આ વર્ષની ઈવેન્ટમાં 6G ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ક્રાંતિ, સાયબર સુરક્ષા અને ભવિષ્યની ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારતની ડિજિટલ પ્રગતિ અને ટેલિકોમ ક્ષેત્રે થયેલા પરિવર્તનો અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી.
નાના પાટેકરને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે નાના પાટેકરને પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કલાકાર ગણાવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે નાના પાટેકરે પોતાના દમદાર અભિનયથી હિન્દી અને મરાઠી સિનેમામાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમનું નિધન ભારતીય ફિલ્મજગત માટે મોટી ખોટ છે.
ભારતના દરેક જિલ્લામાં પહોંચ્યું 5G નેટવર્ક
પીએમ મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વર્ષ 2022માં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના મંચ પરથી જ દેશમાં 5G સર્વિસ (5G Service) શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર વર્ષમાં 5G નેટવર્કનો ઝડપી વિસ્તાર થયો છે. તેમના જણાવ્યા અનુસાર, આજે દેશના દરેક જિલ્લામાં 5G કનેક્ટિવિટી પહોંચી ગઈ છે અને ભારતમાં 5.5 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન કાર્યરત છે. હવે ભારત આગામી પેઢીની 6G ટેક્નોલોજી (6G Technology) વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
કોરોના કાળમાં ડિજિટલ ક્રાંતિ બની આશીર્વાદરૂપ
વડાપ્રધાને વર્ષ 2020ના કોરોના મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું કે ડિજિટલ ટેક્નોલોજીને કારણે લોકો શારીરિક રીતે દૂર હોવા છતાં પોતાના પરિવારજનો સાથે સંપર્કમાં રહી શક્યા હતા. સરકારે પણ ડિજિટલ વ્યવસ્થાને પ્રાથમિકતા આપી છે. તેમણે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે આજે ટેક્નોલોજીની મદદથી ખેડૂતો સુધી આર્થિક સહાય સીધી પહોંચાડી શકાય છે. ડિજિટલ ક્રાંતિએ સરકારી સેવાઓને વધુ સરળ અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ગેમિંગ અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રે રોજગારીની નવી તકો
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતનો ગેમિંગ સેક્ટર (Gaming Sector) ઝડપથી વિસ્તરી રહ્યો છે. આજે વિશ્વભરના કરોડો લોકો ભારતના ગેમિંગ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા છે. દેશના યુવાનો ઈ-સ્પોર્ટ્સ (E-Sports), ગેમ ડેવલપમેન્ટ અને ગેમિંગ કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. સસ્તા ઇન્ટરનેટ ડેટા અને મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઓડિયો-વિઝ્યુઅલ ગેમિંગ ક્ષેત્રને વેગ મળ્યો છે. આ સાથે કન્ટેન્ટ ક્રિએશન ઇન્ડસ્ટ્રી હજારો કરોડ રૂપિયાના સ્તરે પહોંચી રહી છે, જેના કારણે યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.
Cyber Fraud રોકવા વૈશ્વિક વ્યવસ્થાની જરૂર
ડિજિટલ ટેક્નોલોજીના વધતા ઉપયોગ વચ્ચે પીએમ મોદીએ સાયબર ફ્રોડ (Cyber Fraud) અને ઓનલાઇન છેતરપિંડી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અજાણ્યા ફોન કોલ, શંકાસ્પદ મેસેજ અને ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
તેમણે જણાવ્યું કે સાયબર ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા માટે વૈશ્વિક સ્તરે એક મજબૂત માળખું (Global Framework) તૈયાર કરવું જરૂરી છે. આ માટે GSMA, આંતરરાષ્ટ્રીય ટેલિકોમ ઓપરેટર્સ અને અન્ય સંબંધિત સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું પડશે. આવી વ્યવસ્થાથી ડિજિટલ સુરક્ષા મજબૂત બનવાની સાથે લોકોનો ટેક્નોલોજી પ્રત્યેનો વિશ્વાસ પણ વધશે.
ટેલિકોમ ક્ષેત્રમાં મોટા સુધારા, સેમિકન્ડક્ટર પર ફોકસ
વડાપ્રધાને છેલ્લા દસ વર્ષમાં ટેલિકોમ ક્ષેત્રે થયેલા નીતિગત સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગતિશક્તિ સંચાર પોર્ટલ (GatiShakti Sanchar Portal) અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) સંબંધિત મુદ્દાઓના નિરાકરણ માટે લેવાયેલા પગલાં વિશે વાત કરી હતી. આ ઉપરાંત ભારત સેમિકન્ડક્ટર મિશન (India Semiconductor Mission) અંગે જણાવતાં તેમણે કહ્યું કે દેશ હવે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપી રહ્યો છે. આ ક્ષેત્રમાં પ્રગતિ ભારતના ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસને નવી દિશા આપી શકે છે.
PM મોદીએ અંતમાં જણાવ્યું કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ માત્ર ટેક્નોલોજી પ્રદર્શન પૂરતી સીમિત ન રહેવી જોઈએ. તેને રિસર્ચ (Research), ઇનોવેશન (Innovation) અને મેન્યુફેક્ચરિંગ (Manufacturing) માટે વૈશ્વિક સ્તરના મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે વિકસાવવાની જરૂર છે. ભારતને નવી ટેક્નોલોજી અને ડિજિટલ વિકાસના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : LIVE: Nana Patekar Death : બોલિવૂડના 'ક્રાંતિવીર'ને અંતિમ અલવિદા! નાના પાટેકરના નિધનથી ફિલ્મજગતમાં શોક