VADODARA : વોટ્સએપ હેક કરવાનું નવું હથિયાર 'મિસિંગ પર્સન સ્કેમ'
VADODARA : છેલ્લા કેટલાય વર્ષોથી સાઇબર અપરાધીઓ પ્રચલિત વોટ્સએપ મેસેજ એપને હેક કરવા માટે અલગ અલગ યુક્તિઓ અજમાવતા આવ્યા છે, જેમાં વોટ્સએપ પર આવેલ 6 ડીઝીટ નો કોડ મેળવીને, વોટ્સએપ પર આમંત્રણ પત્રિકા એપીકે સ્વરૂપમાં મોકલીને, મોબાઈલ ક્લોન કરીને વગેરે ટેક્નિકનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે જેમ જેમ લોકો તમામ મોડસ ઓપરેન્ડી થી જાગૃત થાય છે ,તો સાયબર અપરાધીઓ વોટ્સએપને હેક કરવાની, યુઝર ના મોબાઈલ પર નિયંત્રણ મેળવવા, સાથે બેંક બેલેન્સ ખાલી કરવા,નવી મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ શરૂ કર્યો છે, જેને વોટ્સએપ મિસિંગ પર્સન વોટ્સએપ સ્કેમના નામથી ઓળખવામાં આવે છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા આ નવા સ્કેમ અંગે વિગતવાર માહિતી અને તેનાથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. (CYBER EXPERT MAYUR BHUSAVALKAR EXPOSE WHATSAPP HACKING MISSING PERSON SCAM - VADODARA)
CYBER EXPERT - MAYUR BHUSAVALKAR
મોડસ ઓપરેન્ડી
મયુર ભુસાવળકર જણાવે છે કે, સાઇબર અપરાધીઓ વોટ્સએપનો ઉપયોગ કરીને ફોટો મોકલી રહ્યા છે, અને ત્યારબાદ વોટ્સએપ ના માધ્યમથી જ કોલ કરીને જણાવવામાં આવી રહ્યું છે, કે ફોટોમાં દેખાતો વ્યક્તિ ખોવાયેલ છે, શું આપ તેમને ક્યાં જોયા છે, અરે જો યુઝર ના પાડે, તો યુઝરને સાઇબર અપરાધીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે, જો આ વ્યક્તિ તમને ક્યાંક દેખાય તો અમને જાણ કરવા વિનંતી. હવે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વોટ્સએપ ઉપર સાઇબર અપરાધી દ્વારા મોકલેલ ખોવાયેલ વ્યક્તિની ફોટો ડાઉનલોડ કરે છે, અથવા વોટ્સએપ પર મીડિયા ઓટો ડાઉનલોડ ઓપ્શન જો ઓન રાખ્યું હોય, તો સાઇબર અપરાધી દ્વારા મોકલેલ ફોટો ઓટો ડાઉનલોડ થઈ જાય છે.
બેન્કિંગ એપ્લિકેશનનોનો ઉપયોગ કરીને રૂપિયાની ઉઠામણી પણ કરી શકે
વધુમાં જણાવ્યું કે, જ્યારે આ ફોટો ડાઉનલોડ થાય છે, ત્યારે સાઇબર અપરાધી મોબાઈલ ની અંદર "આર એ ટી" પ્રકારનો હુમલો કરે છે, એટલે કે રિમોટ એક્સેસ ટ્રોજન દાખલ કરી દે છે, રિમોટ એક્સેસ ટ્રોજન મોબાઇલમાં સ્થાપિત થઈ જાય તો તે યુઝર ના મોબાઈલ નું સમગ્ર નિયંત્રણ સાઇબર અપરાધીના હાથમાં આપી દે છે, અને ત્યારબાદ અપરાધી દુનિયાના કોઈપણ ખૂણા માંથી યુઝર ના મોબાઈલ ને નિયંત્રિત કરી શકે છે, બેન્કિંગ એપ્લિકેશનનોનો ઉપયોગ કરીને રૂપિયાની ઉઠામણી પણ કરી શકે છે, એસએમએસ પણ વાંચી શકે છે, નોટિફિકેશન પણ વાંચી શકે છે, ગેલેરી નો પણ એક્સેસ કરી શકે છે, યુઝરના ઓડિયો, વિડીયો અને ઈમેજ પણ મેળવી શકે છે, ટૂંકમાં સમગ્ર મોબાઈલ ઉપર સાઇબર અપરાધીનું નિયંત્રણ હોય છે.
