Faith In God : ભગવાન ભૂખ્યા રાખે નહીં-મારીને પણ ખવરાવે !
Faith In God : શું ભગવાન દરેક જીવનો પાલનહાર- છે? વાંચો એક અહંકારી શેઠ અને શ્રદ્ધાળુ પૂજારીની આ રસપ્રદ ગુજરાતી વાર્તા, જે શીખવે છે કે પરમાત્માની લાકડીમાં અવાજ નથી હોતો પણ એની વ્યવસ્થા અચૂક હોય છે.
ભગવાને ગીતામાં કહ્યું છે
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥
જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતાં નિષ્કામભાવે ભજે છે, એ નિત્ય-નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું* હું પોતે વહન કરું છું. ॥
ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે: જે ભગવાનને કર્તા માનશે એને તો સોડમાં રોટલા નાખી જાય. એનું આત્યંતિક કલ્યાણ થાય એની ગેરંટી છે.
આવો આ ગહન વિષયને એકવાર્તા રૂપે સમજીએ
Faith In God :: ભૂખ્યા સુવાડે પણ સુવાડે
એક ગામમાં એક મોટા ગજાના શેઠ રે’તા’તા. શેઠના ઘરની બાજુમાં જ એક મંદિર હતું. એક રાતે મંદિરના પૂજારીએ ભજન-કીર્તન ચાલુ કર્યા, એટલે અવાજના લીધે શેઠની ઊંઘમાં ભંગ પડ્યો. શેઠ તો આખી રાત પડખાં ઘસતા રહ્યા ને હવારે રાતાચોળ થઈને પૂજારી પાસે પહોંચ્યા.
શેઠ: "અરે પૂજારી! આ શું માંડ્યું છે? આખી રાત અવાજ કરીને મારી ઊંઘ હરામ કરી નાખી!"
પૂજારી: "અરે શેઠ, કાલ તો અગિયારસનું જાગરણ હતું, એટલે ભગવાનના નામની ધૂન હાલતી’તી."
શેઠ: "શેના જાગરણ ને શેની ધૂન? માણસ હરખી ઊંઘ લે તો જ હવારે કામે વળગે, કમાય ને તો જ ખાય!"
પૂજારી: "શેઠ, તમે ગમે એટલું કમાવ પણ ખવરાવનારો તો ઓલ્યો ઉપરવાળો જ છે."
શેઠ: (હસીને) "શું વાત કરો છો? ઈ ભગવાન શું મને ખવરાવવા આવવાનો છે? આપણે હાથ-પગ હલાવીએ ને કમાઈએ તો જ પેટ ભરાય."
પૂજારી: "શેઠ, આપણું કમાવું ને બૈરીનું રોટલા ઘડવું તો ખાલી નિમિત્ત છે, બાકી સાચો પાલનહાર તો મારો જગન્નાથ જ છે. ઈ આખી દુનિયાને ખવરાવે છે."
શેઠ: "પૂજારીબાપા, આ જૂના જમાનાની વાતો મૂકો. જો તમારો ભગવાન મને ૨૪ કલાકમાં જમાડી દે, તો જ હું માનું. જો ઈ મને ન ખવરાવી શકે, તો તમારે આ ભજન-કીર્તન કાયમ માટે બંધ કરી દેવા પડશે. બોલો, છે મંજૂર?"
પૂજારી: "શેઠ, તમારી પહોંચ ભલે મોટી હોય પણ એના હાથ બહુ લાંબા છે. એ ધારે તો પથ્થરને પણ જમાડે. જેવી તમારી મરજી, અજમાવી જુઓ!"
Faith In God : શેઠની જીદ અને જંગલની સફર
પૂજારીની વાત ખોટી પાડવા શેઠ તો વટમાં ને વટમાં ક્યાંય છેટે ઘોર જંગલમાં વયા ગયા. એક ઊંચા ઝાડ ઉપર જઈને બેસી ગયા ને વિચાર્યું, "હવે જોઉં છું કે અહીં આ વગડામાં મને કોણ જમાડવા આવે છે? ૨૪ કલાક પુરા થાય એટલે પૂજારીની હાર નક્કી!"
