સુપ્રીમ કોર્ટનો વ્યક્તિગત સ્વતંત્રતા અંગે મોટો નિર્ણય
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ભાર મૂક્યો છે કે નાગરિકની સ્વતંત્રતા પર નિયંત્રણ મુકાય તે ક્ષણથી જ કાયદાનું કવચ અમલમાં આવે છે. ન્યાયતંત્રના મતે કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવી કે તેની સત્તાવાર ધરપકડ કરવી, આ બંને બાબતો એક જ સમાન રીતે વ્યક્તિની મુક્ત હિલચાલ અને આઝાદી પર સીધો અંકુશ મૂકે છે. તેથી પોલીસ તંત્ર તપાસના નામે ગેરકાયદેસર રીતે કોઈને બેસાડી રાખી શકે નહીં.
અટકાયત અને ઔપચારિક ધરપકડ વચ્ચે ભેદભાવ નહીં
સુપ્રીમ કોર્ટે દેશની કેટલીક વડી અદાલતોના અગાઉના વલણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે નોંધ્યું કે અટકાયતમાં લેવાના સમય અને કાગળ પર નોંધાતી ધરપકડ વચ્ચે અલગ-અલગ કાયદાકીય સ્થિતિ દર્શાવીને અંતર ઊભું કરવું અયોગ્ય છે. તપાસ એજન્સીઓ આ પ્રકારના અર્થઘટનનો લાભ લઈને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોય છે, જેને ન્યાયતંત્ર ક્યારેય મંજૂરી આપી શકે નહીં.
ત્રિપુરા હાઈકોર્ટના હુકમ સામે સર્વોચ્ચ અદાલતનું કડક વલણ
આ મહત્વપૂર્ણ મામલો પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાની વડી અદાલતના એક હુકમ સાથે સંકળાયેલો હતો. આ કેસમાં 29 સપ્ટેમ્બર 2025 ના રોજ 4 નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, પરંતુ દસ્તાવેજોમાં તેમની ધરપકડ 30 સપ્ટેમ્બરના રોજ બતાવવામાં આવી હતી. અસરગ્રસ્ત નાગરિકોએ નિર્ધારિત સમય-મર્યાદામાં ન્યાયાધીશ સમક્ષ રજૂ ન કરવા બદલ આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી, પરંતુ તે સમયે તેમની રજૂઆત નકારવામાં આવી હતી. દેશની ટોચની કોર્ટે હવે આ ભૂલ સુધારીને કાયદાકીય સિદ્ધાંત પુનઃ સ્થાપિત કર્યો છે.
બંધારણીય જોગવાઈઓ અને BNSS ની કલમ 58 નું મહત્વ
ચુકાદામાં બંધારણના મૂળભૂત અધિકારો અને નવા ફોજદારી કાયદાની કલમોનું કડક પાલન કરવાનો આદેશ અપાયો છે. તપાસ અધિકારીએ ભારતીય બંધારણના અનુચ્છેદ 22(2) હેઠળ આપવામાં આવેલી ફરજિયાત 24 કલાકની મર્યાદાનું પાલન કરવું જ પડશે. આ સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 58 હેઠળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અટકાયતનો સમયગાળો 24 કલાકની અંદર પણ તદ્દન વ્યાજબી હોવો જોઈએ.
મેજિસ્ટ્રેટની વૈધાનિક ફરજ અને તાત્કાલિક મુક્તિનો નિર્દેશ
ન્યાયિક અધિકારીઓની જવાબદારી નક્કી કરતાં સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટે તેની અટકાયતની વાસ્તવિક તારીખ અને ચોક્કસ સમય રેકોર્ડ પર લેવો પડશે. ન્યાયાધીશે ચકાસવું પડશે કે તે વાસ્તવિક સમયથી ગણતરી કરતાં સમય-મર્યાદાનું પાલન થયું છે કે નહીં. જો આ સમયગાળાનું સહેજ પણ ઉલ્લંઘન થયું હોય, તો મેજિસ્ટ્રેટે કોઈ પણ ઢીલ વગર સંબંધિત વ્યક્તિને કસ્ટડીમાંથી તાત્કાલિક મુક્ત કરી દેવી જોઈએ.
આ પણ વાંચો : Uttarkashi માં Surat ના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકી, મા-દીકરી સહિત ચારના મોત, બે મહિલા ગુમ