Gujarat: મોરબીમાં શિકારના શોખમાં યુવાનનો જીવ ગયો
- જાવેદે ગોળી મારી દેતા વસીમનું મોત નીપજ્યું હતુ
- જમણા ખભા તેમજ ગળાના ભાગે ગોળી વાગી અને વસીમનું મોત થયું
- ઈજાગ્રસ્ત વસીમને સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થઇ ચુક્યું
Gujarat: આજે પણ શિકારના શોખ એ ખુબ મોટી વાત છે પરંતુ મોરબીમાં શિકારના શોખમાં યુવાનનો જીવ ગયો છે અને એ પણ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. રણ વિસ્તારમાં એવું તો શું બન્યું કે જેની સાથે શિકાર કરવા યુવાન ગયો તેણે જ યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખી? કેમ શિકારના શોખમાં મિત્ર જ શિકાર બની ગયો ?
જાવેદે ગોળી મારી દેતા તેમના પુત્ર વસીમનું મોત નીપજ્યું
માળિયા પોલીસના જાપ્તામાં રહેલા આ બંને આરોપીઓના નામ અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો જેડા છે. આ બંને ઉપર હત્યાનો સંગીન આરોપ છે અને તે પણ તેમના જ મિત્રની હત્યાનો આરોપ છે. આ આરોપ મોરબીના ગુલામ હુશેન પીલુંડીયા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જેની હત્યા થઇ છે એ વસીમ આ બંને મિત્રો સાથે માળિયાના વવાણીયાની સીમમાં રણ વિસ્તારમાં શિકાર કરવા ગયો હતો ત્યારે ત્યાં શિકાર બાબતે માથાકૂટ થઇ અને જાવેદે ગોળી મારી દેતા તેમના પુત્ર વસીમનું મોત નીપજ્યું હતુ.
ઈજાગ્રસ્ત વસીમને સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થઇ ચુક્યું
મોરબીમાં ડીસ કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામહુશેન પીલુડીયા રવિવારે સાંજે પરિવાર સાથે પ્રસંગમાંથી પરત ફર્યા ત્યારે તેમનો મોટો પુત્ર વસીમ મિત્રો સાથે શિકાર કરવા નીકળી ગયો હતો. બાદમાં રાત્રે તેમના પુત્રને ગોળી વાગી છે એવી માહિતી મળી હતી તેથી તેઓ મોટી સંખ્યામાં સગાવહાલા સાથે સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ ઈજાગ્રસ્ત વસીમને સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થઇ ચુક્યું હતું. આ બાબતે તેમણે મોરબીના વાવડી રોડ પર રહેતા અસલમ મોવર અને માળિયાના જાવેદ ઉર્ફે જાવલો જેડા સામે પોતાના પુત્રની હત્યા થયાની ફરિયાદ નોંધાવી હતી.
જમણા ખભા તેમજ ગળાના ભાગે ગોળી વાગી અને વસીમનું મોત થયું
સિવિલમાં જયારે મૃતકની લાશને ખસેડવામાં આવી ત્યારે પ્રાથમિક વિગતમાં અકસ્માત થયો હોવાનું તેમજ મિસફાયરમાં વસીમનું મોત થયાનું દર્શાવવામાં આવ્યું હતું. એટલે કે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મૃતકના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા અને તેમની પુછપરછમાં સમગ્ર મામલો અકસ્માતનો નહિ પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલી લીધું કે ત્રણેય મિત્રો શિકાર કરવા ગયા બાદ શિકાર કરવા અસલમે સીમમાં છુપાવેલી દેશી બંધુક કાઢી હતી જે વસીમના હાથમાં હતી અને શિકાર આવ્યો ત્યારે જાવેદ ઉશ્કેરાઈ ગયો હતો કે શિકાર મારે કરવો છે. અને આમ શિકાર કરવા બાબતે ત્રણેય મિત્રો વચ્ચે ઝગડો થયો અને જેમાં જાવેદે વસીમના હાથમાંથી બંધુક છીનવીને તેના જ ઉપર ચલાવી દીધી હતી. જેમાં જમણા ખભા તેમજ ગળાના ભાગે ગોળી વાગી અને વસીમનું મોત થયું હતું.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ ઝેર પીવડાવી દીકરાની હત્યા કરી