Narmada: મહારાજ માધવાનંદનો પાસપોર્ટ મળ્યો! શું 1977 માં USA ગયા હતા?
- Narmada: રાજપીપળામાં મંદિરમાંથી મળેલા વાઘના નખ, ચામડા મામલો
- ગુજરાતમાં વાઘના આટલા એકસાથે અવશેષો મળવાનો પ્રથમ કિસ્સો
- આજે IB અને વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
Narmada: ગુજરાતના નર્મદા જિલ્લામાં વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજપીપલા (Rajpipala) શહેર નજીક આવેલા સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિર (Dharmeshwar Mahadev Temple) ના પરિસરમાંથી અતિ કિંમતી અને પ્રતિબંધિત એવા વાઘના ચામડા અને નખનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર વનવિભાગ અને ગુપ્તચર એજન્સીઓ (IB) એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં એકસાથે 40 થી વધુ વાઘના ચામડાના અવશેષો મળી આવ્યા હોય.
વાઘના અવશેષો રાખવા એ ગંભીર ગુનો!
રાજપીપલાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વનવિભાગને માહિતી આપવામાં આવી હતી કે મંદિરના એક જૂના અને બંધ મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. આ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે વનવિભાગની ટીમે આ મકાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી 37 આખા વાઘ (Tiger) ના ચામડા, 4 ચામડાના ટુકડા અને કુલ 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતા. વન્યજીવ અધિનિયમ મુજબ આટલી મોટી માત્રામાં વાઘના અવશેષો રાખવા એ ગંભીર ગુનો છે.
વિદેશ કનેક્શનની આશંકા!
આ સમગ્ર મામલામાં કેન્દ્રસ્થાને મહારાજ માધવાનંદ સ્વામી (Maharaj Madhavanand Swami) છે, જેઓ આ મકાનનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે. તપાસ દરમિયાન અધિકારીઓને સ્વામીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પાસપોર્ટની વિગતો મુજબ, માધવાનંદ સ્વામી 12-02-1977 ના રોજ અમેરિકા (USA) પણ ગયા હતા. આટલા વર્ષો પહેલા તેઓ કયા કારણોસર વિદેશ ગયા હતા અને ત્યાં તેઓ કોના સંપર્કમાં હતા, તેની કડીઓ હવે IB (Intelligence Bureau) ઉકેલી રહી છે. સ્વામી મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું પણ બહાર આવ્યું છે, જેના કારણે તપાસની આંચ હવે પાડોશી રાજ્ય સુધી પહોંચી છે.
Narmada: પ્રથમવાર આટલો મોટો જથ્થો પકડાયો
વનવિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અગાઉ ક્યારેય પણ એક સાથે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા પકડાયા નથી. સામાન્ય રીતે એક કે બે ચામડા મળતા હોય છે, પરંતુ અહીં 37 આખા ચામડા મળવા એ કોઈ આંતરરાષ્ટ્રીય વન્યજીવ તસ્કરીના નેટવર્ક તરફ ઈશારો કરે છે. શું આ વાઘના શિકાર મધ્યપ્રદેશના જંગલોમાં કરવામાં આવ્યા હતા? શું આ જથ્થો વિદેશ મોકલવા માટે એકઠો કરાયો હતો? આ પ્રશ્નોના જવાબ મેળવવા વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Narmada | ગુજરાતમાં પહેલીવાર એકસાથે 40થી વધુ વાઘના ચામડાં મળ્યા! | Gujarat First
રાજપીપળામાં મંદિરમાંથી મળ્યા મોટી માત્રામાં વાઘનખ, વાઘચર્મ
ગુજરાતમાં પહેલીવાર એકસાથે 40થી વધુ વાઘના ચામડાં મળ્યા
મંદિરના ટ્રસ્ટીને શંકા જતા તેમણે વન વિભાગને કરી હતી જાણ
37 વાઘના આખા ચામડાં, 4… pic.twitter.com/PfpMaynTfJ— Gujarat First (@GujaratFirst) January 9, 2026
IB અને વનવિભાગની સંયુક્ત તપાસ
ઘટનાની ગંભીરતા જોતા માત્ર વનવિભાગ જ નહીં, પરંતુ IB જેવી એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તપાસ અધિકારીઓ એ જાણી રહ્યા છે કે સ્વામીના તાર કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ ગેંગ સાથે જોડાયેલા હતા કે કેમ. ખાસ કરીને 1970 ના દાયકા દરમિયાન વન્યજીવોના અંગોની દાણચોરી ખૂબ જ સક્રિય હતી, ત્યારે આ જથ્થો કેટલો જૂનો છે તેનું ફોરેન્સિક પરીક્ષણ પણ કરવામાં આવશે.
મંદિરના ટ્રસ્ટીઓએ જે રીતે પારદર્શિતા દાખવીને વનવિભાગને જાણ કરી છે, તેને વહીવટી તંત્ર બિરદાવી રહ્યું છે. હાલમાં તમામ મુદ્દામાલ જપ્ત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને માધવાનંદ સ્વામીના ભૂતકાળના તમામ વ્યવહારો અને તેમના બેંક ખાતાઓ તેમજ સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસરે શું કહ્યું?
રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોનીનું કહેવું છે કે આ ચામડાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી અહીં હોવાની શક્યતા છે. નોંધનીય છે કે મંદિરમાં રહેતા મહારાજ માધવાનંદ સ્વામીનું 7 જુલાઈ 2025ના રોજ અવસાન થયું હતું. આ તમામ સામગ્રી તેઓ રહેતા હતા તે રૂમમાંથી જ મળી આવી છે. વનવિભાગ હવે નિધન પામેલા મહારાજ સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોની તપાસ કરી રહ્યું છે, જેમાં મોટા માથા સામે આવવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Kheda: જમીન કૌભાંડ કેસમાં વાંઠવાળીના તલાટી સસ્પેન્ડ, હવે ઉચ્ચ અધિકારીઓનું શું થશે?