કેસ સ્ટડી
વધુમાં તેમણે જણાવ્યું કે, 28 માર્ચ 2025 ના રોજ મધ્યપ્રદેશ જબલપુરના એક વ્યક્તિને આ જ રીતે વોટ્સએપ ઉપર એક અજ્ઞાત વ્યક્તિ તરફથી ફોટો આવ્યો અને ત્યારબાદ સાઇબર અપરાધીએ એને કોલ કરીને જણાવ્યું કે તમને વોટ્સએપ પર એક જે ફોટો મોકલ્યો છે ,તે વ્યક્તિ ખોવાયેલ છે, શું તમે તે વ્યક્તિને ઓળખો છો ?. જ્યારે વ્યક્તિએ ના પાડી ત્યારે સાયબર અપરાધીએ તેને જણાવ્યું કે જો તેની કોઈ માહિતી મળે તો અમને આ નંબર પર કોલ કરીને જણાવજો, ફોટો ડાઉનલોડ થતા ની સાથે જ વ્યક્તિના મોબાઈલ ઉપર, કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે, અને તે એપ્લિકેશન થકી સાઇબર અપરાધી ભોગ બનનારના મોબાઈલ નું નિયંત્રણ મેળવી લે છે, અરે ત્યારબાદ ભોગ બનનારના એકાઉન્ટમાં એક રૂપિયો જમા કરે છે ,અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટ માંથી લગભગ બે લાખ રૂપિયાની ઉચાપત કરે છે.
વોટ્સએપ પર ફોટો મોકલવાથી મોબાઇલમાં કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ થઈ?
સાયબર એક્સપર્ટે ઉમેર્યું કે, અત્યારના સમયમાં સાઇબર અપરાધીઓ દ્વારા આ પ્રકારના સાઇબર એટેક માટે સ્ટેગનોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ફોટો ની અંદર મલેશિયસ પ્રકારની ફાઈલને દાખલ કરવામાં આવે છે, અને ત્યારબાદ તે ફોટોને કોઈ વોટ્સએપ યુઝરને મોકલવામાં આવે છે, અને જ્યારે તે વોટ્સએપ યુઝર તેને ડાઉનલોડ કરે તેના મોબાઈલ ની અંદર બેગ્રાઉન્ડમાં કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન સ્થાપિત થઈ જાય છે, અને ત્યારબાદ તે એપ્લિકેશન સમગ્ર મોબાઇલ ઉપર નિયંત્રણ મેળવી લે છે, યુઝર ની તમામ એક્ટિવિટી ઉપર ધ્યાન રાખતી થઈ જાય છે.
કેમ વોટ્સએપ પર આવા પ્રકારના ફોટો ડાઉનલોડ થઈ શકે છે ?
વોટ્સએપ મીડિયા હેન્ડલિંગ પ્રમાણે જ્યારે વોટ્સએપ પર કોઈ ફોટો કોઈપણ પ્રકારના યુઝર પાસેથી આવે છે, ત્યારે એપ તેને પ્રોસેસ કરે છે ,અને ઈમેજ તરીકે પ્રદર્શિત કરે છે. પરંતુ ઈમેજના બાયનરી ડેટાનું વિશ્લેષણ કરતું નથી કે તેમાં ગુપ્ત રીતે અન્ય ફાઇલ પ્રકારો શામેલ છે કે નહીં, પરિણામે આવા પ્રકારના ફોટા વોટ્સએપ પર ડાઉનલોડ થઈ શકે છે.
ધ્યાનમાં રાખવાના મુદ્દા:
- વોટ્સએપ પર ઓટો મીડિયા ડાઉનલોડ માટે "નો મીડિયા ઓપ્શન પસંદ" રાખવો જોઈએ.
- વોટ્સએપ પર આવેલ "સાયલેન્સ અનનોન કોલર ફીચર" લાક્ષણિકતા ઓન રાખવી જોઈએ, જેનાથી કોઈપણ યુઝર તમારો સીધો સંપર્ક સાદી શકાતો નથી,
- "બ્લોક અનનોન એકાઉન્ટ મેસેજ" ફીચરને પણ ઓન રાખવું જોઈએ.
- વોટ્સએપ એપ્લિકેશન ને સતત અપડેટ રાખવી જોઈએ.
- જો શક્ય હોય તો ડાઉનલોડ થતી તમામ વિગતને લાઇસન્સ પ્રકારના એન્ટિવાયરસ સોફ્ટવેરથી ચેક કરવી જોઈએ
- જો યુઝર ની કોઈ ભૂલને કારણે જો કોઈ મીડિયા ફાઇલ ડાઉનલોડ થઈ જાય તો ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવું જોઈએ, અને જાણકાર પાસે મોબાઈલ ચેક કરાવો જોઈએ.
- હંમેશા ડેબિટ લિમિટ સેટ રાખવી જોઈએ.
- અને જો અન્નોન યુઝર સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો એને સૌ પ્રથમ બ્લોક કરવો જોઈએ, ત્યારબાદ પણ તે અલગ અલગ રીતે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે તો સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી જોઈએ.
- જો નાણાકીય ફ્રોડ થાય છે, તો 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ પણ વાંચો --- VADODARA : રામ નવમી નિમિત્તે 27 શોભાયાત્રા નીકળશે, લોખંડી બંદોબસ્ત તૈનાત