Delhi Rain : ઉત્તર ભારતમાં ફરી એક વખત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ગુરુવાર સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. સતત ધોધમાર વરસાદના કારણે રાજધાની અને આસપાસના વિસ્તારો જળમગ્ન થયા છે. જેના કારણે અનેક સમસ્યા સર્જાઈ છે.
Delhi Rain : દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે વરસાદની સૌથી ખરાબ અસર નોઈડાને દિલ્હી સાથે જોડતા DND ફ્લાયવે પર અનુભવાઈ હતી. લગભગ 3 થી 4 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે હજારો વાહનો કલાકો સુધી અટવાઈ ગયા હતા. કૃષ્ણ મેનન માર્ગ, ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ, મંડી હાઉસ ખાતે સફદર હાશ્મી માર્ગ અને ITO સહિત ઘણા વિસ્તારોમાં ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. દરમિયાન, ભારે વરસાદને કારણે દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે લોકોને મોટી અગવડતા પડી હતી.
હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું એલર્ટ
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિવસભર ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરો છોડવાની અપીલ કરી છે.
ગુરુગ્રામ પોલીસે જાહેર કરી એડવાઈઝરી
ગુરુગ્રામમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જેમાં અનેક મુસાફરો અટવાયા છે. બિનજરૂરી ટ્રાફિક ભીડ ઘટાડવા અને સરળ માર્ગ વ્યવસ્થાપન જાળવવા માટે, કોર્પોરેટ કંપનીઓ અને ખાનગી સંસ્થાઓને 6 ઓગસ્ટ, 2026 ના રોજ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : UP News : પ્રતાપગઢમાં ભારે વરસાદથી 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 લોકોના મોત