પોલીસ તપાસના બહાને ગાડીઓ ભાડે લીધી
મળતી માહિતી મુજબ આરોપી જિતેન્દ્ર સોલંકીએ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકોને પોલીસ તપાસ માટે ગાડીઓની તાત્કાલિક જરૂર હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. પોલીસ વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિ હોવાના કારણે કંપનીએ કોઈ શંકા રાખ્યા વગર ગાડીઓ ભાડે આપી દીધી હતી. આરોપ છે કે ગાડીઓ મેળવ્યા બાદ તેનો ઉપયોગ તપાસ માટે કરવાની જગ્યાએ નકલી આરસી બૂક બનાવી અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી. ટ્રાવેલ્સ કંપનીને લાંબા સમય સુધી ગાડીઓ પરત ન મળતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.
ફોર્ચ્યુનરથી લઈને થાર સુધીની ગાડીઓ વેચી દીધી
ફરિયાદીના જણાવ્યા અનુસાર કુલ છ વાહનો ગેરરીતે વેચી દેવામાં આવ્યા છે. તેમાં 1 ફોર્ચ્યુનર, 2 સ્વિફ્ટ, 2 સ્કોર્પિયો અને 1 થારનો સમાવેશ થાય છે. આ તમામ ગાડીઓ અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીની માલિકીની હોવાનું કહેવાય છે. વાહનોના સોદા ક્યાં અને કોને કરવામાં આવ્યા તેની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
GPS બાઈકમાં લગાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
મામલાનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે ગાડીઓમાં લગાવવામાં આવેલા GPS ઉપકરણો કાઢીને તેને બાઈકમાં લગાવવામાં આવ્યા હતા. જેથી ટ્રાવેલ્સ કંપનીના સંચાલકોને ગાડીઓ હજી પણ ચાલુ હાલતમાં અને નિયંત્રણમાં હોવાનો ભ્રમ રહે. GPS લોકેશન બાઈક સાથે હલતું હોવાથી સંચાલકોને શરૂઆતમાં કોઈ ગડબડ હોવાની શંકા ન ગઈ હતી. બાદમાં ટેકનિકલ તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાના આરોપ લગાવ્યા છે.
3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
આ મામલે દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિતેન્દ્ર સોલંકી સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તંત્ર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
પોલીસકર્મીનું નામ આ પ્રકારની છેતરપિંડીમાં સામે આવતા સમગ્ર મામલો પોલીસ વિભાગ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળે છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Surat: કીમ પોલીસ સ્ટેશનના PI પી.સી. સરવૈયાને સસ્પેન્ડ કરાતાં ખળભળાટ, જાણો કેમ કરાયા સસ્પેન્ડ?
આ પણ વાંચોઃ Jamnagar: રેન્જ IG નિર્લિપ્ત રાય જામનગર જિલ્લા જેલ પહોંચ્યા, વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું