Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ, 3 પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી ફરિયાદ
- ગોંડલ તાલુકા પોલીસે યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરી (Rajkot)
- રાજકોટ જિ. BJP પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિ વિરુદ્ધ વાણીવિલાસનો આરોપ
- અલ્પેશ ઢોલરીયા, તેમના પરિવારની બદનક્ષી થાય તેવા વીડિયો પોસ્ટ કર્યાનો આરોપ
- બન્ની ગજેરાને અલ્પેશ ઢોલરીયાએ 10 કરોડની નોટિસ પાઠવી
- વિશાલ ખૂંટ, તેના મિત્રની પત્નીને બદનામ કરવા ટિપ્પણી કરી હોવાનો પણ આરોપ
રાજકોટ જિલ્લા (Rajkot) ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholaria), વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાનાં માધ્યમથી વાણીવિલાસ કરનારા યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 15 મી મેનાં રોજ વિશાલ ખૂંટ નામની વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બન્ની ગજેરા (Bunny Gajera) વિરુદ્ધ જુદી-જુદી ફરિયાદોમાં અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ (Vishal Khunt) અને તેમના મિત્રની પત્નીને બદનામ કરવા ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. અલ્પેશ ઢોલરીયા દ્વારા બન્ની ગજેરાને બદનક્ષી બદલ રૂ. 10 કરોડની નોટિસ પણ પાઠવવામાં આવી છે.
અલ્પેશ ઢોલરીયા અને તેમના પરિવારની બદનક્ષી થાય તેવા વીડિયો પોસ્ટ કર્યાનો આરોપ
મૂળ ગોંડલ તાલુકાનાં (Rajkot) લીલાખાનાં વતની અને હાલ ગોંડલ (Gondal) મૂકામે રહેતા અલ્પેશ ઢોલરીયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમ જ એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી-ગોંડલનાં ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તે સિવાય પણ ઘણા જુદા-જુદા હોદ્દાઓ પર રહી વર્ષોથી રાજકીય તથા સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. આરોપ છે કે જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામનો રહીશ અને યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ માર્ચ-2025 થી વિવિધ સો. મીડિયા પ્લેટફોર્મ પર અલ્પેશ ઢોલરીયા અને તેના પરિવારની બદનક્ષી થાય તેવા વીડિયો પોસ્ટ કર્યા હતા. ઉપરાંત, સામાન્ય જનતાને અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ ભડકાવવાનું કૃત્ય પણ કર્યું હતું.
આ પણ વાંચો -Junagadh : કૃષિ યુનિવર્સિટીનાં વી.સી. સવાલોના ઘેરામાં, ગંભીર આરોપ થતાં વિવાદ
બન્ની ગજેરાને અલ્પેશ ઢોલરીયાએ 10 કરોડની નોટિસ પાઠવી
આરોપ અનુસાર, બન્ની ગજેરાએ (Bunny Gajera) સો. મીડિયા પર વીડિયો પોસ્ટ કરી અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો ખોટા આરોપ કર્યા અને અલ્પેશ ઢોલરીયાની કારકિર્દી સમાપ્ત કરવાની ધમકી આપી હતી. આથી, આ મામલે અલ્પેશ ઢોલરીયાએ વકીલ મારફતે બન્ની ગજેરાને નોટિસ પાઠવી છે અને 10 કરોડ નું વળતર ચૂકવવા, અલ્પેશ ઢોલરીયા અને તેમના પરિવારની માફી માગવા, બદનક્ષીનાં વીડિયો દૂર કરવા અને ભવિષ્ય આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરવા લેખિતમાં બાંહેધરી આપવા તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો -Sabardairy : શું ખરેખર લાખો રૂપિયા લઈ માનીતા અને સગા-વ્હાલાઓને નોકરી અપાય છે ?
ગોંડલ તાલુકા પોલીસે બન્ની ગજેરાની ધરપકડ કરી
માહિતી અનુસાર, હવે ગોંડલ તાલુકા પોલીસ (Gondal taluka Police) દ્વારા યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે. 15 મી મેનાં રોજ વિશાલ ખૂંટ નામની વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરા દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિઓ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યાનો આરોપ છે. બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