Chardham Yatra New Rules : ચારધામ યાત્રામાં ભીડને અટકાવવા બદલાયા નિયમો, જાણો શું છે નવી વ્યવસ્થા?
Chardham Yatra New Rules : ઉત્તરાખંડમાં આવેલી ચારધામ યાત્રા (Chardham Yatra) પર ઉમટતી લાખોની ભીડને કારણે સર્જાતી અંધાધૂંધીને અટકાવવા માટે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર દર્શન ન થવા અને વ્યવસ્થાના અભાવના વીડિયો વાયરલ થતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) એ યાત્રાને સુગમ અને વ્યવસ્થિત બનાવવા માટે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે.
Chardham Yatra New Rules : મંદિર પરિસરમાં ભીડ ન થાય તે માટે લેવયો નિર્ણય
નવા નિયમો મુજબ, જો મંદિરોમાં ભીડ મર્યાદા બહાર જાય, તો શ્રદ્ધાળુઓ અને વાહનોને સુરક્ષિત હોલ્ડિંગ એરિયા (Holding Area) અને ચેક પોઈન્ટ્સ પર જ રોકી દેવામાં આવશે. આ નિર્ણયનો હેતુ મંદિર પરિસરમાં ભીડનું દબાણ ઘટાડવાનો છે. સરકારના આ આદેશ બાદ, શ્રદ્ધાળુઓને કતારમાં ઉભા રહેવાને બદલે હોલ્ડિંગ એરિયામાં થોડો સમય રાહ જોવી પડી શકે છે.
તમામ માહિતી શ્રદ્ધાળુને આપવામાં આવે તેવી વ્યવસ્થા
તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ શ્રદ્ધાળુઓને રોકવામાં આવે, ત્યારે તેમને LED ડિસ્પ્લે, FM રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા તમામ માહિતી આપવામાં આવે. રોકવાનું કારણ અને અંદાજિત સમય વિશે શ્રદ્ધાળુઓને અગાઉથી જાણ કરી દેવી જોઈએ. એટલું જ નહીં, આ હોલ્ડિંગ પોઈન્ટ્સ પર પીવાના પાણી, ભોજન અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા રાખવી ફરજિયાત કરવામાં આવી છે.
રેસ્ટોરન્ટ્સે ભાવપત્રક જાહેર કરવુ ફરજીયાત
યાત્રા માર્ગ પર વધતી જતી મોંઘવારીને ડામવા માટે હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ભાવપત્રક (Rate List) પ્રદર્શિત કરવું ફરજિયાત બનાવ્યું છે, સાથે જ ભોજનની ગુણવત્તાની નિયમિત તપાસના પણ આદેશ અપાયા છે. વધુમાં, માર્ગ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે દિવસ દરમિયાન માલવાહક વાહનો (Goods Vehicle) ના સંચાલન પર રોક લગાવી દેવામાં આવી છે. આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા ટ્રકો હવે માત્ર રાત્રિ દરમિયાન જ ચાલી શકશે. રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી મુસાફરોના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના આ પગલાંથી યાત્રાળુઓને હવે વધુ સુવિધા અને સુરક્ષા મળશે તેવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Amarnath Yatra 2026 : શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાનું અભેદ્ય કવચ, જાણો શું છે વ્યવસ્થા


