો. વિપીનકુમારની માતાને કેન્સર હોવાથી તેને પૈસાની જરૂરિયાત હતી, જેથી હાર્દિક સિંહે વિપીનકુમારને કહ્યું હતું કે, તારે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, તેના બદલામાં તને 5 લાખ રૂપિયા આપીશ. તેમ જ અભિષેક જિંદલ અને પ્રાન્સુ જિંદલ આગ્રામાં એમ.એસ. હોટેલમાં રહેતા હોય તે દરમિયાન હાર્દિક સિંહ પણ તે હોટેલમાં રહેવા ગયો હતો, જેથી તેઓ સાથે મુલાકાત થઈ હતી અને અભિષેક જિંદલ તથા પ્રાન્સ જિંદલને પણ પોતાને ગુજરાતમાં ફાયરિંગ કરવાની વાત કરી હતી અને તેના બદલામાં તેઓને એક લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. હાર્દિક સિંહ અને ઇરફાન કુરેશીની મુલાકાત સાબરમતી જેલમાં થઈ હતી, જેથી તેને ઓળખતો હતો. આથી, ચારેય શખ્સોને ભેગા કરી કાયદેસરની ગેંગ બનાવી તમામ ઇસમોએ ભેગા મળી પ્લાન બનાવી ગુન્હાને અંજામ આપ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિપીન અને ઈરફાન બંને ગુનાને અંજામ આપવા માટે રીબડા ખાતે આવ્યા હતા. જ્યાં ઈરફાન વાહન ચલાવી રહ્યો હતો અને વિપીને ફાયરિંગ કર્યું હતું. બાદમાં ચારેય શખ્સો તાત્કાલિક ગુજરાત છોડીને ભાગી ગયા હતા.
શૂટર ગેંગમાં કોણ-કોણ સામેલ?
- ઇરફાન ઊર્ફે સીપા મોહમ્મદ રઇસ કુરૈશી (ઉ.વ.32, રહે. અમદાવાદ, દાણીલીમડા, મૂળ, રાયબરેલી (UP)
- અભિષેકકુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉ.વ.28, રહે. મૂળ. આગ્રા, ઉત્તરપ્રદેશ)
- પ્રાન્સુકુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉ.વ.29, રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ)
- વિપીનકુમાર વિરેન્દ્રસીંગ જાટ (ઉ.વ.26, રહે. હાથરસ ઉત્તરપ્રદેશ)
અભિષેક વિપીનને અમદાવાદ મૂકી ગયો, ફાયરિંગ બાદ પ્રાંશુએ UP માં આશરો આપ્યો
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાની રીબડા સ્થિત પેટ્રોલ પંપ પર થયેલ ફાયરિંગનાં બનાવમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ્રા રહેતા અભિષેક અને તેના ભાઈ પ્રાંશુએ હાલનો ખર્ચો ઉપાડ્યો હતો. અભિષેક વિપિનને રાજકોટ (Rajkot) મૂકવા માટે પણ આવ્યો હતો. જે બાદ ઈરફાન સાથે મળી બંને રીબડા પહોંચ્યા હતા. બાદમાં ફાયરિંગ કરીને નાસી જતાં પ્રાંશુએ યુપી ખાતે આશરો આપી તમામ ખર્ચ ઊઠાવ્યો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -VADODARA : 'નજીકના ભવિષ્યમાં ભારતમાંથી કોમ્પ્યુર હાર્ડવેરની પણ નિકાસ થવા લાગશે' - ડો. વિજય ભાટકર