Saputara Tour Package Fraud: ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસ કરવા આવેલા એક પ્રવાસી સાથે ટુર પેકેજના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાપુતારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડી આચરનાર બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પ્રવાસીને સસ્તું અને આકર્ષક ટુર પેકેજ આપવાની લાલચ આપીને ઠગ ટોળકીએ સંપર્ક કર્યો હતો. આ પેકેજ બુક કરાવવાના બહાને ફરિયાદી પાસેથી શરૂઆતમાં રૂ. 76 હજારથી વધુની રકમ વસૂલવામાં આવી હતી. જોકે, રકમ લીધા બાદ પણ ઠગોનો લોભ અટક્યો ન હતો. તેમણે વિવિધ બહાના હેઠળ અને 'અલગ-અલગ ચાર્જ'ના નામે ફરિયાદી પાસે વધારાના રૂપિયાની માંગણી શરૂ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ક્રેડિટ કાર્ડના વ્યાજની ચૂકવણીના નામે પણ ફરિયાદી પાસેથી વધુ રકમ પડાવીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
પોલીસ કાર્યવાહી
છેતરપિંડીનો ભોગ બનેલા પ્રવાસીએ તાત્કાલિક સાપુતારા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારીઓએ ગંભીરતા દાખવીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાપુતારા પોલીસે ટેકનિકલ એનાલિસિસ (સીડીઆર અને અન્ય ડિજિટલ પુરાવા) અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે સફળતાપૂર્વક બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે વ્યક્તિઓ પણ સામેલ હતા, જેઓ હાલ ફરાર છે. સાપુતારા પોલીસે આ બંને આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીએ પ્રવાસીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Serial Blast Case: માત્ર 70 મિનિટ, 21 બ્લાસ્ટ! અમદાવાદના ઈતિહાસનો એ સૌથી ભયાનક દિવસ, જાણો સમગ્ર ઘટના વિશે