થોડી વાર થઈ ત્યાં એક અજાણ્યો વટેમાર્ગુ ઈ ઝાડ નીચે વિસામો લેવા આવ્યો. એ માણસ જતી વખતે ભૂલથી કે ભગવાનની મરજીથી પોતાનું ભાતું (ટિફિન) ત્યાં જ ભૂલી ગયો.
થોડી વારમાં પાંચ ડાકુઓ ત્યાંથી નીકળ્યા. એક ડાકુની નજર થેલા પર પડી. "અરે સરદાર! અહીં તો ગરમાગરમ જમવાનું પડ્યું છે! લાગે છે ભગવાને જ આપણા માટે મોકલ્યું છે."
સરદાર: "એલા ગાંડા થાઓ મા! વગડામાં ભગવાન ખાવાનું નો મોકલે. આ નક્કી પોલીસનું કે દુશ્મનોનું કાવતરું લાગે છે. આમાં ઝેર હોઈ શકે. આજુબાજુ તપાસ કરો, કોણ મૂકી ગયું છે?"
ડાકુઓએ બૂમો પાડી પણ કોઈ બોલ્યું નહીં. પછી એમની નજર ઝાડ ઉપર બેઠેલા શેઠ પર પડી. ડાકુઓ ત્રાડ્યા, "એય નીચે ઉતર! કોણ છે તું?"
"મારીને પણ ખવરાવે"
શેઠ તો બીકના માર્યા ધ્રૂજવા માંડ્યા. ડાકુઓએ એમને પરાણે નીચે ઉતાર્યા.
સરદાર: "કેમ લ્યા! આ ખાવામાં ઝેર નાખીને અમને મારવા બેઠો છે? ચાલ, પહેલા તું આ ખા!"
શેઠ: "ના ભાઈ, હું નહીં ખાઉં. આ ખાવાનું મારું નથી."
ડાકુ: "એમ નહીં માને!" (સરદારે શેઠના ગાલ પર એક જોરદાર ઝાપટ ચોડી દીધી).
શેઠને તરત પૂજારીના વેણ યાદ આવ્યા કે "ઈ ન ખાઓ તો મારીને પણ ખવરાવશે."
શેઠ: "બાપા, હું ગમે એમ થાય પણ નહીં ખાઉં!"
હવે તો ડાકુઓને પાકી ખાતરી થઈ ગઈ કે આમાં ઝેર જ છે. એમણે શેઠના હાથ-પગ પકડ્યા, નાક દબાવ્યું અને પરાણે મોઢું ખોલાવીને બટકું અંદર પધરાવી દીધું. બે-ચાર લાફા ને મુક્કા પડ્યા એટલે શેઠ સમજી ગયા કે જો હવે જીદ કરીશ તો આ ડાકુઓ મને જીવતો નહીં મેલે.
શેઠ રડતા-રડતા ખાવા માંડ્યા અને મનમાં બોલ્યા, "બાપલિયા! તું તો ખરેખર જીતી ગયો! પૂજારી સાચું જ કે'તો'તો કે તું ધારે તો મારીને પણ ખવરાવે!"
ડાકુઓ તો શેઠને ટીપીને હાલતા થયા. શેઠ સીધા ગામમાં પૂજારી પાસે દોડ્યા ને એમના પગમાં પડી ગયા. શેઠ બોલ્યા, "પૂજારીબાપા, મને માફ કરી દો. તમારો ભગવાન સાચો છે. મારો અહંકાર ઓગળી ગયો. ઈ જગતનો નાથ જ સાચો પાલનહાર છે."
દુનિયાનો બધોય વહીવટ ઈ પરમાત્મા જ સંભાળે છે. આપણો તો માત્ર ખાલી અહંકાર જ છે. ભગવાન ઉપર અડગ શ્રદ્ધા રાખો, એ કોઈનું ખરાબ નથી થવા દેતો.
આ પણ વાંચો : Vaishno Devi Mandir ના પરિસરમાં વીડિયો લેનારનું આવી બનશે !


