Delhi School : સ્કૂલમાં અચાનક ઢળી પડી 9 વર્ષની વિદ્યાર્થિની, CCTV ફૂટેજ જોઇ કાળજું કાંપી જશે
Delhi School : દિલ્હીના પૂર્વ વિસ્તારમાં આવેલી એક શાળામાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. મયૂર વિહાર ફેઝ-2 સ્થિત લવલી હેરિટેજ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતી માત્ર 9 વર્ષની વિદ્યાર્થિનીનું અચાનક જમીન પર પટકાયા બાદ મોત થયું છે. રમતગમતનો સમય પૂરો થયા બાદ બાળકી પોતાની ક્લાસમાં પરત ફરી હતી. તે દરમિયાન અચાનક ઊભા-ઊભા જ ફર્શ પર ઢળી પડી હતી.
આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
રમતનો સમય પૂરો થયા બાદ અચાનક જમીન પર પડી બાળકી
મળતી માહિતી મુજબ, બાળકી દરરોજની જેમ બુધવારે સવારે પણ સ્કૂલે પહોંચી હતી. તેના પિતા સવારે લગભગ 7:30 વાગ્યે તેને શાળાએ મૂકીને ગયા હતા. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 8:30થી 9:10 વાગ્યા સુધી બાળકોનો પીટી પીરિયડ હતો. રમતગમતનો સમય પૂરો થયા બાદ તમામ વિદ્યાર્થીઓ પોતાની-પોતાની ક્લાસમાં પાછા ફર્યા હતા. બાળકી પણ ક્લાસમાં આવીને ઊભી રહી હતી.
આ દરમિયાન CCTV ફૂટેજમાં જોવા મળે છે કે બાળકી બંને હાથ કમર પર રાખીને ઊભી છે અને થોડી જ ક્ષણોમાં અચાનક જ જમીન પર પટકાય છે. બાળકી અચાનક નીચે પડી જતાં ક્લાસમાં હાજર શિક્ષિકાએ તરત જ તેને ઉઠાવીને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્કૂલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.
A 9-year-old Class 3 student died after suddenly collapsing inside her classroom at a school in Mayur Vihar, East Delhi, on Wednesday morning. CCTV footage captured the incident. Police have launched an investigation.
#Delhi #MayurVihar #america #Trump #galaxyzfold8 https://t.co/SaPcytt8uJ— Amrita Gupta (@amrita_gupta_00) November 4, 2026
ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ, પણ જીવ બચી શક્યો નહીં
ઘટના બાદ સ્કૂલ સ્ટાફે બાળકીને તાત્કાલિક પાંડવ નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી હતી. અહીં પ્રાથમિક તપાસ કર્યા બાદ તબીબોએ તેને વધુ સારી સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ સ્કૂલ પ્રશાસન તેને નિર્માણ વિહાર સ્થિત અન્ય એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જોકે, ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ તપાસ કરીને બાળકીને મૃત જાહેર કરી હતી.
સવારે લગભગ 10 વાગ્યે પરિવારને સ્કૂલ તરફથી બાળકીની તબિયત ખરાબ હોવાની જાણ કરવામાં આવી હતી. ઘરે હાજર તેની માતા તાત્કાલિક સ્કૂલ તરફ રવાના થઈ હતી. ત્યારબાદ તેઓ સ્કૂલ સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, જ્યાં તેમને દીકરીના મૃત્યુના સમાચાર મળ્યા હતા. એકની એક દીકરી ગુમાવવાના સમાચાર સાંભળીને પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું.
પરિવારનો સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ
બાળકીના પરિવારજનોએ સ્કૂલ પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે બાળકી સંપૂર્ણ સ્વસ્થ હતી અને તેને અગાઉથી કોઈ બીમારી નહોતી. બાળકીના પિતાએ આક્ષેપ કર્યો છે કે સમયસર યોગ્ય સારવાર મળી હોત તો કદાચ તેમની દીકરીનો જીવ બચાવી શકાયો હોત. પરિવાર દ્વારા સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. મૃતક બાળકી ત્રિલોકપુરી વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તે પરિવારની એકમાત્ર સંતાન હતી. તેના પિતા વિસ્તારમાં આવેલા એક જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેઓ મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે પણ ફરજ બજાવે છે.
Delhi | Today, at about 09:52 AM, a PCR call was received regarding a 9-year-old girl, Class III student of Lovely Public School, Mayur Vihar. As per the PCR call, the child had reportedly been brought to Malik Redix Health Care, Nirman Vihar where she was declared brought dead. During the preliminary enquiry, CCTV footage of the class was examined, which reportedly shows the girl suddenly collapsing. Further enquiry is underway to ascertain the exact circumstances of the incident. The statements of the parents and concerned school authorities are to be recorded. CCTV footage and other relevant evidence are also being examined: Delhi Police
— ANI (@ANI) November 4, 2026
પોલીસ અને FSL ટીમે સ્કૂલમાં તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે બાળકીના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે એલબીએસ હોસ્પિટલની મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ ટીમ અને FSLની ટીમે પણ સ્કૂલની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્કૂલના ક્લાસરૂમમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લીધા છે.
ફૂટેજના આધારે બાળકી કઈ રીતે પડી, ત્યારબાદ તેને કેવી રીતે સારવાર માટે લઈ જવામાં આવી અને સ્કૂલ સ્ટાફે શું કાર્યવાહી કરી તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પાંડવ નગર પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પૂર્વી જિલ્લા પોલીસના ડેપ્યુટી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બાળકીના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
સ્કૂલ પ્રશાસને આપી પોતાની સફાઈ
બીજી તરફ, સ્કૂલ પ્રશાસને પણ આ ઘટના અંગે પોતાની વાત રજૂ કરી છે. સ્કૂલ તરફથી જણાવાયું છે કે સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ CCTV કેમેરામાં ઉપલબ્ધ છે અને બાળકીની તબિયત બગડતાં જ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને નિર્માણ વિહારની મોટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
સ્કૂલ પ્રશાસને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ આ ઘટનામાં સૌથી મોટો સવાલ બાળકીના અચાનક મોત પાછળનું સાચું કારણ શું છે તે છે. પોલીસ તપાસ, CCTV ફૂટેજ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકશે. ત્યાં સુધી હાર્ટ એટેકને મોતનું કારણ માની લેવું યોગ્ય નહીં ગણાય.
આ પણ વાંચો : Kerala Crime News : અભિનેત્રીના કપડા પર જ્ઞાન આપનાર મૌલાના હવે પોતે જ ભરાયા, સગીરાના યૌન શોષણના ગંભીર આરોપમાં જેલભેગા

