Mahavir Jayanti 2026 : અહિંસા, કરુણા અને નિર્ભયતાનો અમર વારસો
Mahavir Jayanti 2026 : આજે મહાવીર જયંતીના પવિત્ર અવસરે ભારત અને વિશ્વભરના શ્રદ્ધાળુઓ જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે. વર્ધમાન તરીકે જન્મેલા આ દિવ્ય આત્માએ નાનપણથી જ અસાધારણ જ્ઞાન અને આધ્યાત્મિક આંતરદૃષ્ટિનો પરિચય આપ્યો હતો, જે તેમને મોક્ષના માર્ગે લઈ જવા માટે પૂરતો હતો.
ઈ.સ. પૂર્વે 511 માં જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો, ત્યારે તે માત્ર એક સામાન્ય ઘટના નહોતી. સામાન્ય માણસ પરોક્ષ જ્ઞાન સાથે જન્મે છે, પરંતુ મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારથી જ 'અવધિજ્ઞાન' (પ્રત્યક્ષ જ્ઞાન) ધરાવતા હતા. જ્યારે તેમને શાળાએ મોકલવામાં આવ્યા, ત્યારે પહેલા જ દિવસે તેમના શિક્ષકે અનુભવ્યું કે આ બાળકની બુદ્ધિ અલૌકિક છે અને તેમને કોઈ ઔપચારિક શિક્ષણની જરૂર નથી.
તેમના જન્મ પછી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધવા લાગી, તેથી માતા-પિતાએ તેમનું નામ 'વર્ધમાન' રાખ્યું. સાધનામાં તેમની સહનશક્તિ જોઈને તેઓ 'મહાવીર'-Mahavir કહેવાયા અને સંશયો દૂર કરવાની તેમની શક્તિને (power to dispel doubts)કારણે સંતોએ તેમને 'સમણ' તરીકે ઓળખાવ્યા.
Mahavir Jayanti 2026 : રાજમહેલમાં મુનિ જેવું જીવન
મહાવીર નાનપણથી જ સંસાર ત્યાગવા ઈચ્છતા હતા, પરંતુ માતા-પિતાની લાગણી દુભાય નહીં તે માટે તેઓ ઘરે રહ્યા. માતા-પિતાના અવસાન બાદ જ્યારે તેમણે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે મોટા ભાઈ નંદિવર્ધને વિનંતી કરી કે હજુ આપણે માતા-પિતાના વિયોગના દુઃખમાંથી બહાર આવ્યા નથી, માટે બે વર્ષ થોભી જાવ. મહાવીરે ભાઈની આજ્ઞા માની બે વર્ષ ઘરમાં વિતાવ્યા, પણ આ સમય દરમિયાન એક રાજકુમાર હોવા છતાં તેઓ મનથી સંપૂર્ણ વિરાગી અને મુનિ જેવું જીવન જીવ્યા.
Mahavir Jayanti 2026 :કઠિન સાધના અને નિર્ભયતા
28 વર્ષની વયે દીક્ષા લઈને મહાવીરે ૧૨ વર્ષ સુધી કઠિન તપસ્યા કરી. આપણે તેમને અહિંસાના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેઓ 'નિર્ભયતા' (અભય-Abhay) ના પણ પ્રણેતા હતા. તેમનું માનવું હતું કે જે ડરે છે તે ક્યારેય અહિંસક બની શકતો નથી.
તેમણે જંગલો, પહાડો અને ગુફાઓમાં એકલા રહીને સાધના કરી. શૂલપાણિ યક્ષના મંદિરમાં લોકોએ ચેતવણી આપી હતી કે ત્યાં કોઈ જીવતું બચતું નથી, છતાં મહાવીર ત્યાં નિશ્ચિત થઈને રહ્યા અને ડરને જીતી લીધો.
ચંડકૌશિક સર્પ અને કરુણાનો સંદેશ
મહાવીરના જીવનનો સૌથી મોટો પ્રસંગ ચંડકૌશિક (Chandakaushik) સર્પ સાથેનો છે. જે સર્પની નજરમાં ઝેર હતું અને જેની ફુંફાડાથી માણસ રાખ થઈ જતો, તેની સામે મહાવીર શાંત મુદ્રામાં ઊભા રહ્યા. સર્પે તેમને કરડવાનું શરૂ કર્યું, લોહી નીકળવા લાગ્યું, છતાં મહાવીર મેરુ પર્વતની જેમ અડગ રહ્યા. તેમણે સર્પને ઝેર સામે 'કરુણાના કિરણો' આપ્યા. આ પ્રસંગ સાબિત કરે છે કે મહાવીર માટે કોઈ શત્રુ નહોતો.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ
મહાવીરે સંકલ્પ કર્યો હતો કે, "હું આ શરીરને આત્માના કલ્યાણ માટે સમર્પણ કરું છું. આ શરીર ભવસાગર પાર કરવાની એક નૌકા માત્ર છે." તેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો અને સંપૂર્ણ સમતા ધારણ કરી.
અંતે, 12 વર્ષની આકરી સાપસ્યા બાદ રુજુવાલુકા (બાલુક) નદીના કિનારે, શ્યામક નામના ગૃહસ્થના ખેતરમાં, એક વૃક્ષ નીચે 'ગોદોહિકા' આસનમાં ભગવાન મહાવીરે 'કેવળજ્ઞાન' (સંપૂર્ણ જ્ઞાન-Complete knowledge) પ્રાપ્ત કર્યું.
ભગવાન મહાવીરના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે સાચો વિજય બહારની દુનિયા જીતવામાં નથી, પણ પોતાની ઈન્દ્રિયો અને ડર પર વિજય મેળવવામાં છે. તેમનું ત્રિપદ - અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ - આજે પણ વિશ્વશાંતિ માટે સૌથી મોટું શસ્ત્ર છે.
આ પણ વાંચો : Prem Bhakti : પ્રેમી જનને વશ પાતળિયો


