અંતિમ બે દિવસોમાં સંસદીય ગતિરોધ દૂર કરવા સરકારનો મોટો પ્રસ્તાવ
વર્ષ 2026 ના સંસદના ચોમાસુ સત્રની કામગીરી પૂરી થવામાં હવે માત્ર બે જ દિવસો બાકી રહ્યા છે અને વિપક્ષના સતત હંગામાને કારણે સદનમાંથી કોઈ ખાસ પરિણામલક્ષી કામગીરી થઈ શકી નથી. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ વિપક્ષ સાથે ચાલતો ગતિરોધ તાત્કાલિક સમાપ્ત કરવાનો છે, જેથી દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ શકે.
Advertisement ![Navratri Banner]()
સરકાર ઈચ્છે છે કે વિદ્યાર્થીઓનું Gen Z આંદોલન, રામ મંદિર ચંદા વિવાદ અને ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) જેવા સંવેદનશીલ વિષયો પર સદનમાં ઔપચારિક નિવેદનો આપવાના બદલે વિસ્તૃત અને સાર્થક ચર્ચા હાથ ધરવામાં આવે.
ગૃહમંત્રી અમિત શાહના જવાબ પૂર્વે કેન્દ્રની પંજાબ-ઝારખંડ મુદ્દે નવી શરત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં વિદ્યાર્થી આંદોલન પર જવાબ આપે તે પૂર્વે કેન્દ્ર સરકારે વિપક્ષી દળો સામે એક સ્પષ્ટ શરત મૂકી છે. સરકારે જણાવ્યું છે કે જો જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન પર ચર્ચા થશે, તો તેની સાથે જ પંજાબ અને ઝારખંડ જેવા રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો પર પણ સદનમાં સમાન રીતે ચર્ચા કરવામાં આવશે, જ્યાં વિપક્ષી પક્ષો સત્તામાં છે.
ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને દેશના યુવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે લાઠીચાર્જ, અશ્રુવાયુ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. આ બળપ્રયોગમાં અનેક આંદોલનકારી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, ત્યારથી જ સંસદની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને વિપક્ષ સતત ગૃહમંત્રીના રાજીનામા તેમજ જવાબની માંગ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીના પ્રહારો, રામ મંદિર ચંદા વિવાદ અને વડાપ્રધાન પાસે માફીની માંગણી
બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર સીધા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "સવાલો માત્ર એ નથી કે અમિત શાહ આવીને સંસદમાં ભાષણ આપશે. સવાલ એ છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર અને લાઠીચાર્જ કરવાની મંજૂરી કોણે આપી હતી, તે અમિત શાહે સ્પષ્ટ કરવું પડશે".
આ સાથે જ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની માફી માંગવાની અપીલ કરી છે. તેમણે રામ મંદિર ચંદા ચોરી મામલે જવાબદેહી નક્કી કરવાની માંગ પણ દોહરાવી છે. વિપક્ષનું કહેવું છે કે જ્યાં સુધી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી સંસદમાં ગતિરોધ યથાવત રહેશે.
FCRA સુધારા બિલ પર વિપક્ષમાં વિભાજન અને JPC નો વિકલ્પ
સંસદમાં ગતિરોધનું બીજું મુખ્ય કારણ ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) બિલમાં સુધારાનો પ્રસ્તાવ છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષને સૂચન કર્યું છે કે સરકાર આ વિવાદિત બિલની ઊંડી તપાસ માટે તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ મોકલવા તૈયાર છે.
જોકે, FCRA બિલના મુદ્દે વિપક્ષી દળો પોતે વિભાજિત જોવા મળી રહ્યા છે. વિવાદનું મુખ્ય કારણ બિલમાં રહેલી એક એવી જોગવાઈ છે, જેના હેઠળ જે બિનસરકારી સંગઠનો (NGOs) નું FCRA રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોય, તેમની વિદેશી સંપત્તિઓ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન પર નજર રાખવા માટે એક વિશેષ સરકારી ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ છે. હવે સત્રના છેલ્લા બે દિવસોમાં આ ગતિરોધ કેવી રીતે ઉકેલાય છે તેના પર સમગ્ર દેશની નજર છે.
આ પણ વાંચો : Har Ghar Tiranga Campaign : ઇન્સ્ટાગ્રામ પર PMનો ખાસ સંદેશ, 'હર ઘર તિરંગા, હર મન તિરંગા'ના નારા સાથે સ્વતંત્રતા દિવસ ઉજવવા આહવાન