Sabarkantha : બેંક કર્મી પાસેથી 15 લાખની લૂંટ મચાવનાર 3 પૈકી 2 ઝડપાયા, મુખ્ય આરોપી હજું પણ ફરાર
- ઈડર લૂંટમાં સંડોવાયેલા 3 પૈકી બેને એલસીબીએ ઝડપી લીધા (Sabarkantha)
- ઈલોલનો રહેવાસી અને લૂંટનો માસ્ટર માઈન્ડ હજું પણ પોલીસ પકડથી દૂર
- ઈડરમાં બેંકમાંથી રૂ.15 લાખ ઉપાડી રિક્ષામાં જતા હંગામી કર્મચારીને લૂંટાયો હતો
- એલસીબીએ આરોપીઓ પાસેથી કુલ રૂ.12.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) ઈડરની કે.એમ. પટેલ વિદ્યામંદિર નજીકથી 4 દિવસ અગાઉ રિક્ષામાં એક હંગામી બેંક કર્મચારી રૂ.15 લાખ રોકડ બેંકમાંથી ઉપાડી જઈ રહ્યો હતો ત્યારે, બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રોકડ ભરેલ થેલો લઈને લૂંટ કરી હતી અને ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ બાદ LCB એ કાર્યવાહી કરીને લૂંટમાં સંડોવાયેલા 3 પૈકી 2 ની ઈલોલ નજીકથી ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં આ લૂંટનો માસ્ટર માઈન્ડ ઈલોલમાં રહેતો શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું જે હાલ પણ ફરાર છે. ત્રણેય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
3 પૈકી બે આરોપીઓની ધરપકડ કરાઈ
આ અંગે ઈન્ચાર્જ પોલીસવડા સ્મિત ગોહિલે શુક્રવારે જણાવ્યું હતું કે, ગત 25 માર્ચના રોજ ઈડરની (Idar) કે.એમ.પટેલ હાઈસ્કૂલ પાસેથી બે અજાણ્યા શખ્સ બાઈક પર આવ્યા હતા અને એ.યુ.બેંકમાં હંગામી ફરજ બજાવતા તથા કેશ કલેક્શનનું કામ કરતાં વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા જેઓ એક બેંકમાંથી રૂ.15 લાખ ઉપાડી રિક્ષામાં જઈ રહ્યા હતા તેમની સાથે લૂંટ મચાવી હતી (Robbery Case) અને રોકડ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થયા હતા. જે અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સાબરકાંઠા LCB એ ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફુટેજ અને હ્યુમન સોર્શિસની મદદથી 3 પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Sabarkantha : બાઇક સવાર બે શખ્સ રૂ.15 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર
લૂંટની રકમથી આરોપીઓએ મોંઘી કાર ભાડે લીધી, મોજશોખ કર્યા
આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ ઈડર તાલુકાનાં ચિત્રોડી ગામનો કિરણકુમાર નટવરભાઈ ચેનવા અને રાહુલકુમાર બાબુભાઈ વણઝારા તરીકે થઈ હતી. પૂછપરછમાં આ બંને જણાએ કબુલતા કરી હતી કે લૂંટની યોજના બનાવનાર વિવેક મનીષ શાહ (રહે.ઈલોલ) ની મુખ્ય ભૂમિકા હતી. પકડાયેલા બંનેએ વધુમાં કબૂલ્યું હતું કે, તેઓ આ લૂંટમાં મળેલ રકમ કલ્પના બહારની હોવાથી તેને કંઈ રીતે ભાગ પાડવા તેની દ્રિધામાં હતા. એટલે વિવેક શાહનો સંપર્ક કર્યા બાદ તેઓ હિંમતનગરથી ઈકો ભાડે કરીને ગાંધીનગર અને અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ આ બંને જણાએ રૂ.15 લાખમાંથી રૂ.15 હજાર ભાડું ચૂકવ્યું હતું. તે પછી વિવેક શાહ તથા કિરણ ચેનવા અને રાહુલ વણઝારાએ ભાડેથી આલિશાન કાર લઈને વિજાપુર, મહેસાણા (Mehsana) સહિતનાં અન્ય સ્થળે જઈને લૂંટની રકમમાંથી મોજશોખ કર્યા હતા.
આ પણ વાંચો - Chhotaudepur : નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો પર ફર્યું તંત્રનું બુલટોઝર
પોલીસે કુલ રૂ.12,51,900 નો મુદ્દામાલ કબ્જે
ત્યારબાદ વિવેક શાહ આ બંને જણાને મૂકી તે ગાડી લઈને જતો રહ્યો હતો. સમગ્ર ઘટના ક્રમનો ચિતાર રજૂ કર્યા બાદ એલસીબીએ તેમની પાસેથી અંદાજે રૂ.11, 86. 850 રોકડ કબ્જે લીધી હતી. ઉપરાંત, રૂ.50 હજારની કિંમતનું બાઈક, રૂ.15 હજારનો મોબાઈલ, રૂ.50 ની કિંમતની સ્કૂલ બેગ મળી કુલ રૂ.12,51,900 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ મામલે પોલીસે (Sabarkantha LCB) વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસ પકડથી દૂર આરોપી વિવેક શાહને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી