Dharmabhakti : શુક્રવારે સુખ-સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અજમાવો આ સચોટ ઉપાયો
- શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે
- લાલ કપડાની પોટલીમાં ચોખા, કેસર અને ગુલાબ મૂકીને મા લક્ષ્મીના મંદિરમાં અર્પણ કરો
- દર શુક્રવારે 'ओम श्रीं महालक्ष्म्यै नमः' મંત્રનો 108 વાર જાપ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે
Dharmabhakti : શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત વાર છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મી (Goddess Lakshmi) ની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં શુક્રવારના રોજ મા લક્ષ્મીની કૃપા મેળવવાના કેટલાક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. મા લક્ષ્મીની પ્રસન્નતાથી આપ માત્ર ધન મેળવી શકો તેવું નથી પરંતુ આપ સુખ-શાંતિ, આરોગ્યલાભ અને સામાજિક શ્રેષ્ઠતા પણ મેળવી શકો છો. આજે શુક્રવારે મા લક્ષ્મીને પ્રસન્ન કરતા કેટલાક ઉપાયો વિશે જાણી લો.
સફેદ વસ્તુનું દાન
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. શુક્રવારના રોજ જો તમે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા (Rice) નું દાન કરો છો તો તે ખૂબ જ પુણ્યદાયી દાન ગણાય છે. એવી માન્યતા છે કે શુક્રવારે ચોખાનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને મા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે. જો તમે શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
લાલ કપડાની પોટલી
જો તમે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે શુક્રવારે એક ખાસ ઉપાય અજમાવી શકો છો. શુક્રવારે વહેલી સવારે સ્નાનાદિથી પરવારી વિધિવત રીતે મા લક્ષ્મી (Goddess Lakshmi) ની પૂજા-અર્ચના કરો. ઉપરાંત લાલ રંગના કપડામાં મુઠ્ઠીભર આખા ચોખા, થોડું કેસર અને ગુલાબનું એક ફુલ મૂકો. આ કપડાની પોટલી બનાવીને મંદિરમાં મા લક્ષ્મીની મૂર્તિ સમક્ષ તેને અર્પણ કરો. શુક્રવારે કરવામાં આવતો આ ઉપાય ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને તમને સફળતા મળશે. આ ઉપાય કરવાથી તમારા લાંબા સમયથી અટકી પડેલા કામ પણ પૂર્ણ થવા લાગે છે.
'ओम श्रीं महालक्ष्म्यै नमः' મંત્રનો જાપ
ઘરમાં અઢળક ધન હોય તેનાથી જ માણસ સુખી થઈ જાય તેવું નથી. પારિવારીક શાંતિ, પરિવારના સભ્યો અને પોતાની તંદુરસ્તી અને સામાજિક મોભો પણ ખૂબ અગત્યના છે. મા લક્ષ્મી પાસેથી ધન ઉપરાંત સુખ-શાંતિ, સામાજિક સન્માન અને આરોગ્ય માટે મંત્ર જાપ ખૂબ જ અગત્યના ગણાય છે. શુક્રવારે જો તમે 108 વાર 'ओम श्रीं महालक्ष्म्यै नमः' નો જાપ કરો છો તો તમારા પર મા લક્ષ્મીની અનહદ કૃપા થશે. તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા જે ઉપાયો કરો છો તેનાથી આ સુખ-સમૃદ્ધિની દેવી માત્ર તમારા પર જ નહિ પરંતુ તમારા સમગ્ર પરિવાર પર પણ કૃપા વરસાવશે.
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)