સંસદ ભવનમાં અનોખી નોકરી
આ કામ માટે નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ સરકારી કચેરીઓ અને મહત્વના સંકુલોમાં સતત પેટ્રોલિંગ કરે છે. તેઓ સમયાંતરે લંગૂર જેવી અવાજ (Langur Sound) કાઢે છે જેથી વાંદરાઓ ડરીને ત્યાંથી દૂર ભાગી જાય. અગાઉ આ કામ માટે ખરેખર લંગૂર રાખવામાં આવતા હતા, પરંતુ પ્રાણી સંરક્ષણ (Animal Protection) સંબંધિત નિયમો બાદ હવે માણસો જ આ જવાબદારી નિભાવે છે. હાલમાં સંસદ ભવન (Parliament House) માં અસલમ ખાન સહિત 4 લોકો આ કામગીરી કરે છે. તેમનો મુખ્ય હેતુ વાંદરાઓને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર માત્ર અવાજ દ્વારા તેમને દૂર રાખવાનો હોય છે.
અસલમ ખાનને આ ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ
વાયરલ થયેલા અસલમ ખાને જણાવ્યું કે તેઓ છેલ્લા 15થી 20 વર્ષથી આ કામ સાથે જોડાયેલા છે. સંસદમાં આવતાં પહેલાં તેઓ તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં પણ આવી જ ફરજ બજાવી ચૂક્યા છે. દિલ્હીના અનેક સરકારી ભવનોમાં આવી સેવાઓ માટે ખાસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે, જે આખો દિવસ વાંદરાઓને દૂર રાખવાની જવાબદારી સંભાળે છે.
આ નોકરી કેવી રીતે મળે છે?
આ કામ માટે સરકાર સીધી ભરતી (Recruitment) કરતી નથી. તેના બદલે સંબંધિત વિભાગો દ્વારા ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવે છે. જે ખાનગી કંપની ટેન્ડર જીતે છે, તે પોતાની તરફથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને તેમને સરકારી ભવનોમાં ફરજ પર મૂકે છે. એટલે આ નોકરી મેળવવા માટે સરકારી ભરતી પ્રક્રિયા નહીં પરંતુ ટેન્ડર મેળવનારી કંપનીમાં પસંદગી થવી જરૂરી હોય છે.
કેટલી મળે છે સેલરી?
આ કર્મચારીઓનો પગાર જાહેર કરવામાં આવતો નથી, પરંતુ ટેન્ડર વેલ્યુ (Tender Value) ના આધારે અંદાજ લગાવવામાં આવે છે. તાજેતરમાં દિલ્હી વિધાનસભા (Delhi Assembly) માટે આ કામગીરીનો અંદાજે 17.5 લાખ રૂપિયાનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો. આ બજેટ હેઠળ આખા વર્ષ માટે કર્મચારીઓની નિમણૂક કરવાની હતી. આ વ્યવસ્થામાં સોમવારથી શુક્રવાર સુધી 5 કર્મચારીઓ ફરજ બજાવે છે, જ્યારે શનિવારે 2 કર્મચારીઓ ડ્યુટી પર રહે છે. એટલે કુલ મળીને લગભગ 6 લોકોની ટીમ આ કામગીરી સંભાળે છે. દરરોજ લગભગ 8 કલાકની ડ્યુટી (Duty) હોય છે અને ઉપલબ્ધ અંદાજ મુજબ એક કર્મચારીને દર મહિને આશરે 20 હજાર રૂપિયા સુધીનો પગાર (Salary) મળી શકે છે.
નોકરી માટેની મહત્વપૂર્ણ શરતો
આ નોકરીમાં માત્ર હાજરી પૂરતી નથી, પરંતુ યોગ્ય રીતે લંગૂરની અવાજ કાઢવાની કળા આવડવી જરૂરી છે. જો કોઈ કર્મચારી અસરકારક રીતે લંગૂરની અવાજ કાઢી ન શકે અથવા વાંદરાઓને ભગાવવામાં નિષ્ફળ જાય તો તેને નોકરીમાંથી દૂર કરવામાં આવી શકે છે. તે ઉપરાંત, જો કોઈ કર્મચારી યોગ્ય કારણ વગર ફરજ પરથી ગેરહાજર રહે તો તેના પર દરરોજ 1,000 રૂપિયાનો દંડ (Penalty) પણ લગાવવામાં આવી શકે છે. તેથી આ કામ દેખાવમાં ભલે સરળ લાગે, પરંતુ તેમાં સતત સતર્કતા, અનુભવ અને જવાબદારી ખૂબ જરૂરી હોય છે.
આ અનોખી નોકરી ફરી એકવાર ચર્ચામાં આવી છે અને અસલમ ખાનનો વાયરલ વીડિયો લોકોને બતાવી રહ્યો છે કે દેશની મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી વિશિષ્ટ સેવાઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો : Velella Velella : બ્રિટનના દરિયાકિનારે અચાનક ઉતર્યા 'એલિયન' જેવા વદળી જીવો! જાણો શું છે આ રહસ્યમય મહેમાનોનું સત્ય