સંસદના બંને ગૃહોમાંથી જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 ને લીલી ઝંડી
ભારતીય સંસદે દેશના નાગરિકી રેકોર્ડ મેનેજમેન્ટમાં એક યુગકારી સુધારો કર્યો છે. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાંથી જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક પસાર થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષી સભ્યોના ભારે હંગામા વચ્ચે આ મહત્વપૂર્ણ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું.
સરકારે ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે આ નવો કાયદો લાવવાનો મુખ્ય હેતુ બોગસ અથવા ખોટી રીતે મોડા કરવામાં આવતા નોંધણીના કિસ્સાઓ પર કાયમી રોક લગાવવાનો છે. આ કાયદાથી તમામ નાગરિકોનો જન્મ અને મૃત્યુનો રેકોર્ડ સચોટ બનશે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મદદરૂપ સાબિત થશે.
21 દિવસથી લઈને ૨ વર્ષ સુધીના રજીસ્ટ્રેશન માટેના નવા નિયમો
આ નવા સુધારાથી સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર સીધી અસર પડશે. વિગતો અનુસાર, સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરાયો નથી. બાળકના જન્મ અથવા વ્યક્તિના મૃત્યુની માહિતી 21 દિવસની અંદર આપવા પર પહેલાની જેમ જ સામાન્ય રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
જો માહિતી આપવામાં 21 દિવસથી વધુ અને 1 વર્ષ સુધીનો વિલંબ થાય, તો નિયમ મુજબ નક્કી કરેલી લેટ ફી (વિલંબ શુલ્ક) ભરીને સર્ટિફિકેટ મેળવી શકાશે. બાળકોને શિક્ષણ, સરકારી ઓળખપત્રો, પાસપોર્ટ અને કાનૂની અધિકારો મેળવવા માટે જન્મનું પ્રમાણપત્ર આધારભૂત પુરાવો છે.
2 વર્ષથી વધુ મોડા રજીસ્ટ્રેશન માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ
જે કિસ્સાઓમાં જન્મ કે મૃત્યુની નોંધણીમાં 1 વર્ષથી વધુ અને 2 વર્ષ સુધીનો વિલંબ થયો હોય, તેમાં હવે સીધા રજીસ્ટ્રાર સર્ટિફિકેટ આપી શકશે નહીં. તેના માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા તેમણે નિયુક્ત કરેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી પડશે.
સૌથી સખત જોગવાઈ 2 વર્ષથી વધુ મોડા થયેલા રજીસ્ટ્રેશન માટે કરવામાં આવી છે. જો 2 વર્ષથી વધુ સમય વીતી ગયો હોય, તો માત્ર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (Judicial Magistrate) ના સત્તાવાર આદેશ બાદ જ નોંધણી થઈ શકશે. આ મંજૂરી આપતા પહેલા સંબંધિત અધિકારીએ તમામ રજૂ કરાયેલા દસ્તાવેજો અને આધાર પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવી પડશે.
આ નવો કાયદાકીય સુધારો સામાન્ય નાગરિકોને કેવી રીતે અસર કરશે
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ આ બિલને મહત્વપૂર્ણ ગણાવીને ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો અને નારેબાજી કરી હતી. આમ છતાં, ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, અન્નાડીએમકે, બીઆરએસ, સીપીઆઈ(એમ) અને શિવસેના સહિતના વિવિધ પક્ષોના સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
આ નવા કાયદાની ભવિષ્યની અસરો જોઈએ તો, બનાવટી જન્મ-મૃત્યુના સર્ટિફિકેટ બનાવીને આચરવામાં આવતી નાણાકીય કે જમીન-મિલકત સંબંધિત છેતરપિંડીઓ અટકશે. આમ જનતાએ હવે પોતાના પરિવારમાં જન્મ કે મૃત્યુની ઘટના બને ત્યારે વિલંબ કર્યા વગર 21 દિવસની મર્યાદામાં જ રજીસ્ટ્રેશન કરાવી લેવું હિતાવહ રહેશે.
આ પણ વાંચો : Asaram Bapu Parole News : રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત, જાણો કેટલા દિવસો માટે આવશે બહાર?