અબુધાબીના BAPS હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું
- એક વર્ષ પૂર્ણ થવા પર BAPS મંદિરમાં ભવ્ય પાટોત્સવ
- 2 ફેબ્રુઆરીને વસંત પંચમીના પવિત્ર દિવસે પાટોત્સવ
- વહેલી સવારે 5.30 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી કરાઈ પૂજા
Grand Patotsav at BAPS temple : આરબ દેશમાં એકમાત્ર એવા અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અવિસ્મરણીય ઘડી છે. ગયા વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘડીને એક વર્ષ પૂર્ણ થવા પર અબુધાબીના BAPS હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશેષ સભાનું આયોજન
2 ફેબ્રુઆરીને રવિવારના રોજ વસંત પંચમીના શુભ દિવસ પર પહેલો પાટોત્સવ ઉજવાયો. વહેલી સવારે સાડા પાંચ કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી પાટોત્સવનો પ્રારંભ થયો. સાત શીખરના દેવતાઓનું મહંતશ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું. પહેલીવાર કોઈ મુસ્લિમ આરબ દેશમાં હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવ એ સનાતન ધર્મના મજબૂત પાયાના દર્શન કરાવે છે. 10 હજારથી વધુ હરિભક્તો આ વૈદિક મહાપૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. સવારની શાસ્ત્રોક્ત પૂજા પછી સાંજના સમયે મંદિર પ્રાંગણમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Mahakumbhના આયોજન અંગે CM યોગીનો અખિલેશ યાદવ પર વળતો પ્રહાર
હિન્દુ મંદિર તેના કોતરણી કામ અને શિલ્પ માટે જાણીતું
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ મહાપૂજાથી આ વિશેષ સભાની શરૂઆત કરી હતી. આ સભામાં અનેક હરિભક્તો જોડાયા હતા. ભક્તિ ગીતો, શાસ્ત્રીય નૃત્યો અને વાર્તાના સત્રો આ સભામાં રજુ કરવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. મહત્વનું છે કે અબુધાબીમાં આ હિન્દુ મંદિરનું બાંધકામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. આરબ ધરતી પર આ પહેલું હિન્દુ મંદિર તેના કોતરણી કામ અને શિલ્પ માટે પણ ખૂબ જાણીતું છે. જે દર વર્ષે અસંખ્ય મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે.
જાણો મંદિરની વિશેષતા
મંદિર અંગે જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા સામેલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ મંદિર 27 એકરમાં બનાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરને બનાવવામાં ઉત્તર રાજસ્થાનથી અબુધાબી સુધીના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે UAE માં આકરી ગરમી આ મંદિરને નુકસાન નહીં પહોંચાડે. મંદિર માટેનો આરસ ઇટાલીથી લાવવામાં આવ્યો છે. તે જ સમયે, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે, મંદિરના પાયામાં કોંક્રીટની સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અબુ ધાબીમાં બનેલું આ હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે. તેને બનાવવામાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે જ સમયે, તેને બનાવવામાં 3 વર્ષ લાગ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે તેને બનાવવામાં 2000 કારીગરોએ કામ કર્યું છે.
આ પણ વાંચો : મહાકુંભમાં મહારેકોર્ડ! પ્રયાગરાજ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું