VADODARA : શિનોર પાસે SMC ના દરોડા, રૂ. 10.86 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત
- સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
- વેપલો કરનારના ઘરે અને કારમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોર (VADODARA RURAL SINOR) તાલુકાના તેરસા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC RAID) ગાંધીનગર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં વિદેશી દારૂ અને બિયરની 1987 બોટલ-ટીન અને એક સ્કોર્પિયો મળી રૂ. 10.86 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના સફળ દરોડામાં શિનોર પોલીસ (SINOR POLICE STATION) ઉંઘતી ઝડપાઇ હોવાની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે.
રોનક પાટણવાડિયા ના ઘરે ટીમોએ દરોડા પાડ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ના પી.આઈ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શિનોર તાલુકાના તેરસા ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતા રોનક પાટણવાડિયા ના ઘરે ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં તેના ઘરમા અને બહાર પડેલ સ્કોર્પિઓ ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં એસએમસીની ટીમોએ જુદી જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂ અને બિયર ની કુલ 1987 બોટલ-ટીન કબ્જે કર્યા છે, જેની કિંમત રૂ, 5.76 લાખ આંકવામાં આવી રહી છે.
બે ને દબોચી લેવામાં આવ્યા
આ સાથે જ દરોડામાં સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત રૂ. 5 લાખ આંકવામાં આવી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 10.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન દારૂનો વેપલો કરતા રોનક પાટણવાડિયા અને શોએબ કમરુદ્દીન રાઠોડને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વેપલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં શિનોર તાલુકા ના સુરાશામળ ગામે દુકાન ની આડમાં દેશી વિદેશી દારૂ નો વેપલો થતો હોવાનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ ની કામગીરી પર સવાલ ઉભા થયાં હતા. ત્યારે આ વચ્ચે બુધવારે વહેલી સવારથી નાનાકડા તેરસા ગામે દારૂ નો મોટો જથ્થો સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ઝડપી પાડતાં સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા થયાં છે.
આ પણ વાંચો --- VADODARA : લાંચ કાંડમાં સંડોવાયેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટરના માતા ભાજપના કોર્પોરેટર