VADODARA : PG માં રહેતા યુવકના ત્રાસથી મહિલાએ પોતાનું ઘર છોડવું પડ્યું
- વડોદરાના ગોત્રીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- પીજીમાં રહેતા પરપ્રાંતિય યુવકે ખંડણી માંગી
- સતત ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાનું જ ઘર છોડ્યું
- આખરે પોલીસે છટકું ગોઠવીને યુવકને દબોચી લીધો
VADODARA : અજાણ્યા વ્યક્તિઓને ઘરમાં પેઇન ગેસ્ટ તરીકે રાખતા પહેલા વિચારવું પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આધેડ મહિલાએ પરપ્રાંતિય યુવકને પીજી તરીકે રાખ્યો હતો. બાદમાં યુવકે પોત પ્રકાશ્યું હતું. મહિલા ઉંઘતી હોય તેવો વીડિયો બનાવીને તેની પાસેથી રૂ. 2 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આખરે પોલીસે ખંડણીખોર દિવેશ ઉર્ફે દેબુ રવિકાન્ત દ્વિવેદીની ધરપકડ કરી છે. તે બાદ આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જાણ બહાર મહિલાનો વીડિયો બનાવ્યો
શહેરના ગોત્રી વિસ્તારમાં આધેડ મહિલા દ્વારા પરપ્રાંતિય યુવક દિવેશ ઉર્ફે દેબુ રવિકાન્ત દ્વિવેદીની પીજી તરીકે રાખવામાં આવ્યો હતો. જો કે, આ યુવકની દાનત પહેલાથી જ સારી ન્હતી. સમય જતા તેની સાબિતી સામે આવી હતી. યુવકે આધેડ મહિલા સુતી હોય તેવો વીડિયો તેમની જાણ બહાર બનાવી લીધો હતો. ત્યાર બાદ યુવકે મહિલા જોડેથી રૂ. 2 લાખની ખંડણી માંગી હતી. આ ઘટના બાદ મહિલાએ યુવકને ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. પરંતુ તે બાદ તે ફરી બળજબરી ઘરમાં રહેવા આવી ગયો હતો.
ધમકી આપી પૈસા માંગવાનું ચાલુ રાખ્યું
યુવકના ત્રાસથી ત્રસ્ત મહિલાઓ પોતાનું જ ઘર છોડવાનો વારો આવ્યો હતો. અને મહિલાએ નજીકમાં રહેતી પોતાની બહેનના ઘરે આશરો લીધો હતો. તે બાદ પણ યુવકે ધમકીઓ આપવાનું અને પૈસા માંગવાનું ચાલુ રાખ્યું હતું. અંતે મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે છટકું ગોઠવીને આરોપીને દબોચી લીધો છે. સમગ્ર ઘટનાને પગલે ઘરમાં પીજી તરીકે અજાણ્યા શખ્સને રાખતા પહેલા વિચારવું પડે તેવી લોકચર્ચાઓએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો --- VADODARA : લગ્નનની લાલચે સગીરા પર દુષ્કર્મ, ધર્મ પરિવર્તન કરવા સિગારેટના ડામ દીધા