Rajkot: ગરબામાં છરીબાજી, શખસે છરી વડે હુમલો કરતા 3 લોકો ઈજાગ્રસ્ત
- Rajkot: ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી
- પાછળ બેસવા જવાનું કહેતાં ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી
- કાર્યકર્તાઓ બહાર લઈ જતાં ત્યાં તે શખસે છરી કાઢી હતી
Rajkot: નવરાત્રિના આઠમા દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP સીટિંગ પર બેઠેલા એક શખસને અન્ય VVIP આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતાં ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી. જેમાં તેને કાર્યકર્તાઓ બહાર લઈ જતાં ત્યાં તે શખસે છરી કાઢી હતી અને મારામારી થઈ હતી.
ત્રણ લોકોને છાતી, કાન અને હાથ સહિતાના ભાગે ઈજા પહોંચી
આ ઘટનામાં ત્રણ લોકોને છાતી, કાન અને હાથ સહિતાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવારમાં ખસેડ્યો છે.ઘટનાની જાણ થતાં મોડીરાતે DCP ઝોન 2 રાકેશ દેસાઈ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.
Rajkot: બીજા સોફા પર બેસવા જવાનું કહેતા બોલાચાલી થઈ હતીઃ ACP
આ મામલે એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, ખોડલધામ રાસ-ગરબાનું આયોજન કર્યું ત્યાં પલસાણા ચોક રિંગ રોડ નજીક મારામારીનો બનાવ બન્યો હતો. એક કપલ પાસ લઈને બેઠું હતું તે સમયે કોઈ VVIP ગેસ્ટ આવવાના હોવાથી તેઓને વિનંતી પૂર્વક જાણ કરી કે તમે થોડા બીજા સોફા પર બેસવા જતાં રહો. આ બાબતે થોડી બોલાચાલી થઈ અને મારામારી થઈ હતી.
હુમલો કરનાર મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી છે
આ ઘટનામાં ત્રણ વ્યક્તિ મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠીયા અને અશોક ફળદુને ઈજા પહોંચી અને તેઓ હાલ સારવારમાં છે, ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે. વધુમાં જણાવ્યું કે, હુમલો કરનાર મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી છે અને તે લાઈટ હાઉસ અટલ સરોવર નજીક રહે છે. તેને પણ થોડી ઈજા પહોંચી છે માટે સારવાર હેઠળ છે, તેમ છતાં તેને પોલીસ હસ્તગત કરવામાં આવ્યો છે.
એક કાર્યકર્તાને છાતીના ભાગે અને બીજાને હાથ-કાન ઉપર ઈજા પહોંચીઃ નરેન્દ્ર પાંચાણી
આ મામલે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું કે, અમારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન કોઈ વ્યક્તિ અમારા વીઆઈપી ઇન્વિટેશન પાસ પર આવીને સોફા ઉપર બેઠો હતો. અમારા બીજા ગેસ્ટ ટ્રસ્ટીઓ અને ઓફિસરો આવતા હોવાથી તેઓને પાછળ બેસવા માટે કીધુ હતુ, પરંતુ તે વ્યક્તિ માન્યો નહીં. અમારા કાર્યકરોઓ તેને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા તો તેણે હથિયારથી હુમલો કર્યો, જેમાં અમારા ત્રણ કાર્યકર્તાને ઈજા પહોંચી છે. તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પોલીસ ફરિયાદ માટે અમારા કાર્યકર્તાઓ હોસ્પિટલમાં હાજર
વધુમાં જણાવ્યું કે, એક કાર્યકર્તાને છાતીના ભાગે અને બીજાને હાથ-કાન ઉપર ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના શું છે તેની મને હજુ પુરી જાણ નથી. પોલીસ ફરિયાદ માટે અમારા કાર્યકર્તાઓ હોસ્પિટલમાં હાજર છે. જેને ઈજા પહોંચી છે તેના ભાઈ પણ ત્યાં હાજર છે. પોલીસે અમારી રજૂઆત સાંભડી છે અને અમને ખાતરી છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 30 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?