વાયરલ વીડિયોના કારણે વિજેતા દહિયાની પ્રવક્તા પદેથી હકાલપટ્ટી
દિલ્હીના પ્રતિષ્ઠિત વિરોધ સ્થળ જંતર-મંતર પર ચાલી રહેલા શૈક્ષણિક આંદોલન વચ્ચે કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાના જ સત્તાવાર પ્રવક્તા સામે કડક કાનૂની અને સંગઠનાત્મક પગલાં લીધા છે (CJP Jantar Mantar Protest). પક્ષના કાર્યકર્તાઓ પર જ્યારે દિલ્હી પોલીસ કાર્યવાહી કરી રહી હતી, તે જ સમયે પ્રવક્તા મોલમાં ખાણી-પીણીની મજા માણી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.
કૉકરોચ જનતા પાર્ટીએ આ અંગે એક સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું છે કે, "અમે અમારા પ્રવક્તા વિજેતા દહિયાના અત્યંત અસંવેદનશીલ અને ગેરજવાબદાર વ્યવહારની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને અમારી આખી ટીમ પોલીસની બર્બર કાર્યવાહીનો સામનો કરી રહી હતી, ત્યારે તેમનો આવો વીડિયો સામે આવવો તદ્દન અસ્વીકાર્ય છે. આ વ્યવહાર અમારા આંદોલનના મૂલ્યો અને સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાથી તેમને પ્રવક્તા પદેથી મુક્ત કરવામાં આવે છે."
વાયરલ વીડિયો અને બર્ગર આઉટલેટ પર યુવાનોના આકરા સવાલોનો વિવાદ
સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર વાયરલ થયેલા આ વિડીયોમાં વિજેતા દહિયા એક પોશ મોલના પ્રખ્યાત બર્ગર આઉટલેટ પર ઉભેલા જોવા મળે છે (Dahiya Burger Viral Video). વીડિયોમાં બેકગ્રાઉન્ડમાંથી કેટલાક યુવાનો તેમને ખૂબ જ આકરા સવાલો પૂછતા સંભળાય છે કે, "જ્યારે અમે રસ્તા પર લાઠીઓ ખાઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે તમે અહીં આરામથી બર્ગર ખાઈ રહ્યા હતા?"
જો કે, આ વીડિયો કયા ચોક્કસ સમયે રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેની પાછળની વાસ્તવિક પરિસ્થિતિઓ શું હતી, તેની કોઈ સ્વતંત્ર મીડિયા એજન્સી દ્વારા સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ વિડીયો વાયરલ થતાં જ પક્ષની છબીને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે.
પૂર્વ પ્રવક્તા વિજેતા દહિયાનું ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર નિવેદન:
"હું છેલ્લા દોઢ મહિનાથી સતત આ યુવા આંદોલનમાં સક્રિય છું અને છેલ્લા બે દિવસથી બિલકુલ ઊંઘી શક્યો નથી. બર્ગર ખાવું એ આટલો મોટો રાષ્ટ્રીય મુદ્દો કેમ બનાવી દેવાયો? કોઈ પણ સામાન્ય માણસ જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાતો હોય છે. મને આ આંદોલન ચલાવવા માટે કોઈ પૈસા નથી આપતું. હું દેશના ભવિષ્ય માટે લડી રહ્યો છું. હા, હું બર્ગર ખાઈશ."
જો કે, વિજેતા દહિયાએ પોતાની આ વિડીયો સ્પષ્ટતાની સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં એક તદ્દન નવો વળાંક આપતા લખ્યું હતું કે, તેમણે ખરેખર બર્ગર ખાધું જ નહોતું (Vijeta Dahiya Instagram Clarification). બર્ગરમાં મેદો અને હાનિકારક ટ્રાન્સ ફેટ હોવાના કારણે તેમણે ઓર્ડર કેન્સલ કરીને અન્ય કોઈ તંદુરસ્ત જગ્યાએ જઈને જમવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પક્ષે તેમની હકાલપટ્ટી કરી દીધી હતી.
નીટ પેપર લીક મુદ્દે કૉકરોચ જનતા પાર્ટીનું આંદોલન અને વિજેતા દહિયાના અગાઉના વિવાદો
આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ પેપર લીક અને પરીક્ષાની ગંભીર અનિયમિતતાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માગ કરવામાં આવી રહી છે (Dharmendra Pradhan Resignation Demand). ગત રોજ પ્રદર્શનકારીઓએ સંસદ ભવન તરફ માર્ચ કાઢી હતી, જ્યાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આંસુ ગેસના ગોળા છોડ્યા હતા (Parliament March Police Action).
અત્રે ઉલ્લેખનીય છે કે વિજેતા દહિયા અગાઉ પણ સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. ભૂતકાળમાં ટ્રાન્સજેન્ડર સમુદાય અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી અંગે તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓની વ્યાપક સ્તરે આકરી આલોચના થઈ ચૂકી છે. આ નવીનતમ ઘટના બાદ પક્ષ આગામી દિવસોમાં નવા સત્તાવાર પ્રવક્તાની જાહેરાત કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Sonam Wangchuk Medanta Hospital : જંતર-મંતરથી ધરપકડ બાદ સફદરજંગથી હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાશે વાંગચુક, સમર્થકોમાં રાહત