Mehsana: "કામધંધો કેમ નથી કરતો?" તેમ કહેતા જ પુત્રએ પિતાને હોસ્પિટલ ભેગા કર્યા! પોલીસે નોંધ્યો ગુનો
- Mehsana: પુત્રએ પિતા પર લોખંડની પાઈપથી હુમલો કર્યો
- સિંધી સોસાયટી બાજુમાં આવેલી પટાવાળાની ચાલીમાં ઘટના
- કામધંધો ન કરતા પુત્રને પિતાએ આપ્યો હતો ઠપકો
Mehsana Crime: મહેસાણા શહેરમાં માનવીય સંબંધોને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક પુત્ર (Son) એ પોતાના પિતા (Father) ને લોખંડની પાઈપ વડે બેરહેમીથી માર માર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટના મહેસાણાના પટાવાળાની ચાલી વિસ્તારમાં બની હતી, જ્યાં પિતાએ પુત્રને ભવિષ્ય સુધારવા માટે આપેલી શિખામણ લોહીના સંબંધો પર ભારે પડી હતી.
મળતી માહિતી મુજબ, શહેરની સિંધી સોસાયટીની બાજુમાં આવેલી પટાવાળાની ચાલી (Ptawalani chali) માં જયંતીભાઈનો પરિવાર વસવાટ કરે છે. તેમનો પુત્ર પિયુષ કોઈ કામધંધો કરતો ન હતો અને રખડતું જીવન જીવતો હતો. રવિવારે ઘરમાં આ બાબતે ચર્ચા થઈ હતી. પિતા જયંતીભાઈએ પિયુષને ઠપકો આપી કોઈ કામધંધો કરવા કહ્યું હતુ. જો કે આ શિખામણ પુત્રને ગમી ન હતી.
Mehsana Crime: પુત્રએ લોખંડની પાઈપ ઉપાડી!
આ સામાન્ય વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા પુત્ર પિયુષે ઘરમાં પડેલી લોખંડની પાઈપ ઉપાડી લીધી હતી અને પોતાના જ પિતા પર તૂટી પડ્યો હતો. પિયુષે લોખંડની પાઈપના ફટકા પિતાના પગના ભાગે ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે જયંતીભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં જયંતીભાઈને તાત્કાલિક મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પાઈપના પ્રહારથી પિતાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
Mehsana Crime: પોલીસે હુમલાખોર પુત્ર સામે ગુનો નોંધ્યો
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા મહેસાણા A ડિવિઝન પોલીસ (Mehsana A Division Police) નો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પિતાની ફરિયાદના આધારે કળિયુગી પુત્ર પિયુષ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હુમલાખોર પુત્રની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને યુવા પેઢીમાં વડીલો પ્રત્યે ઘટતી જતી મર્યાદાનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ Mehsana: જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો પાંજરામાં પૂરાશે! પાંછા ગામનો ઠરાવ


