જસ્ટિસ વર્મા કેશ કાંડમાં સંસદીય કમિટીનો રિપોર્ટ જાહેર
નવી દિલ્હીના 30, તુઘલક ક્રેસન્ટ સ્થિત અધિકૃત નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં મળી આવેલી રોકડ રકમના પ્રકરણમાં સંસદીય તપાસ સમિતિનો અહેવાલ સામે આવ્યો છે. લોકસભા અધ્યક્ષ દ્વારા સપ્ટેમ્બર 2025માં ગઠિત કરાયેલી સંયુક્ત તપાસ સમિતિએ જસ્ટિસ યશવંત વર્મા સામેના તમામ આરોપોને સાબિત ગણાવ્યા છે.
સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે જજ સાહેબ પોતાના તાબા હેઠળના પરિસરમાંથી મળી આવેલી કરોડોની રોકડ, તેના સ્ત્રોત કે માલિકી હક અંગે કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા નથી.
સંસદીય તપાસ સમિતિએ સિદ્ધ કરેલા ત્રણ મુખ્ય આક્ષેપો અને ગંભીર તારણો
સંસદીય કમિટીના અહેવાલમાં જસ્ટિસ વર્મા સામે નીચે મુજબના ત્રણ મુખ્ય આરોપો સિદ્ધ ગણવામાં આવ્યા છે:
1. અઘોષિત રોકડ અને માલિકીની અસ્પષ્ટતા: નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી 500 રૂપિયાની નોટોના રૂપમાં મળેલી રોકડના સ્ત્રોત અંગે જજ તરફથી અપાયેલો જવાબ ગેરજવાબદાર અને અસંતોષકારક રહ્યો હતો.
2. ભૌતિક પુરાવાઓની જાળવણીમાં નિષ્ફળતા: કાનૂની સીલિંગ અને તપાસ પહેલાં જ સ્ટોરરૂમની સ્થિતિ બદલાઈ ગઈ હતી. બાદમાં કેટલીક રોકડ ગાયબ થવા અંગે કોઈ સ્પષ્ટતા મળી નહોતી, જેને પુરાવા વિનિષ્ટ કરવાની ગંભીર નિષ્ફળતા ગણાવાઈ છે.
3. ટાળમટોળ ભર્યો વલણ: જસ્ટિસ વર્માનો ૨૨ માર્ચ ૨૦૨૫ નો જવાબ અને તપાસ પ્રક્રિયા દરમિયાનનો વ્યવહાર સહકારપૂર્ણ ન હોવાનું કમિટીએ નોંધ્યું છે.
રાત્રે 2 વાગ્યાની શંકાસ્પદ વાતચીત અને પુરાવા જપ્ત ન કરવાની દિલ્હી પોલીસની 'ગંભીર ભૂલ'
રિપોર્ટમાં આગ લાગવાની ઘટના બાદ રાત્રે 2 વાગ્યે જસ્ટિસ વર્મા અને તેમના અંગત સ્ટાફ વચ્ચે થયેલી વાતચીતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ મહત્વપૂર્ણ વાતચીત અંગે બચાવ પક્ષ દ્વારા કોઈ સ્ટાફ સભ્યને સાક્ષી તરીકે રજૂ ન કરાતાં કમિટીએ આ બાબતને પ્રતિકૂળ માની છે.
આ ઉપરાંત, ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હી પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓએ સ્થળ પરથી રોકડને વિધિવત જપ્ત ન કરી, નોટોની ગણતરી ન કરી અને કાનૂની યાદી ન બનાવી તેને 'ગંભીર ચુક' ગણાવી છે. આ જ કારણસર કમિટી રોકડની ચોક્કસ રકમ નક્કી કરી શકી નથી, પરંતુ 500 ની નોટોનો મોટો જથ્થો હોવાનું પ્રમાણિત થયું છે.
જસ્ટિસ વર્માનું રાજીનામું અને સંસદીય મહાભિયોગ પ્રક્રિયા પર તેની કાનૂની અસર
બીજી તરફ, સંસદીય તપાસનો અહેવાલ આવે તે પહેલાં જ જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિને રાજીનામું સુપરત કર્યા બાદ તે આપોઆપ અમલી બને છે.
જસ્ટિસ વર્માના રાજીનામાને કારણે તેમને હોદ્દા પરથી હટાવવા માટે સંસદમાં ચાલનારી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા હવે તાંત્રિક રીતે નિષ્પ્રભાવી બની ગઈ છે. જોકે, સંસદીય સમિતિએ તમામ પુરાવા અને દસ્તાવેજો કાયદાકીય કચેરીને આગળની દીવાની કે ફોજદારી કાર્યવાહી માટે સોંપી દીધા છે.
આ પણ વાંચો : Jhansi Accident Video : 6 દિવસ બાદ સામે આવ્યું અતીક અહેમદના દીકરાના અકસ્માતનું રહસ્ય!, વીડિયો જોઇ રુવાટા ઉભા થઇ જશે